Select Page

નાગરિક બેંકની ડીપોઝીટમાંથી રૂા.૧૮ કરોડની ઉચાપત થઈ કે કરાવી

નાગરિક બેંકની ડીપોઝીટમાંથી રૂા.૧૮ કરોડની ઉચાપત થઈ કે કરાવી

મોટા કમિશનની લાલચમાં બહારગામની બેંકમાં ડીપોઝીટ કરાવતા લુંટાયા હોવાની ચર્ચા

નાગરિક બેંકની ડીપોઝીટમાંથી રૂા.૧૮ કરોડની ઉચાપત થઈ કે કરાવી

• વિસનગરમાં અલગ અલગ બેંકમાં ડીપોઝીટ હતી, તો અમદાવાદની એકજ બેંકમાં ડીપોઝીટ કરાવવા પાછળ ઉચાપતની મેલી મુરાદ હતી કે શું?
• વિસનગરની બેંકોમાંથી આર.ટી.જી.એસ.થી નાણાં ટ્રાન્સફર કરાયા હતા-કેમ વિસનગરની બેંકોમાં વ્યાજ મળતુ નહોતુ?
• કેનેરા બેંકે ૨૦ રસીદો આપી તેમાંથી ૧૩ બોગસ રસીદો – નાગરીક બેંકના જવાબદાર અજાણ હતા કે પછી સામેલ હતા?
• નાગરિક બેંકને લુંટવાનો સીલસીલો હજુ પણ યથાવત, પહેલા ડીરેક્ટરોના કારણે અને હવે…
• તા.૨૦-૩ થી ૨૭-૫ સુધી આર.ટી.જી.એસ. કર્યા અને તા.૫-૬ ના રોજ સ્ટેટમેન્ટ મળતા ભાંડો ફૂટ્યો. આર.ટી.જી.એસ. કરતા લોકડાઉન ન નડ્યુ તો લોકડાઉન દરમ્યાન સ્ટેટમેન્ટ માટે મેઈલ કરી શકાય તેમ હતો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઘેટુ કપાસ ખાવા ગયુ અને ઉન મુકીને આવ્યા હોવાનો ઘાટ વિસનગર નાગરિક બેંકની કરોડોની ડિપોઝીટ ઉચાપતમાં ઘડાયો હોવાની શંકા સેવાઈ રહી છે. વિસનગરની અલગ અલગ બેંકોમાંથી લોકડાઉન દરમ્યાન આર.ટી.જી.એસ.થી કેનેરા બેંક અમદાવાદની બ્રાન્ચમાં નાણાં ટ્રાન્સફર કરાયા હતા. છેલ્લી એન્ટ્રી ટ્રાન્સફર કરાઈ એના નવમાં દિવસે રૂા.૧૮,૦૭,૯૭,૩૧૪/- ની ડીપોઝીટ ચાઉ થઈ ગઈ હોવાનો ભાંડો ફુટ્યો હતો. ફડચા અધિકારીની ફરિયાદ આધારે ચાર વિરુધ્ધ છેતરપીંડી, વિશ્વાસઘાતની કલમો સહીતનો ગુનો નોંધવામાં આવ્યો છે. હજુ પણ વિસનગર નાગરિક બેંક લુંટાતા શહેરમાં જોરશોરથી એકજ ચર્ચા ચાલી રહી છેકે, મોટા કમિશનોની લાલચમાં મોટા શહેરની બેંકમાં ડીપોઝીટ કરાવતા લુંટાયા છે. નાગરિક બેંક સાથે સંકળાયેલા પણ ઉચાપતમાં સામેલ હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. આ ઉચાપત કેસમાં બેંકના ફડચા અધિકારી તેમજ જીલ્લા રજીસ્ટ્રાર પ્રતિકભાઈ ઉપાધ્યાયની તાત્કાલીક અસરથી બદલી કરવામાં આવી છે.
વિસનગર નાગરિક સહકારી બેંકના થાપણદારોને નાણાં પરત આપવામાં આવતા નથી અને કરોડોનુ સરપ્લાસ ફંડ આડા હાથે લુંટાવામાં આવી રહ્યુ છે. વિસનગર નાગરિક સહકારી બેંકનુ સરપ્લાસ ફંડ પંજાબ નેશનલ બેંક તથા યુનિયન બેંક ઓફ ઈન્ડીયાની વિસનગર શાખામાં ડીપોઝીટ રૂપે હતુ. રૂા.૩૫,૨૯,૦૦,૦૦૦/- ની ૨૦ ડીપોઝીટ પાકતા તા.૨૦-૩-૨૦૨૦ થી તા.૨૭-૫-૨૦૨૦ સુધીની જુદી જુદી તારીખે આર.ટી.જી.એસ.થી અમદાવાદની કેનેરા બેંક આશ્રમ રોડ, શાખામાં આ તમામ ડીપોઝીટની રકમ ટ્રાન્સફર કરાઈ હતી. જેની બીજી ૨૦ રસીદો બનાવી હતી. કેનેરા બેંકના મેનેજર સંદીપભાઈ હર્ષદલાલ શાહ આ ડીપોઝીટની રસીદો નાગરિક બેંકની અમદાવાદ ઉસ્માનપુરા બ્રાન્ચમાં આપી જતા હતા.
કોરોના મહામારીના લોકડાઉનના કારણે ફીક્સ ડીપોઝીટના સ્ટેટમેન્ટ મેળવી શક્યા નહોતા. લોકડાઉન દરમ્યાન ડીપોઝીટની રકમ ટ્રાન્સફર થતી હતી તેમ ડીપોઝીટની રસીદ બની ઉસ્માનપુરા શાખામાં આવતી હતી. ત્યારે લોકડાઉનના કારણે સ્ટેટમેન્ટ મેળવી શકાયા નહી તે નવાઈની બાબત છે. ડીપોઝીટના સ્ટેટમેન્ટનો તા.૫-૬-૨૦૨૦ ના રોજ ઈમેલ મારફત કેનેરા બેંકનો લેટર મળ્યો હતો. જેમાં રૂા.૩૫,૨૯,૦૦,૦૦૦/- માંથી ૧૪,૧૪,૯૦,૦૦૦/- ની ફીક્સ ડીપોઝીટ હતી અને વિસનગર નાગરિક બેંકના ચાલુ ખાતામાં રૂા.૩,૦૬,૧૨,૬૮૬/- જમા હતા. નાગરિક બેંકના ખાતામાંથી અઘોરી આદેશનાથજી ચેરીટેબલ ટ્રસ્ટ, કે.ડી.સર્વિસીસ ફાઉન્ડેશન, કંચન લક્ષ્મી ફાઉન્ડેશન, ઈમરાન તાજમહંમદ માણેક, ટાઈકોન એજન્સી તથા ઓરીઓનુ મીલ્સ એજન્સી વિગેરે નામે અલગ અલગ બેંકમાં રકમ ટ્રાન્સફર થઈ હતી. નાગરિક બેંકના ફડચા અધિકારી પ્રતિકભાઈ ઉપાધ્યાયે કેનેરા બેંકમાં નાગરિક બેંકનુ ચાલુ ખાતુ ખોલાવેલ નથી તો ખાતુ કંઈ રીતે ખુલ્યુ તેનો પત્ર લખી જવાબ માગતા કેનેરા બેંક દ્વારા કોઈ જવાબ મળ્યો નહોતો.
કેનેરા બેંકમાં નાગરિક બેંકનું ખાતુ કઈ રીતે ખુલ્યુ અને બાકીની ડીપોઝીટની રકમ કઈ રીતે ટ્રાન્સફર થઈ અને ક્યા ગઈ તે બાબતે તપાસ કરતા ફડચા અધિકારીની ખોટી સહીથી બોગસ ડૉક્યુમેન્ટ રજુ કરી નાગરીક બેંકનુ ચાલુ ખાતુ ખોલવામાં આવ્યુ હતુ. આર.ટી.જી.એસ.થી કુલ રૂા.૩૫,૯૦,૦૦,૦૦૦/- ટ્રાન્સફર કર્યા હતા તેમાંથી રૂા.૨૧,૧૪,૧૦,૦૦૦/- ની બનાવટી ફીક્સ ડીપોઝીટની રસીદો બનાવી તે રૂપિયા ડાયરેક્ટ બોગસ ચાલુ ખાતામાં ટ્રાન્સફર કરી તેમાંથી રૂા.૧૮,૦૭,૯૭,૩૧૪/- અલગ અલગ બેંકોમાં આવેલ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. રૂા.૩,૦૬,૧૨,૬૮૬/- બેંકમાં બોગસ ખાતામાં જમા પડ્યા હતા. ફડચા અધિકારી દ્વારા જે બેંકમાં નાણાં ટ્રાન્સફર થયા હતા તે અમદાવાદની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા આસ્ટોડીયા શાખાના ખાતેદાર ટ્રસ્ટ અઘોરી આદેશનાથજી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીને નાણાં પરત કરવા પત્ર લખ્યો હતો. પરંતુ નાગરિક બેંકનુ દેવાળુ ફૂંકનાર જવાબદાર ડીરેક્ટરો તથા ધિરાણ મેળવનાર પાસેથી આટલા વર્ષમાં વસુલાત કરી શકાઈ નથી તો આ નાણાં ક્યાંથી પાછા મળવાના છે. જોકે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સુત્રધાર કેનેરા બેંકની શાખાનો મેનેજર સંદીપ શાહ છે. જેણે અજાણ્યા વ્યક્તિઓના કહેવાથી નાગરિક બેંકનુ બોગસ ખાતુ ખોલી, ચેકબુક ઈસ્યુ કરી, ખોટી સહીઓ કરી આર.ટી.જી.એસ. કરેલા રૂપિયા અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. નાગરિક બેંકની ઉસ્માનપુરા શાખામાં આપવામાં આવેલી રસીદો ચેક કરતા ૨૦ રસીદો પૈકી ૭ ઓરીજનલ હતી અને બાકીની ૧૩ બોગસ રસીદો હતી. જે ૧૩ રસીદોના કુલ રૂા.૨૧,૧૪,૧૦,૦૦૦/- માંથી રૂા.૧૮,૦૭,૯૭,૩૧૪/- નુ બોરોબારીયુ કરવામાં આવ્યુ હતુ.
મહેસાણા જીલ્લા રજીસ્ટ્રાર તથા વિસનગર નાગરિક બેંકના ફડચા અધિકારી પ્રતિકભાઈ ઉપાધ્યાય દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવતા અમદાવાદ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં કેનેરા બેંકની શાખાનો મેનેજર સંદીપભાઈ હર્ષદલાલ શાહ, મયુરભાઈ જાદવ, દિનેશભાઈ સોમાણી અને ઈમરાન તાજમહંમદ માણેક વિરુધ્ધ આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૦૯, ૩૪, ૧૨૦-બી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જોકે આ સમગ્ર ઉચાપતના કેસમાં નાગરિક બેંકના પણ જવાબદારો સામે અનેક શંકાઓ ઉપજાવે છે. પ્રથમ તો વિસનગરની બેંકોમાં આ એફ.ડી.ઓ પડી હતી તો કયા કારણે અમદાવાદને બેંકમાં રકમ ટ્રાન્સફર કરાઈ. મોટી ડીપોઝીટનુ મોટુ કમિશનની લાલચમાં આ કરાયુ છેકે શું? વિસનગરમાં અલગ અલગ બેંકોમાં ડીપોઝીટ હતી તો અમદાવાદમાં એકજ બ્રાન્ચમાં ડીપોઝીટ કરાવવા પાછળનુ રહસ્ય શું? લોકડાઉનમાં તા.૨૦-૩ થી તા.૫-૬ સુધી આર.ટી.જી.એસ.થી એન્ટ્રીઓ ટ્રાન્સફર કરાઈ ત્યારે એફ.ડી.ના સ્ટેટમેન્ટ નહી મેળવવા પાછળનુ રહસ્ય શુ? કુલ ૨૦ એફ.ડી.માંથી ૧૩ એફ.ડી. બોગસ હતી. ત્યારે બેંકના જવાબદારોને બોગસ એફ.ડી.નો ખ્યાલ નહોતો કે પછી જાણતા છતા અજાણ છે? કોના ઈશારે અને કોના કહેવાથી વિસનગરમાંથી અમદાવાદ એન્ટ્રીઓ ટ્રાન્સફર થઈ. વ્યાજદર તો બધે સરખાજ હોય છે. છેલ્લી એન્ટ્રી તા.૨૭-૫ ના રોજ આર.ટી.જી.એસ. કરાયુ તેના નવમા દિવસે તા.૫-૬ ના રોજ કેનેરા બેંકમાં મેઈલ કરી સ્ટેટમેન્ટ માગવામાં આવ્યો હતો વચ્ચેના સમયગાળામાં મેઈલ કરવામાં ક્યા લોકડાઉન નડતુ હતુ.
નાગરિક બેંકની એફ.ડી.ઓમાં રૂા.૧૮ કરોડની ઉચાપતમાં એવા ઘણા પ્રશ્નો છે જેનાથી બેંક સાથે સંકળાયેલ જવાબદારો સામે અનેક શંકાઓ ઉપજાવે છે. પોલીસ સઘન પુછપરછ કરે તો તપાસનો રેલો વિસનગર સુધી આવવાની શંકાઓ સેવાઈ રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts