Select Page

‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી’ ભાજપ સરકારના પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી પ્રજા મોંઘવારીના ખપ્પરમાં

‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી’ ભાજપ સરકારના પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી પ્રજા મોંઘવારીના ખપ્પરમાં

તંત્રી સ્થાનેથી
‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી’
ભાજપ સરકારના પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી પ્રજા મોંઘવારીના ખપ્પરમાં
ગુજરાતીમાં એક કહેવત છેકે, ‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી’. આ કહેવત કેન્દ્ર શાસીત મોદી સરકારમાં અક્ષરસહ સાચી ઠરી રહી છે. કોરોના મહામારીના લોકડાઉનના કારણે ગરીબ, મધ્યમવર્ગથી માંડી વેપારીવર્ગ આર્થિક પાયમાલ થઈ ગયો છે. આવા સમયે આ વર્ગ પગભર બને તે માટેની સહાય આપવાની જગ્યાએ મોદી સરકારે છેલ્લા વીસ દિવસમાં સતત પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો કરી પ્રજાની પાસે ઉઘાડી લુંટ ચલાવી છે. છેલ્લા ચાર વર્ષથી એકધારી મંદી એની ઉપર કોરોના મહામારી પ્રજા ઉપર પડતા ઉપર પાટુ સમાન સાબીત થઈ છે. ત્યારે આંતર રાષ્ટ્રીય ક્રૂડના ભાવ તળીયે છે તેવા સમયે પેટ્રોલ, ડીઝલમાં રૂા.૧૦ જેટલો ભાવ વધારો કરતા પ્રજા મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહી છે. પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો એ વપરાશકારોને તો અસર કરે છે સાથે સાથે તમામ ચીજવસ્તુઓમાં ભાવ વધારો પણ કરશે. એવુ કોઈ ઉત્પાદન નથી કે જેમાં પેટ્રોલ ડીઝલના ખર્ચનો સમાવેશ થતો ન હોય. આ ભાવ વધારાથી દરેક ક્ષેત્રે અસર થશે. વસ્તુઓના ભાવ વધશે, જેની સાથે મોંઘવારી વધશે. તેની સીધી અસર પ્રજા ઉપર થવાની છે. કોરોના મહામારીમાં મોદી સરકારે લોકોને લલચાવનારુ રૂા.૨૦ લાખ કરોડનુ પેકેજ જાહેર કર્યુ છે. તે પેકેજ માટે સરકારની આવક વધારવા પેટ્રોલ ડીઝલમાં વધારો કર્યો હશે. પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે એક વખત જે વસ્તુઓનો ભાવ વધ્યો તેમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડા બાદ એ વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે ખરો? અત્યાર સુધીના ઈતિહાસમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા બાદ સરકારી સેવા હોય કે જીવન જરૂરીયાતની વસ્તુઓ હોય તેમાં ક્યારેય ભાવ ઘટાડો જોવા મળ્યો નથી. ભારતમાં નફાખોરી ઉપર સરકારનુ ક્યારેય નિયંત્રણ રહ્યુ નથી. મોદી સરકારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારાના કારણે દરેક વસ્તુઓમાં કાયમી ભાવ વધારો થઈ જશે તે બાબતે પણ વિચાર કરવો જોઈએ. જે ખૂબજ ચીંતાનો વિષય છે. ભાજપે ચુંટણી સમયે સોનેરી સપનાઓ બતાવી પ્રજાને આકર્ષિત કરી વોટ બટોરવામાં માપ રાખ્યુ નથી. હવે સત્તામાં આવ્યા બાદ પ્રજાને લુંટવામાં બાકી રાખ્યુ નથી. દેશનો વહીવટ વેપાર કરવાનુ સાધન હોય તેવા નિર્ણયો લેવાયા છે. પહેલા નોટબંધી લાવ્યા. જેમાં મોટા રાજકીય નેતાઓ અને મોદી સરકારના માનિતા ઉદ્યોગપતિઓને તો કોઈ અસર ન થઈ, પરંતુ પ્રજા હેરાન થઈ ગઈ. નાના વેપારીઓ હેરાન થઈ ગયા. મંદીના સમયે નોટબંધીથી મહામંદી આવી. ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા. નોટબંધીથી કળ વળી નહોતી એવામાં જીએસટી આવ્યુ. આ જીએસટીના કારણે ભાવ વધારો થયો તેની અસર પણ પ્રજા ઉપર થઈ. વેપારીઓ હેરાન થઈ ગયા. જેનાથી પણ ધંધા ઉપર અસર થઈ. બેંકોમાંથી મોટી લોનો લઈ અબજોનુ ઉઠમણુ કરનાર ઉદ્યોગપતિઓ તથા વિદેશ ભાગી ગયેલા ઉદ્યોગપતિઓ પાસેથી મોદી સરકાર વસુલાત કરી શકતી નથી. દુશ્મન દેશોને છપ્પનની છાતી બતાવવાની વાતો કરનાર મોદી સરકાર દેશને લુંટનારાઓ ઉદ્યોગપતિઓ પાસેથી વસુલાત માટે છપ્પનની છાતી બતાવી શકતા નથી. ત્યારે નોટબંધી, જીએસટી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારો જેવા નિર્ણયો લઈ પ્રજાને હેરાન કરવાના, પ્રજાને લુંટવામાં મોદી સરકારે છપ્પનની છાતી જરૂર બતાવી છે. મોદી સરકારના આવા નિર્ણયોથી દેશની જનતા પીસાઈ રહી છે. હિન્દુત્વના નિર્ણયો લેવાથી અને દુશ્મન દેશો સામે લાલ આંખ કરવાની કાર્યવાહીથી પ્રજાનુ પેટ ભરાવાનુ નથી. લોકસભાની મુદતમાં ભલે એક વર્ષ ગયુ હોય અને ચાર વર્ષ બાકી હોય. સરકાર એમ વિચારતી હશે કે અત્યારે બહુમતિના જોરે લુંટો અને છેલ્લા વર્ષમાં ખુશ કરી દઈશુ. ત્યારે મોદી સરકારે એ ન ભૂલવુ જોઈએ કે સરકારના નિર્ણયોથી પરિવારનુ પાલન પોષણ માટે જે આપત્તીઓ, મુશ્કેલ ઘડીઓનો અને જટીલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તેને પ્રજા ક્યારેય ભુલતી નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us