Select Page

વિસનગરના લોકો ઉપર કોરોના લોકડાઉનમાં વેરા વધારાનો બોજો પાલિકાએ ૧૦ ટકા વધારા સાથેની આકારણીમાં વાંધા સુચનો મંગાવ્યા

વિસનગરના લોકો ઉપર કોરોના લોકડાઉનમાં વેરા વધારાનો બોજો પાલિકાએ ૧૦ ટકા વધારા સાથેની આકારણીમાં વાંધા સુચનો મંગાવ્યા

વિસનગરના લોકો ઉપર કોરોના લોકડાઉનમાં વેરા વધારાનો બોજો
પાલિકાએ ૧૦ ટકા વધારા સાથેની આકારણીમાં વાંધા સુચનો મંગાવ્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીના લોકડાઉનમાં લોકોના ધંધા રોજગાર ઉપર માઠી અસર પડી છે. એવા સંજોગોમાં વિસનગર પાલિકા દ્વારા ક્ષેત્રફળ આધારીત મિલ્કત વેરામાં ૧૦ ટકાનો વધારો કરી આકારણી પત્રક તૈયાર કરી વાધા સુચનો મંગાવવાની નોટીસથી મિલ્કત ધારકોમાં ભારે રોષ ફેલાયો છે. મિલ્કત ધારકોનો રોષ છેકે, સરકાર જો આ મહામારીમાં વિવિધ સહાય જાહેર કરતી હોય તો વિસનગર પાલિકાએ સંવેદના કેમ ગુમાવી છે. ધંધા રોજગાર ઉપર અસર કરતા મહામારીના વર્ષમાં ભાજપ શાસીત પાલિકા ૧૦ ટકાનો મિલ્કતમાં વધારાનો બોજો ઝીકી શુ સાબીત કરવા માગે છે. પાલિકાએ આ વર્ષે મિલ્કત વધારો રદ કરવો જોઈએ. મિલ્કત ધારકોએ પાલિકામાં વાધા સુચન અરજીઓના ઢગલા કરી મિલ્કત વધારતા આ કાળા કાયદાનો ભારે વિરોધ કરવો જોઈએ. જુનના અંત સુધીમાં વાધા સુચનો રજુ કરવાની છેલ્લી તારીખ છે.
કોરોના મહામારીનુ લોકડાઉન તમામ વર્ગ માટે કુઠારા ઘાત સાબીત થયુ છે. ગરીબ અને મધ્યમ વર્ગે તો આવા દિવસો ક્યારેય જોયા નહી હોય તેવો સમય પસાર કર્યો છે. આવા કટોકટીના સમયમાં મિલ્કત વેરો વધારવાની નોટીસથી વિસનગર પાલિકા સામે નફરત સાથે રોષ ફેલાયો છે. વિસનગર પાલિકા દ્વારા તા.૨-૬-૨૦૨૦ ના રોજ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, કારોબારી ચેરમેન જશવંતકુમાર જી.પટેલ અને ચીફ ઓફીસર અશ્વીનભાઈ આર.પાઠકની સહીથી જાહેર સુચના આપી જણાવ્યુ છેકે, ગુ.મ્યુ.એક્ટ ૧૯૬૩ ની કલમ-૧૦૭ તથા ૧૧૧(૧)(૨) મુજબ આથી વિસનગર નગર પાલિકા વિસ્તારમાં આવેલી તમામ મિલ્કત ધારણ કરનાર તથા ભોગવટો કરનાર તમામને સૂચના આપવામાં આવે છેકે, સને ૨૦૨૦/૨૦૨૧ ના વર્ષ માટે નગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ મિલ્કતોની ક્ષેત્રફળ આધારીત મિલ્કત વેરા અન્વયેના આકારણીપત્રકો મિલ્કત વેરા આકારણી નિયમની જોગવાઈ અનુસાર પ્રતિ.ચો.મી.ના દરમાં ૧૦% ના વધારા સાથે તૈયાર કરવામાં આવેલ છે. આ આકારણી પત્રકો નગરપાલિકા કચેરીમાં રજા સીવાયના દિવસો દરમ્યાન કચેરીના કામકાજના સમય દરમ્યાન દરેકને જોવા તપાસવાની છુટ છે.
આથી સબંધકર્તા તમામ ઈસમોને સદરહુ વાર્ષિક આકારણી સામે કોઈપણ વાંધા હોય તો આવા ઈસમોને ૩૦ દિવસમાં ઓફીસના સમય દરમ્યાન ગુજરાત ન.પા.અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૦૭,૧૦૮ અન્વયે લેખીત વાધા સૂચનો કારણો જણાવી પ્રત્યેક મિલ્કતવાર અલગ અલગ અરજી કરીને નગરપાલિકા ઓફીસમાં મોકલી આપવાની રહેશે.
જો ઉપરોક્ત સમય મર્યાદામાં વાધાઓ રજુ નહી થાય તો આકારણી સામે કોઈ વાધો નથી એમ માની સમયમર્યાદા બાદ કોઈ વાંધો કે તકરાર સાંભળવામાં આવશે નહી. જેની દરેકે નોધ લેવી.
કોરોના મહામારીના લોકડાઉનથી લોકોને ઘણો આર્થિક ભાર સહન કરવો પડ્યો છે. વિકાસ માટે વર્ષે પાલિકામાં કરોડોની ગ્રાન્ટ આવે છે. સ્વભંડોળમાંથીજ વિકાસનો મદાર રહે તેવુ પહેલા જેવુ નથી. ત્યારે કોરોના મહામારીમાં લોકોની પરિસ્થિતિનો વિચાર કર્યા વગર એરીયાબેજ આકારણીમાં ૧૦ ટકા વેરો વધારવાની પાલિકાની નોટીસથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ગરીબ અને જરૂરીયાતમંદ લોકોએ પાલિકાના આ વેરોનો વધારાનો બોજો સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે વેરા વધારાના વિરોધની અરજીના પાલિકામાં ઢગલા કરી મિલ્કત ધારકોએ પોતાનો મિજાજ બતાવવો જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us