શાકભાજીની લારીઓ ઉપર સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા પાલિકા શાકભાજીના વેપારીઓને નિયમોનુ પાલન કરાવવામાં નિષ્ફળ
શાકભાજીની લારીઓ ઉપર સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા
પાલિકા શાકભાજીના વેપારીઓને નિયમોનુ પાલન કરાવવામાં નિષ્ફળ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
શાકભાજીની વેપારીઓ કોરોના સંક્રમણ ફેલાવવામાં સુપર સ્પ્રેડર છે. ત્યારે વિસનગરના હિતશત્રુઓ જેવા કેટલાક પાલિકા સભ્યોના ઉપરાણાથી શાકભાજીની લારીઓવાળા પાલિકાના નિયંત્રણ બહાર થઈ ગયા છે. કોઈ નિયમોનુ પાલન કરતા નથી. વિસનગરમાં કોરોના પોઝીટીવ કેસ નોધાયો છે. ત્યારે પાલિકાએ હિતશત્રુ જેવા સભ્યોની શેહશરમ રાખ્યા વગર કોરોના સંક્રમણને ધ્યાને રાખી કડક કાર્યવાહી કરવી જોઈએ.
શાકભાજીની લારીઓવાળા ફેરીયાઓના કારણે મોટા શહેરોમાં કોરોના સંક્રમણના કેસ વધતા વિસનગર પાલિકા દ્વારા લારીઓવાળા બહાર ફરે નહી અને એકજ સ્થળે ઉભા રહે તે માટે સ્ટેન્ડ ફાળવવામાં આવ્યા છે. શાકભાજી ખરીદતા સોશિયલ ડીસ્ટન્સનુ પાલન થાય તે માટે સ્કુલના મેદાનમાં લારીઓ ઉભી રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે છુટા છવાયા ઉભા રહેવાના બદલે નજીકમાં લારીઓ ઉભી રાખે છે. જેના કારણે સોશિયલ ડીસ્ટન્સ જળવાતુ નથી. કેટલાક લારીઓવાળા સ્ટેન્ડની જગ્યાએ બહાર રોડ ઉપર ફરીને વેપાર કરતા જોવા મળે છે. ગંજબજાર ફાટકથી તાલુકા સેવાસદન સુધી રોડની બન્ને બાજુ આડેધડ લારીઓ ઉભી રાખી શાકભાજીનો વેપાર કરતા જોવા મળે છે.
શાકભાજીની લારીઓના વેપારીઓ દ્વારા કોરોના સંક્રમણ થતુ અટકાવવા મોઢે માસ્ક અને હાથમાં મોજા પહેરવા ફરજીયાત છે. ત્યારે મોટાભાગના લારીઓવાળા તેનો અમલ કરતા નથી. શાકભાજી વેચાણ કરતી વખતે શાકભાજીવાળા જ્યાં ત્યાં થુંકતા જોવા મળે છે. શાકભાજીના લારીઓવાળાને સુધારવામાં નિયંત્રણમાં લેવામાં નહી આવે તો વિસનગરમાં એક સાથે મોટી માત્રામાં કોરોનાના કેસ જોવા મળે તો નવાઈ નહી. વિસનગરમાં કોરોનાનો પોઝીટીવ કેસ નોધાયો છે ત્યારે હવે વધુ સાવચેતીની જરૂર છે. શાકભાજીમાં વેચાઈ જતા કેટલાક કોર્પોરેટરો પાલિકાની કડક કાર્યવાહીથી તુર્તજ શાકભાજીના વેપારીઓના ઉપરાણામાં આવી જાય છે તે શરમજનક બાબત છે.
પાલિકાએ નિયમોનુ પાલન નહી કરતા શાકભાજીવાળાને શબક શીખવવા એવો નિયમ બનાવવો જોઈએ કે, દરેક લારી ઉપર નંબરના બીલ્લા મારવામાં આવ્યા છે. માસ્ક કે ગ્લોઝ પહેર્યા વગર કોઈ શાકભાજી વેચતા હોય તો ગ્રાહક ફોટો પાડી વ્હોટ્સએપ કરે તો પાલિકાએ તેના વિરુધ્ધ કાર્યવાહી કરવી જોઈએ.