Select Page

રીનોવેશનના બહાને જગ્યા બદલવાની મંજુરી માગી અને મકાન ધ્વસ્ત કરાયુ બી.એડ.કોલેજની RTI થી મળેલી વિગતો ચોકાવનારી

રીનોવેશનના બહાને જગ્યા બદલવાની મંજુરી માગી અને મકાન ધ્વસ્ત કરાયુ બી.એડ.કોલેજની RTI થી મળેલી વિગતો ચોકાવનારી

રીનોવેશનના બહાને જગ્યા બદલવાની મંજુરી માગી અને મકાન ધ્વસ્ત કરાયુ
બી.એડ.કોલેજની RTI થી મળેલી વિગતો ચોકાવનારી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સરકારી બી.એડ.કોલેજનુ મકાન નામશેષ કરી ત્યાં માર્કેટ બનાવવાની કાર્યવાહી શરૂ થતા ભારે ચકચાર જાગી છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આર.ટી.આઈ.કરવામાં આવતા કોલેજ બાબતે ચોકાવનારી વિગતો જાણવા મળી છે. પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલે આ બાબતે મુદ્દો ઉઠાવતા શહેરના પ્રતિષ્ઠીત વ્યક્તિઓનો સહકાર મળી રહ્યો છે. આ બાબતે વડાપ્રધાન, મુખ્યમંત્રી, શિક્ષણ સચીવ અને તકેદારી આયોગમાં અરજી આપી કોલેજની જગ્યાએ માર્કેટ બનતુ અટકાવવા રજુઆત કરવામાં આવી છે. ફુલચંદભાઈ પટેલની લાગણી અને માગણી છેકે બી.એડ.કોલેજનુ મકાન વિસનગરમાંજ બનવુ જોઈએ.
વિસનગરમાં સરકારી બી.એડ.કોલેજનુ મકાન ધ્વસ્ત કરી, કોલેજના મકાનનુ નામો નિશાન મીટાવી દઈ અત્યારે માર્કેટ બનાવવાની પેરવી થતા શિક્ષણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આર.ટી.આઈ.થી વિગતો માગવામાં આવતા જે વિગતો મળી તે ચોકાવનારી છે. જેમાં લક્ષ્મી કેળવણી ટ્રસ્ટ વિસનગર સંચાલીત એસ.ટી.ટી.કોલેજ વિસનગરના જર્જરીત મકાનને બદલે વૈકલ્પીક વ્યવસ્થાના ભાગરૂપે મકાન સ્થળાંત્તર કરવા તા.૧૮-૦૩-૨૦૧૯ ના રોજ યુનિવર્સિટીને પત્ર લખવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની તા.૩૦-૪-૧૯ ની કારોબારી સમિતિના ઠરાવ નં.૭૯ થી લક્ષ્મી કેળવણી ટ્રસ્ટની રજુઆત આધારે મકાન મરામત કરવાનુ હોવાથી વૈકલ્પીક વ્યવસ્થાના ભાગરૂપે મકાન સ્થળાંત્તર માટે વધુ છ માસ માટે શ્રી યુગાચાર્ય પ્રણવાનંદજી કેળવણી ટ્રસ્ટ સંચાલીત નવયુગ શિશુનિકેતન વિસનગર ખાતે મકાન સ્થળાંત્તર કરવાની ખાસ કિસ્સામાં મંજુરી આપવામાં આવી છે.
ત્યારબાદ લક્ષ્મી કેળવણી ટ્રસ્ટ દ્વારા યુનિવર્સિટીમાં મકાન સ્થળાંત્તરની મંજુરી લંબાવી આપવા તા.૬-૧૨-૧૯ ના રોજ પત્ર લખવામાં આવ્યો હતો. જે પત્ર સંદર્ભે યુનિવર્સિટીની તા.૨૪-૧-૨૦૨૦ ની કારોબારી સમિતિમાં ઠરાવ નં.૫૨ થી જર્જરીત મકાનને રીનોવેશન કરવા માટે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ મંજુરી વધુ છ માસ માટે લંબાવી આપવા મંજુરી આપવામાં આવી છે. આ ઠરાવમાં વધુમાં ઠરાવવામાં આવ્યુ છેકે, હવે પછી કોઈ સંજોગોમાં મંજુરી લંબાવવામાં આવશે નહી. અને આપેલ છ માસમાં મકાન રીનોવેશનની કામગીરી સંપુર્ણ રીતે પૂર્ણ કરી સક્ષમ સરકારી અધિકારીનુ બીલ્ડીંગ કમ્પલીશન સર્ટીફીકેટ તથા બી.યુ.પરમિશન સાથે યુનિવર્સિટીને લેખીતમાં જાણ કરવા ટ્રસ્ટને જણાવ્યુ છે.
આર.ટી.આઈ.થી એ સ્પષ્ટ થઈ ગયુ છેકે, યુનિવર્સિટીને અંધારામાં રાખીને બી.એડ.કોલેજની જગ્યામાં માર્કેટ બનાવવામાં આવી રહ્યુ છે. બી.એડ.કોલેજનુ મકાન રીનોવેશનના બહાને જગ્યા બદલવામાં આવી છે અને સ્થળ ઉપર બી.એડ.કોલેજના મકાનનુ નામો નિશાન મીટાવી દીધુ છે. લક્ષ્મી કેળવણી ટ્રસ્ટ અને માર્કેટમાં સંકળાયેલ લોકોએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એટલે સરકાર સાથે ફ્રોડ કર્યુ છે. આ બાબતે સેકન્ડરી ટીચર્સ ટ્રેનીંગ કોલેજ વિસનગર તથા લક્ષ્મી કેળવણી ટ્રસ્ટ પાસે પણ આર.ટી.આઈ.થી વધુ વિગતો માગવામાં આવી છે.
કોઈની રાજકીય ઈમેજ ઓછી કરવા કે રાજકીય દ્વેષભાવમાં આ કાર્યવાહી કરાઈ નથી. વિસનગરમાં કોઈપણ સ્થળે બી.એડ.કોલેજનુ નવુ મકાન બનાવવાનો નિર્ણય નહી કરાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે-ફુલચંદભાઈ પટેલ
આ બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સચીવશ્રી શિક્ષણ વિભાગ તથા સચીવશ્રી તકેદારી આયોગમાં અરજી કરી આ કૌભાંડની જાણ કરવામાં આવી છે. જેમાં જણાવ્યુ છેકે, કરોડો રૂપિયાની કિંમતની જમીન ધરાવતી કોલેજમાં વિદ્યાર્થીઓ પોતાનુ ભવિષ્ય બનાવવા અભ્યાસ કરવા આવે છે. કોલેજમાં અભ્યાસ કરી ચુકેલા ઘણા વિદ્યાર્થીઓએ કોલેજનુ નામ રોશન કર્યુ છે. કોલેજનુ મકાન જર્જરીત હતુજ નહી. પરંતુ સંસ્થાની જમીન ઉપર કોમર્શીયલ માર્કેટ બનાવી કરોડોનો નફો કરવાના એકમાત્ર ઉદ્દેશથી કહેવાતા પ્રતિષ્ઠીત વ્યક્તિઓએ એક વ્યુહરચના ઘડી છે. કોલેજનુ મકાન રીનોવેશન કરવાના બહાને કોમર્શીયલ માર્કેટ બનાવી વિસનગરની શિક્ષણપ્રેમી જનતા તથા વિદ્યાર્થીઓ સાથે દ્રોહ કરવામાં આવી રહ્યો છે. કોમર્શીયલ માર્કેટની કામગીરી અટકાવવા જણાવ્યુ છે.
પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલ અત્યારે બી.એડ.કોલેજના મકાન બાબતે નિડરતાથી તંત્ર સામે બાથ ભીડી છે. ફુલચંદભાઈ પટેલે જણાવ્યુ છેકે, કોઈનો રાજકીય વિરોધ કરવા આ અરજી કરવામાં આવી નથી. શૈક્ષણિક નગરીના હક્ક માટે આ લડત છે. બી.એડ.કોલેજ વિસનગરમાંજ બનવી જોઈએ. કોલેજની જગ્યા વેચી કરોડોનો નફો કરવામાં આવ્યો છે ત્યારે તેમાંથી વિસનગરમાં કોઈપણ જગ્યાએ બી.એડ.કોલેજનુ મકાન બનાવવુ જોઈએ. કોલેજનુ પોતાનુ મકાન નહી હોય તો ભવિષ્યમાં કોલેજ બંધ થવાની પણ શક્યતા છે. બી.એડ.કોલેજનુ મકાન બનાવવાનો નિર્ણય નહી લેવાય ત્યાં સુધી આ જંગ ચાલુ રહેશે.
અત્યારે ઉલ્લેખનીય રહેશે કે, અગાઉ આવા કૌભાંડો માટે કાર્યવાહી થઈ છે. પણ આવા કૌભાંડ ક્યારે દબાઈ જાય છે તેની કોઈને ખબર પડતી નથી. બી.એડ. કોલેજમાં આવુ તો કંઈ નથીને?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us