આત્મનિર્ભર યોજના થકી નાના વ્યવસાયકારોના સુખના સહભાગી બનીએ-કલેકટર એચ.કે.પટેલ મહેસાણા
આત્મનિર્ભર યોજના થકી નાના વ્યવસાયકારોના સુખના સહભાગી બનીએ-કલેકટર એચ.કે.પટેલ
મહેસાણા
કોરોનાની મહામારીને પગલે નાના વ્યવસાયકારોની મુશ્કેલી દુર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આત્મ નિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરેલ છે. જે યોજના અંતર્ગત મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને સહકારી બેન્કો તેમજ ક્રેડીટ સોસાયટીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.
બેઠકમાં ઉપસ્થિત સહકારી અગ્રણીઓએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાને મિશન મોડમાં ઉપાડી લેવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લામાં આગામી ૧૦ જુલાઇ સુધીમાં ૧૯,૨૬૦ જેટલા વ્યવસાયકારો, લાભાર્થીઓને ધિરાણ આપી આત્મનિર્ભર કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.બેઠકમાં ઉપસ્થિત વિવિધ સહકારી બેન્કોના અગ્રણીઓ દ્વારા ૧૫૯૦૦ અને ક્રેડીટ સોસાયટીના પ્રતિનિધિઓ દ્વારા ૩૩૬૦નો સ્વ ટાર્ગેટ નક્કી કરી આગામી સમયમાં જિલ્લાના જરૂરીયાતમંદ નાગરિકોને આત્મનિર્ભર કરવા માટે કટિબધ્ધ બન્યા હતા.
આત્મનિર્ભર યોજનામાં રૂપિયા એક લાખની ૦૨ ટકાના વ્યાજ દરે નાના અને મધ્યમવર્ગના વેપારી,સ્વરોજગાર કરતા લોકો જેવા કે દુકાનદાર,ફેરીયા,રીક્ષાચાલક પ્લમ્બર વગેરને આત્મનિર્ભર યોજના થકી લોન મળનાર છે.મહેસાણા જિલ્લામાં ૧૬ જેટલી અર્બન બેન્ક શાખાઓ, વિવિધ સહકારી બેન્કો, ૧ ડિસ્ટ્રીક્ટ બેન્ક અને ૩૦૦ થી વધુ ક્રેડિટ સોસાયટી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની લોન આપી રહી છે.આ ઉપરાંત બેઠકમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના ૦૨ની વિગતો પણ અપાઇ હતી જેમાં રૂ ૦૧ લાખથી ૦૨.૫૦ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે તેમજ ૦૪ ટકા વાર્ષિક વ્યાજ લાભાર્થી વતી રાજ્ય સરકાર ભોગવે છે જે અંગે પણ માહિતગાર કરાયા હતા.
મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર સુનિલભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજના પૈકી દેશની પ્રથમ યોજના છે. જિલ્લામાં હજારો આત્મનિર્ભર સહાય યોજનાના ફોર્મનું વિતરણ કરાયું છે. મહેસાણા જિલ્લામાં સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટીઓ દ્વારા ૬૧૯ જેટલા લાભાર્થીઓના રૂા.૫ કરોડ ૮૭ લાખનું ધીરાણ મંજુર કરાયું જેમાંથી ૩૮૯ લાભાર્થીઓને રૂા.૩ કરોડ ૭૫ લાખનું ધિરાણ આપી પણ દેવામાં આવેલ છે.
મહેસણા જિલ્લામાં આત્મનિર્ભર સહાય યોજનાને નાગરિકોમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને લાભ મળે તેમજ આત્મનિર્ભર થાય તે દિશામાં મહેસાણા જિલ્લાની સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટીના સહકારી અગ્રણીઓ સતત કાર્ય કરી રહ્યા છે. બેઠકમાં સહકારી અગ્રણી કાન્તીભાઇ પટેલ,જી.કે.પટેલ સહિત વિવિધ સહકારી બેન્કના પ્રતિનિધિઓ, વિવિધ ક્રેડીટ સોસાયટીના પ્રતિનિધિઓ, સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.