Select Page

તંત્રી સ્થાનેથી…અખબારો સાચા કે સરકારના પદાધિકારીઓ?

તંત્રી સ્થાનેથી…અખબારો સાચા કે સરકારના પદાધિકારીઓ?

તંત્રી સ્થાનેથી…

આત્મનિર્ભર લોનમાં સરકાર જામીન બનશે

અખબારો સાચા કે સરકારના પદાધિકારીઓ?

કોરોના વાયરસમાં આવેલા લોકડાઉનને લઈ લોકોના ધંધા-રોજગારો ખોરવાઈ ગયા હતા. લોકો આર્થિક ભીંસમાં આવી જતાં નબળા પડેલા અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રની સરકાર તરફથી ૨૦ લાખ કરોડનું જુદા જુદા વિભાગો માટે પેકેજ આપવાની જાહેરાત કરી હતી. લોકડાઉનમાં વધારેમાં વધારે અસર પામનાર મધ્યમ વર્ગને સધ્ધર બનાવવા આત્મનિર્ભર સહાય યોજના અમલમાં મૂકી હતી. આ સહાયમાં એક લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે. લોનનું વ્યાજ બે ટકા રહેશે. બાકીનું છ ટકા વ્યાજ સરકાર ભરશે. જાહેરાત કરવામાં આવી ત્યારે કઈ રીતે લોન અપાશે, લોન લેવા માટે શું કરવું પડશે તેની આછી પાતળી જાણ પણ કરવામાં આવી નહોતી. જેથી બીજા દિવસના અખબારોમાં હેડલાઈનો છપાઈ હતી કે, “તમે લોન લઈ આત્મનિર્ભર બનો જામીન સરકાર થશે”. અખબારોના હેડીંગો વાંચી લોકો ખુશ ખુશ થઈ ગયા કે હવે આપણને એક લાખની લોન મળી જશે. આ જાહેરાત વખતે વડાપ્રધાને તેમના વક્તવ્યમાં જણાવ્યુ હતું કે, કોંગ્રેસના જ એક જવાબદાર પદાધિકારીના જણાવ્યા પ્રમાણે કેન્દ્રમાંથી નીકળેલો એક રૂપિયો સહાયાર્થી પાસે પહોંચે છે ત્યારે ૧૮ પૈસા થઈ જાય છે. તે ભાજપની સરકારમાં નહિ બને. ભાજપની સરકારે ખેડૂતોની સહાય સીધી તેમના ખાતામાં પહોંચાડી છે. વચ્ચે એક રૂપિયો પણ ચવાયો નથી. આ વક્તવ્ય સાંભળી લોકો ખુશ થયા કે લાખ રૂપિયાની લોન હાથવેંતમાં છે પણ આ સ્વનિર્ભર લોનમાં ભાજપ સરકાર નિષ્ફળ જવાની છે. પહેલુ જામીન આપવાનું સરકારનું વક્તવ્ય ખોટું પડ્યું. ફોર્મ વહેચાયા તેમાં બે જામીનો આપવાનું દર્શાવાયુ. ભલે જામીનની જવાબદારી નથી પણ લોન લેનાર કે જામીનદાર મિલકતવાળો હોવાનુ હોય તેવો કેટલીક જગ્યાએ આગ્રહ રાખવામાં આવે છે. લોન લેનાર નાના માણસને કોઈની પાસે જવું પડશે. લોન લેનાર અને જામીનોને પૂરેપૂરી વિગતો ભરવાની છે. લોન એક લાખ રૂપિયાની નથી એક લાખ રૂપિયા સુધીની છે. બેન્ક અધિકારીને યોગ્ય લાગશે તેને તેટલી લોન આપવામાં આવશે. આ લોનના ફોર્મથી જ ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયો. લોકચર્ચા મુજબ ૧૦૦/- રૂપિયામાં ફોર્મ વેચાયા. બેન્કોના દલાલો સતેજ બની ગયા છે. તે અધિકારી સાથે બેસી નક્કી કરે તેટલીજ લોન વ્યક્તિને મળશે. એટલે દલાલને દલાલી આપવી જ પડશે. સહકારી બેન્કો અને ક્રેડીટ સોસાયટીઓ એમની સંસ્થા નુકશાનમાં જાય તેનો પૂરેપૂરો ખ્યાલ રાખી લોન પરત આવે તેવાજ વ્યક્તિને લોન આપી સરકારનો કોટા પૂરો કરશે. સહકારી બેન્કો અને ક્રેડીટ સોસાયટીઓ તેમના સભાસદોને લોન આપશે અને સભાસદોને જામીન રાખશે જેથી લોનના નાણાં ડૂબે નહિ. સરકારે આટલી બધી ઝીણવટ ભરી વિગતો લોન લેનારે આપવી પડે કે ઘણા લોકો પાસે આ વિગતો હોય પણ નહિ તો શા માટે અખબારોમાં જામીન સરકાર થશે તેવા હેડીંગ છપાવ્યા. માતબર અખબારો કદી ટેબલ સ્ટોરી ઘડતા નથી. કોઈ જવાબદાર પદાધિકારીના કહેવા પ્રમાણે અખબારો અહેવાલો છાપે છે. એટલે આત્મનિર્ભર લોનમાં પદાધિકારીઓ બોલીને ફરી ગયા પણ હોય. આ આત્મનિર્ભર લોન જોવા જઈએ તો એક વખતની કોંગ્રેસની સરકારમાં ઈન્દીરા ગાંધીએ વર્ષો પહેલા સરકારી બેન્કો દ્વારા લોનો આપી હતી. જે લોનો લાખ્ખોમાં નહતી, હજ્જારોમાં જ હતી. તે લોનો આવી હતી જે ભરપાઈ થઈ નહતી. જેને બેન્કોએ માંડી વાળવી પડી હતી. લોન લેનાર નિયમિત હપ્તા ન ભરે તો બે ટકાની જગ્યાએ આઠ ટકા બેન્કો વસુલશે. નાનો વ્યક્તિ નિયમિત લોન ભરી શકવાનો જ નથી. એટલે સરકાર છ ટકા લોનની જવાબદારીમાંથી નીકળી જશે. અને લોન વસુલ કરવા માટે બેન્કોને કાયદાનો સહારો લેવો પડશે. લોનની મુદત પુરી થયે કોર્ટોમાં ફરીયાદોનો મોટો ઝમેલો થઈ શકે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts