બહારગામથી આવ્યા હોય તો કોરોન્ટાઈન ફરજીયાત
આંતર જીલ્લામાં આવનજાવનમાં મંજુરીની જરૂર નથી પરંતુ
બહારગામથી આવ્યા હોય તો કોરોન્ટાઈન ફરજીયાત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવતા કોરોના પોઝીટીવના કેસ વધી ગયા છે. આ સંજોગોમાંજ હવે શેહશરમ વગર સાચવવાનુ છે. સરકાર દ્વારા આન્તર જીલ્લામાં આવનજાવન માટે છુટછાટ આપવામાં આવી છે. પરંતુ બહારગામથી આવનારને કોરોન્ટાઈન ફરજીયાત છે. તેમાં કોઈ છુટછાટ નથી.
લોકડાઉન-૪ માં સરકાર દ્વારા રાજ્યના એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં આવનજાવન માટે છુટછાટ આપવામાં આવી છે. અગાઉના લોકડાઉનમાં સમક્ષ અધિકારીની મંજુરી લેવી પડતી હતી. મંજુરી લેવી પડતી નહી હોવાથી મોટા શહેરમાં ફસાયેલા લોકો પોતાના વતન તરફ પરત ફર્યા છે. મોટા શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતનના નાના શહેરો અને ગામડામાં આવી ગયા છે. લોકડાઉનની છુટછાટથી ધંધા રોજગાર શરૂ થતા નાના શહેરમાંથી ગામડામાં ગયેલા લોકો પરત ફરી રહ્યા છે. ત્યારે એ બાબતનો ખાસ ખ્યાલ રાખવાનો છેકે અન્ય જીલ્લામાંથી કે નાના ગામડામાંથી પરત આવેલા લોકો માટે કોરોન્ટાઈન ફરજીયાત છે. જે બાબતે આરોગ્ય ખાતાનો સંપર્ક કરવામાં આવતા જણાવવામાં આવ્યુ છેકે, બહારગામથી કોઈપણ વ્યક્તિ આવ્યુ હોય તેમને આરોગ્ય વિભાગને જાણ કરી સ્ક્રીનીંગ કરાવવુ જરૂરી છે.
બહારગામથી આવનાર વ્યક્તિએ પોતાના પરિવાર અને આસપાસના વિસ્તારના હિતમાં કોરન્ટાઈન રહેવુ ખુબજ જરૂરી છે. કોરોના સંક્રમીત વ્યક્તિને ખબર હોતી નથી કે તે પોતે કોરોના ચેપનો ભોગ બન્યા છે. લોકડાઉન-૪ માં અવરજવરની છુટછાટ આપવામાં આવતા કોરોના પોઝીટીવ કેસમાં નોધપાત્ર વધારો થયો છે. હજુ પણ પોઝીટીવ કેસ વધવાની પુરેપુરી શક્યતા છે. જેથી બહારગામથી આવનારે સ્વેચ્છાએ આરોગ્ય વિભાગને જાણ કરવી જોઈએ. બહારગામથી આવનાર વ્યક્તિ આરોગ્ય વિભાગને જાણ ન કરે તો આસપાસ રહેતા લોકોએ શેહશરમ રાખ્યા વગર આ બાબતની આરોગ્ય વિભાગને જાણ કરવી જરૂરી છે. તાલુકાના રંગપુરમાં અમદાવાદથી આવેલા મહિલા જાણતા નહોતા કે પોતે કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. કોરોના પોઝીટીવ આવતા આખુ ગામ કન્ટેન્મેન્ટ કરવુ પડ્યુ. મહિલા પોતે કોરોન્ટાઈન રહ્યા હોવાથી રંગપુરમાં બીજા કોઈ સંક્રમીત થયા નહોતા. આ પરિસ્થિતિમાં મહિલા અન્ય લોકોના સંપર્કમાં આવ્યા હોત તો શું દશા થઈ હોત તે વિચારવાનુ છે. વિસનગર શહેર અને તાલુકા માટે રંગપુરનો દાખલોજ કાફી છે. જેથી બહારગામથી કોઈ આવે તો આરોગ્ય વિભાગને જાણ કરી સમાજ અને રાષ્ટ્રહિતમાં ફરજીયાત કોરન્ટાઈન રહેવુ જોઈએ.