વિસનગર માર્કેટયાર્ડના અણઘડ નિર્ણયથી ખેડૂતો-વેપારીઓ મુશ્કેલીમાં
કરીયાણા અને શાકભાજી માર્કેટ બંધ કરવામાં આવતા ભારે રોષ જોવા મળ્યો હતો
વિસનગર માર્કેટયાર્ડના અણઘડ નિર્ણયથી ખેડૂતો-વેપારીઓ મુશ્કેલીમાં
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મહેસાણા જીલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થવાની સાથેજ વિસનગર માર્કેટયાર્ડનુ તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શાકમાર્કેટનુ હૉલસેલ અને કરીયાણા બજાર બંધ રાખવામાં આવતા લોકોની લાગણી વર્તાઈ હતી કે, શહેરની સ્થાનિક ઘરાકીને નજરમાં રાખી આ બન્ને માર્કેટ ચાલુ રાખવા છુટ આપવી જોઈએ. લોકોની અને વેપારીઓની નારાજગી જોતા થોડી છુટછાટ સાથે માર્કેટયાર્ડનુ કામકાજ સોમવારથી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો.
મે મહિનાની શરૂઆતમાં મહેસાણા જીલ્લામાં એકજ દિવસમાં કોરોનાના એક સાથે ૨૧ પોઝીટીવ કેસ સામે આવતા જીલ્લાનુ આખુ વહીવટી તંત્ર દોડતુ થયુ હતુ. પોઝીટીવ કેસમાં વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના વધારે કેસ હતા. વિસનગર માર્કેટયાર્ડમાં વડનગર, ખેરાલુ અને સતલાસણાના ખેડૂતો માલ લઈને આવતા હોઈ તેમજ માર્કેટયાર્ડમાં કામ કરતા પોર્ટરો આ તાલુકામાંથી આવતા હોઈ કોરોના સંક્રમણના ડરથી માર્કેટયાર્ડમાં અનાજ માર્કેટ, કરીયાણા માર્કેટ અને શાકભાજી માર્કેટનુ તમામ કામકાજ તા.૫-૫-૨૦૨૦ થી અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.
માર્કેટયાર્ડના હૉલસેલ શાકમાર્કેટમાંથી શાકભાજીની લારીઓવાળા સમગ્ર શહેરમાં શાકભાજી પુરૂ પાડે છે. જે હૉલસેલ માર્કેટ બંધ થતા આવનાર સમયમાં શાકભાજીની મુશ્કેલી સર્જાવાની પુરેપુરી શકયતા છે. માર્કેટયાર્ડના કરીયાણા બજારમાં કરીયાણાના મોટા વેપારીઓ આવેલા હોવાથી શહેરના લોકો કરીયાણાની ખરીદી કરવા માર્કેટયાર્ડના કરીયાણા બજારમાં જવાનુ વધારે પસંદ કરે છે. માર્કેટયાર્ડનુ કરીયાણા બજાર બંધ થતા એવી પરિસ્થિતિ ઉભી થઈ હતી કે શહેરના લોકોને કેટલાક કરીયાણાના વેપારીઓએ લુંટ્યા હતા. ખેરાલુ, વડનગર અને સતલાસણાના ખેડૂતો તથા વેપારીઓને આવતા રોકવા હૉલસેલ કરીયાણાનો વેપાર બંધ કરી શકાય તેમ છે. પરંતુ કોરોના સંક્રમીત તાલુકામાંથી આવતા લોકોને રોકવા સમગ્ર માર્કેટયાર્ડ બંધ કરીને શહેરના લોકોને બાનમાં લેવામાં આવતા આ નિર્ણયથી ભારે નારાજગી જોવા મળી હતી. તાલુકાના ગામડાઓમાં મોટાભાગે વિસનગર માર્કેટયાર્ડમાંથી કરીયાણુ જાય છે. ત્યારે માર્કેટયાર્ડનુ શાકભાજી અને કરીયાણા માર્કેટ બંધ કરવાના કારણે તેની અસર સમગ્ર તાલુકા ઉપર પડી છે. માર્કેટયાર્ડમાં આવતા લોકોનુ ટેમ્પરેચર ગનથી સ્ક્રીનીંગ તો થાયજ છે. પછી કોરોના વાયરસના ડરના ભયથી શહેર અને તાલુકાના લોકોનો વિચાર કર્યા વગર જે નિર્ણય કરાયો તેના સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. માર્કેટયાર્ડનુ તમામ કામકાજ બંધ કરવાના નિર્ણયથી હોબાળો થતા માર્કેટના ચેરમેન ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં ડીરેક્ટરો સાથે મીટીંગ મળી હતી. જેમાં તા.૧૧-૫-૨૦ ને સોમવારથી માર્કેટયાર્ડની હરાજીનુ કામકાજ શરૂ કરવા નિર્ણય કરાયો હતો. સોમવાર, મંગળવાર, બુધવાર એરંડાની હરાજી કરાશે. ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અન્ય ખેતપેદાશોની હરાજી થશે. કપાસની હરાજી કોટન પ્લેટફોર્મ સોમવારથી શનિવાર ચાલુ રહેશે. કરીયાણા તેલ, ગોળ, ખોળ, પાપડી, ફર્ટીલાઈઝર્સ, દાળ, ચોખાનો વેપાર તા.૧૧-૫-૨૦૨૦ ને સોમવારથી બપોરે ૩-૦૦ થી ૬-૦૦ સુધી ચાલુ રહેશે.