Select Page

પ્રકાશભાઈ પટેલના કુશળ સંચાલનથી શૈક્ષણિક નગરીની યશકલગીમાં નવુ મોરપીંછ ઉમેરાયુ ના.મ.નૂતન સર્વ વિદ્યાલયને જીલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ

પ્રકાશભાઈ પટેલના કુશળ સંચાલનથી શૈક્ષણિક નગરીની યશકલગીમાં નવુ મોરપીંછ ઉમેરાયુ ના.મ.નૂતન સર્વ વિદ્યાલયને જીલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ

પ્રકાશભાઈ પટેલના કુશળ સંચાલનથી શૈક્ષણિક નગરીની યશકલગીમાં નવુ મોરપીંછ ઉમેરાયુ
ના.મ.નૂતન સર્વ વિદ્યાલયને જીલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિ વાર
શૈક્ષણિક, સામાજીક, સહકારી ક્ષેત્રના સંસ્કારો જેમને ગળથુથીમાંજ મળ્યા છે તેવા પ્રકાશભાઈ પટેલના કુશળ સંચાલનથી નૂતન કેળવણી મંડળ તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ અનેકગણો વિકાસ કર્યો છે. આ સંસ્થાની શાળાને જીલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો તે બતાવે છેકે ના.મ.નૂતન સર્વ વિદ્યાલયમાં સર્વગ્રાહી શિક્ષણ સાથે લોકહીતના શિક્ષણનુ પણ એટલુજ ધ્યાન રાખવામાં આવે છે. પ્રકાશભાઈ પટેલ અને મંડળના ટ્રસ્ટીઓના પ્રોત્સાહનથી, શાળાના આચાર્ય મનુભાઈ એસ. નાયકના નેતૃત્વથી તેમજ શાળાના શિક્ષક મિત્રોના પ્રયત્નોથી નૂતન સર્વ વિદ્યાલયને જીલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળતા શૈક્ષણિક નગરીની યશકલગીમાં નવુ એક મોરપીંછ ઉમેરાતા શહેરનુ ગૌરવ વધ્યુ છે.
તા.૨૮-૦૫-૨૦૨૦ ના રોજ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય અને શાળાઓની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી મહેસાણાના સંયુક્ત ઉપક્રમે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ના.મ.નૂતન સર્વ વિદ્યાલયને વર્ષ ૨૦૧૯-૨૦ માટે મહેસાણા જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ તેમજ રૂા.૧,૦૦,૦૦૦/- નું રોકડ પુરસ્કાર મહેસાણા જીલ્લા શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલના હસ્તે પ્રાપ્ત થયેલ છે. જે ગૌરવવંતા સમયે મંડળના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, ઉપપ્રમુખ ચંદ્રકાન્તભાઈ પટેલ, શિક્ષણ નિરીક્ષક નરેન્દ્રભાઈ ચાવડા અને વિપુલભાઈ પટેલ અને શાળાના આચાર્ય મનુભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા.
નૂતન સર્વ વિદ્યાલય, વિસનગર ઉત્તર ગુજરાતની શૈક્ષણિક, સામાજિક, સહઅભ્યાસિક તેમજ રમતગમત જેવા તમામ ક્ષેત્રોમાં જીલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્ર કક્ષાએ ઉત્તમ પ્રદાન કરતી નામાંકિત શાળા છે. શિક્ષણ સર્વને મળવું જોઈએ તેવા પ્રખર હિમાયતી એવા સ્વ.સાંકળચંદભાઈ પટેલ ના.મ.નૂતન સર્વ વિદ્યાલય વિદ્યાશાખાને પાયાથી સીંચી છે. સ્વ.ભોળાભાઈ પટેલે પણ શાળાના વિકાસમાં અગ્રેસર ફાળો આપ્યો છે. ઉપરાંત્ત નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, ઉપપ્રમુખ ચંદ્રકાન્તભાઈ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓનુ શાળાના વિકાસમાં ઉત્તમ યોગદાન રહેલું છે. શાળાના આચાર્ય મનુભાઈ એસ.નાયકના કુશળ નેતૃત્વમાં અને સર્વે શિક્ષક ભાઈ બહેનો અને બિનશૈક્ષણિક સ્ટાફ મિત્રોના સહિયારા પુરુષાર્થથી આજે શાળાને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ એ ઉત્તર ગુજરાતના વાલીઓ માટે શિક્ષણ અને આરોગ્યની મીઠી વીરડી સમાન છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એ વિસનગરની શાન છે અને મેડીકલ કોલેજની સ્થાપના થકી સમગ્ર ઉત્તર ગુજરાતને અનેકવિધ આરોગ્યલક્ષી સેવાઓ તદ્દન નજીવા દરે ઘરઆંગણે પ્રાપ્ત થઈ રહી છે.
નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, વિસનગર એ શાળાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ ઘડતર કરી દેશના વિકાસમાં વિદ્યાર્થીઓ પોતાનું યોગદાન આપે તે ધ્યેયથી કાર્યરત છે.
મહેસાણા જીલ્લામાં મોટા મંડળો સંચાલીત તથા સેલ્ફ ફાયનાન્સની ઘણી શાળાઓ કાર્યરત છે. જેમાં નૂતન કેળવણી મંડળ સંચાલીત ના.મ.નૂતન સર્વ વિદ્યાલયે જીલ્લામાં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવી શૈક્ષણિક નગરીનું ગૌરવ વધાર્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us