Select Page

દુકાનો ખોલવાના સમયનો વિવાદ-વેપારીઓ અધિકારી વચ્ચે ટકરાવ

દુકાનો ખોલવાના સમયનો વિવાદ-વેપારીઓ અધિકારી વચ્ચે ટકરાવ

વિસનગરમાં વેપારીઓના હિતમાં બન્ને વેપારી મંડળો એક થયા

દુકાનો ખોલવાના સમયનો વિવાદ-વેપારીઓ અધિકારી વચ્ચે ટકરાવ

સરકારના એક કદાવર નેતાના ઈશારાથી વિસનગરના લોકો હેરાન થાય તેવા નિર્ણયો લેવામાં આવતા હોવાની ચર્ચા!

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકડાઉન-૪ માં વિસનગરમાં દુકાનો ખોલવાના વિવાદમાં વેપારી મંડળો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ વધી રહ્યુ છે. વેપારી મંડળોએ ઓડ ઈવન અને આતરે દિવસની જગ્યાએ રોજ દુકાનો ખુલશે તેવો મક્કમ નિર્ધાર કર્યો છે. જ્યારે પ્રાન્ત ઓફીસર તથા મામલતદાર બપોરે ૧-૦૦ વાગ્યા સુધીજ મંજુરી આપી હોવાનુ જણાવી રહ્યા છે. લોકડાઉનમાં વિસનગરમાં લોકો તથા વેપારીઓ હેરાન થાય તેવા કેટલાક નિર્ણયો લેવાયા છે. જેમાં સરકારના એક અદના નેતાના ઈશારાથી હેરાનગતીના નિર્ણયો કરાતા હોવાનુ ચર્ચાય છે. કોરોના મહામારીમાં લોકોને મદદરૂપ થવાની જગ્યાએ રાજકીય કાવાદાવાની ગંદી રમતો ચાલી રહી છે.
લોકડાઉન-૪ મા સવારે ૮-૦૦ થી સાંજે ૪-૦૦ કલાક સુધી ઓડ ઈવન પ્રમાણે દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવી હતી. વિસનગરમાં ઓડ ઈવનમાં ગુમાસ્તાધારા લાયસંસના નંબર કે દુકાનોના નંબર પ્રમાણે એક બેકી નંબરથી દુકાનો ખોલવાની મંજુરી મુશ્કેલીરૂપ હતી. ત્યારે પાલિકા દ્વારા આતરે દિવસે દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. તા.૨૦-૫ ના રોજ સવારે કોપરસીટી મરચન્ટ એસો.ના પ્રમુખ પરેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ-આર.કે., કિર્તિભાઈ-કલાનિકેતન, લાલભાઈ પટેલ-પટેલ જ્વેલર્સ તથા અન્ય હોદ્દેદારો તેમજ આ મંડળ સાથે જોડાયેલા વેપારી એસો.ના હોદ્દેદારો મોટી સંખ્યામાં મામલતદાર ઓફીસ પહોચ્યા હતા. મામલતદાર બી.જી.પરમાર સમક્ષ રોષ ઠાલવ્યો હતો કે, વેપારીઓને શુ અનુકુળ રહેશે તે માટે કોપરસીટી મરચન્ટ એસો.ના પ્રમુખ અને મંત્રીને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. વેપારીઓ હેરાન થાય તેવા આડેધડ નિર્ણયો લેવાય છે. કોના ઈશારે વેપારીઓ હેરાન થાય તેવા નિર્ણયો કરવામાં આવે છે. બે માસના લોકડાઉન બાદ ધંધા રોજગારને પ્રોત્સાહન મળે તેવા નિર્ણયો કરવાની જગ્યાએ ધંધા રોજગાર ડહોળાય તેવા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. કોપરસીટી એસો.એ મામલતદારને ચોખ્ખુ ને ચટ પરખાવી દીધુ હતુ કે, આવતીકાલથી તમામ દુકાનો ખુલશે ધરપકડ કરવી તેટલી કરજો. પ્રાન્ત ઓફીસર હાજર નહી હોવાથી મામલતદારે સાંજે ૪-૦૦ વાગ્યાનો સમય આપ્યો હતો.
આતરે દિવસે દુકાનો ખોલવાના નિર્ણયથી વિસનગર વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો દ્વારા સવારે ૧૦-૦૦ કલાકે પ્રાન્ત ઓફીસરની મુલાકાતનો સમય માગ્યો હતો. પરંતુ પ્રાન્ત ઓફીસર વિજાપુર મીટીંગમાં હોવાથી સાંજે ૪-૦૦ વાગે સમય આપ્યો હતો. પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ, મામલતદાર બી.જી.પરમાર અને ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકની અધ્યક્ષતામાં કોપરસીટી મરચન્ટ એસો. અને વિસનગર વેપારી મહામંડળના હોદ્દેદારોની મીટીંગ મળી હતી. વેપારીઓના હિતમાં બન્ને વેપારી મંડળો એક થયા હતા અને એકજ સૂર હતો કે, મહેસાણામાં સવારે ૮-૦૦ થી સાંજે ૪-૦૦ સુધી દુકાનો ખોલવાની મંજુરી હોય તો વિસનગરના વેપારીઓને હેરાન કરવાનુ કારણ શું? તા.૨૧-૫ થી સવારે ૮-૦૦ થી બપોરના ૪-૦૦ વાગ્યા સુધી દુકાનો ખુલશે. વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો બંધના એલાનની પણ ચીમકી આપવામાં આવી હતી.
બન્ને વેપારી મંડળોના ગરમ મીજાજથી દુકાનો રોજેરોજ ખોલવાની મુક સંમતી મળી છે. પરંતુ સમયનો વિવાદ હજુ પણ ચાલુ છે. પ્રાન્ત ઓફીસર અને મામલતદાર એમ જણાવે છેકે, દુકાનો ખોલવાનો સમય સવારે ૮-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધીનો છે. જ્યારે દુકાનો સવારે ૮-૦૦ થી બપોરના ૪-૦૦ વાગ્યા સુધી ખુલ્લી રહે છે. વેપારી મંડળો અને વેપારીઓનુ અધિકારીઓ સાથે દુકાનોના સમયના વિવાદમાં ઘર્ષણ વધ્યુ છે. વિસનગર તાલુકાની આજુબાજુના તાલુકામાં છેલ્લા ૧૫ દિવસથી બજારો ખુલી ગયા છે. ત્યારે વિસનગરમાં વેપારીઓ હેરાન થાય તેવા તંત્ર દ્વારા કેમ નિર્ણયો કરવામાં આવે છે તે બાબતે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં ચોકાવનારી માહિતી મળી છેકે સરકારના એક કદાવર નેતાના ઈશારાથી વિસનગરના લોકો, વેપારીઓ અને સ્થાનીક નેતાઓ હેરાન થાય તેવા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીમાં અત્યારે એકબીજાને મદદરૂપ થવાની ભાવના સીવાય બીજો કોઈ વિચાર કે પ્રવૃત્તી ન હોવી જોઈએ. ત્યારે રાજકીય જુથબંધીમાં ખરાબ કરવા, ઈમેજ ઓછી કરવા રાજકીય દાવપેચ, હીન કક્ષાની ગંદી રમતો રમવામાં આવી રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us