Select Page

વિસનગર તાલુકા સંઘની તિજોરીઓ તોડી રેકર્ડ જપ્ત કરાયુ

વિસનગર તાલુકા સંઘની તિજોરીઓ તોડી રેકર્ડ જપ્ત કરાયુ

એકપણ સંસ્થા ઉભી નહી કરનાર ધારાસભ્ય સંસ્થાઓ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે-કે.કે.ચૌધરી
વિસનગર તાલુકા સંઘની તિજોરીઓ તોડી રેકર્ડ જપ્ત કરાયુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘનુ રીઓડીટ કરાવવા અને તેની સામે રીઓડીટ નહી થવા દેવા ભાજપનાજ બે જુથ વચ્ચે યુધ્ધ છેડાયુ છે. ધારાસભ્યની વગથી જીલ્લા રજીસ્ટ્રારના હુકમથી ખરીદ વેચાણ સંઘની તિજોરીઓ તોડી તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહીથી સંઘના વહીવટકર્તાઓ છંછેડાયા છે. સંઘના પ્રમુખ કે.કે.ચૌધરીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છેકે, સંઘની તપાસ કરાવવા મથતા ધારાસભ્યએ આત્મમંથન કરવાની જરૂર છે. ધારાસભ્ય પોતાના કાર્યકાળમાં એકપણ સંસ્થા ઉભી કરી શક્યા નથી અને સંસ્થાઓ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ એકબાજુ રીઓડીટ કરાવવા અમે તૈયાર છીએ તેમ જણાવે છે અને બીજી બાજુ રીઓડીટ ન થાય તે માટે તમામ તાકાત લગાવી રહ્યા છે. ૧૩ મુદ્દા સાથેની રીઓડીટની માગણી કરતી અરજીમાં એવુ તો શું છુપાયેલુ છે જે બહાર ન આવે તેવા સંઘ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે નાયબ સચીવ(અપીલ)ના હુકમને માન્ય રાખતા ફરીથી સંઘના રીઓડીટ માટે પ્રયત્ન થયો હતો. પરંતુ અગાઉ કર્મચારીની બીમારી, કોરોના મહામારીના બહાને રીઓડીટને ધકેલનાર સંઘના પ્રમુખ દ્વારા આ વખતે પણ સામાજીક પ્રસંગ – રાયડાની ખરીદીનુ કામકાજ વિગેરે બહાના તળે રીઓડીટ થવા દીધુ નહોતુ. બીજા ૧૫ દિવસ સમય પણ માગ્યો હતો અને રેકોર્ડ મેનેજર પાસે છે રજુ કરી શકાય તેમ નથી તેવુ પણ જણાવ્યુ હતુ. રીઓડીટ થાય તો સંઘના વ્યવસ્થાપક મંડળ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તેમ હોઈ ગમે તે ભોગે રીઓડીટની વચ્ચે રોડા નાખી ૧૫-૧૬ થી ૧૮-૧૯ ના વર્ષના રેકર્ડ આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હતા. ત્યારે જીલ્લા રજીસ્ટ્રાર પ્રતિક ઉપાધ્યાયના હુકમથી તા.૨૬-૫-૨૦૨૦ ના રોજ વિસનગર મામલતદાર એવમ તાલુકા મેજીસ્ટ્રેટે સંઘનુ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ બંદોબસ્ત સાથે રેકર્ડ હસ્તગત કરવાની કામગીરી શરૂ કરી હતી. સવારે જ્યારે રેકર્ડ જપ્ત કરવા માટે જીલ્લા રજીસ્ટ્રારના કર્મચારી કે.પી.લીંબાચીયા સહીતની ઓડીટ ટીમ તથા પી.આઈ. પી.કે.પ્રજાપતિ સહીતનો પોલીસ સ્ટાફ સંઘમાં પહોચ્યા ત્યારે સંઘના ડીરેક્ટર પ્રકાશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ઈશ્વરલાલ પટેલ, મણીભાઈ ચૌધરી વિગેરે હાજર હતા. એકાઉન્ટન્ટ વિષ્ણુભાઈ પટેલ પણ હાજર હતા. રેકર્ડ તિજોરીમાં હોવાથી ચાવીઓ માટે સંઘના પ્રમુખનો સંપર્ક કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. છેવટે તિજોરીઓ તોડી રેકર્ડ જપ્ત કરવાનો નિર્ણય કરવામાં આવતા બહારથી ચાવીઓ બનાવનાર વ્યક્તિને બોલાવી પ્રથમ તિજોરી તોડતા અંદરથી બીજી તિજોરીઓની ચાવીઓ મળી આવી હતી. ત્રણ તિજોરી અને કબાટમાંથી રેકર્ડ જપ્ત કરવાની કામગીરી મધરાત સુધી ચાલી હતી. જે તમામ રેકર્ડ જીલ્લા રજીસ્ટ્રારમાંથી આવેલી ટીમને સુપરત કરાયુ હતુ. રીઓડીટનો પ્રથમ હુકમ ૨૯-૧-૨૦૨૦ ના રોજ કરાયો હતો. જે હુકમ બાદ સાડા ત્રણ મહીના થવા છતા કાયદાની આંટીઘુટીમાં ફસાવી રીઓડીટ નહી થવા દેતા છેવટે જીલ્લા રજીસ્ટ્રારના હુકમથી તિજોરીઓ તોડી રેકર્ડ જપ્ત કરાયુ હતુ.
આ બાબતે તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કે.કે.ચૌધરીએ જોહુકમી અને સરકારી મશીનરીના દુર ઉપયોગથી બળપ્રયોગ કરી રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી સામે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છેકે, ધારાસભ્ય ઋષિભાઈ પટેલે સંઘનો વહીવટ પડાવી લેવા આ હથકંડા અપનાવ્યા છે. માર્કેટયાર્ડની ચુંટણીમાં સંઘની જરૂર હતી ત્યારે પગચંપી કરતા ધારાસભ્ય અત્યારે સંઘના વહીવટમાં ખોટી રીતે બીનલોકશાહી પધ્ધતિથી કનડગત કરી રહ્યા છે. આજ સંઘ અગાઉ ધારાસભ્યને વ્હાલો હતો, અત્યારે સોતેલો બની ગયો છે, તેની પાછળ મેલી મુરાદ છે. ધારાસભ્ય એવુ કહેતા હતા કે, મને કોઈ સંસ્થાને ખરાબ કરવામાં રસ નથી. સંસ્થાઓની પ્રગતિમાં હંમેશા સાથે રહેશે. ત્યારે સંઘમાં રૂકાવટ ઉભી કરવાનુ કારણ શું? ભારત દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. સરકારી કચેરીઓમાં પણ કોરોના સીવાય બીજુ કોઈ કામ થતુ નથી. નામદાર કોર્ટો પણ બંધ છે. માર્ચ એન્ડીંગ પૂરો થતા ગુજરાત સરકાર તરફથી કોઈપણ સહકારી મંડળીનુ ઓડીટ કરવામાં આવ્યુ નથી. વિસનગર તાલુકા સંઘ છેલ્લા ૧૫ વર્ષથી ઓડીગ વર્ગ-‘અ’ ધરાવે. ત્યારે રીઓડીટ કરાવવા માટે આટલી ઉતાવળ અને ધમપછાડા કેમ? નામદાર હાઈકોર્ટમાં રીટ ઓડીટ કરવું કે કેમ તે બાબતે રીટ પીટીશન ચાલુ છે. જે કેસ કોર્ટમાં પેન્ડીંગ છે તો અત્યારે રીઓડીટ કરાવવાની એવી તો શુ જરૂરીયાત ઉભી થઈ કે સંસ્થાની તિજોરીના તાળા તોડી રેકર્ડ જપ્ત કરવુ પડ્યુ. સત્તાનો નશો ચડી જતો હોય છે ત્યારે સાચુ ખોટુ પારખવાની સમજણ જતી રહેતી હોય છે. ધારાસભ્ય અત્યારે સત્તાના મદમાં છે. આવા કાવાદાવાથી સહકારી સંસ્થાઓને મોટો ધક્કો પહોચશે. ભૂતકાળમાં વિસનગરે ઘણુ સહન કર્યુ છે. સંસ્થાઓને નુકશાન કરવાની પ્રવૃત્તિ ધારાસભ્યએ બંધ કરવી જોઈએ. ધારાસભ્ય સામે આડકતરો ઈશારો કરી સંઘના પ્રમુખે જણાવ્યુ હતું કે, જે લોકોએ આજદિન સુધી વિસનગરમાં એકપણ સંસ્થા ઉભી કરી નથી તે સંસ્થાઓ બંધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓ ઉભી હતી તે બંધ કરી કોમર્શીયલ સેન્ટર બની રહ્યા છે. ધારાસભ્ય એ પોતે આત્મમંથન કરે પછી બીજી સંસ્થાઓની તપાસ કરે. વિસનગરની આવીજ પરિસ્થિતિ રહેશે તો રહી સહી સહકારી, સામાજીક તથા શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ જશે. છેલ્લે કટાક્ષ કરતા જણાવ્યુ હતું કે, સંઘનો વહીવટ લઈ લેવાની આટલી ઉતાવળ કેમ? શું આ સંસ્થામાં પણ કોમર્શીયલ સેન્ટર બનાવવાનુ છે?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us