Select Page

વિસનગરમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ-લગ્નમાં હાજરી આપનાર ભયભીત

વિસનગરમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ-લગ્નમાં હાજરી આપનાર ભયભીત

અઠવાડીયામાં કોરોના પોઝીટીવના ૬ કેસ

વિસનગરમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ-લગ્નમાં હાજરી આપનાર ભયભીત

બે કેસમાં કોઈપણ લક્ષણ વગર કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ ચીંતાનો વિષય

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં કોરોના કહેર વધવા લાગ્યો છે. એકજ અઠવાડીયા ૬ કેસ નોધાતા શહેર અને તાલુકાના લોકોએ વધુ સાવચેતી રાખવાનો સમય આવ્યો છે. કાંસામાં કોરોનાથી એક વ્યક્તિનુ મૃત્યુ થતા તાલુકામાં કોરોનાથી મૃત્યુનો પ્રથમ કેસ નોધાયો છે. કાંસામાં મૃત્યુ થતાં કોરોનાથી લોકો થરથર કાપી રહ્યા છે. લગ્નપ્રસંગમાં હાજરી આપનારને ફરજીયાત કોરોન્ટાઈન રહેવા માટે ગ્રામ પંચાયતના સરપંચને સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો કરવાની ફરજ પડી હતી. એકજ અઠવાડીયામાં કોરોના ૬ કેસ સાથે વિસનગરમાં કોરોનાના કુલ ૨૩ કેસ નોધાયા છે.
કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે. તેમ છતાં લોકો તેનુ પાલન નહી કરતા વિસનગરમાં કોરોનાના કેસમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વિસનગર તાલુકાના કાંસા ગામના અને વર્ષોથી સુરત રહી તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ મોહનભાઈ પટેલ ઉં.વ.૪૬ ભત્રીજીના લગ્ન પ્રસંગે કાંસા આવ્યા હતા. જેમને લગ્ન પ્રસંગ દરમ્યાનજ શરદી, તાવ અને ઉધરસની તકલીફ થઈ હતી. પરંતુ લગ્નના ટેન્શનમાં બેદરકારી દાખવી હતી. લગ્નપ્રસંગના બીજાજ દિવસે એકદમ શ્વાસ ચડતા પ્રથમ નૂતન જનરલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી મહેસાણા સાંઈક્રીષ્ણામાં દાખલ કરાયા હતા. જ્યાં સેમ્પલ લેવામાં આવતા કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. મહેન્દ્રકુમાર પટેલને હાર્ટની અને બીપીની બીમારી હોવાથી વધુ સારવાર્થે અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવતા હતા ત્યારે રસ્તામાં અવસાન થયુ હતુ. મૃતક મહેન્દ્રકુમાર પટેલના બે સંતાનમાં પુત્રી જીંકલ અને પુત્ર રીધમ બન્ને યુરોપમાં એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કાંસામાં રહેતા મૃતકના ભાઈઓની આર્થિક પરિસ્થિતિ બરાબર નહી હોવાથી બે ભાઈઓનો પરિવાર તેમની ઉપર નભતો હતો. ત્યારે લગ્નપ્રસંગમાં કાળજી નહી રાખતા કોરોનાના કારણે અવસાનથી ત્રણ પરિવાર રઝળી પડ્યા છે. જાણવા મળ્યા પ્રમાણે લગ્નપ્રસંગે ૧૫૦ થી ૨૦૦ માણસોનો જમણવાર યોજાયો હતો. કોરોનાના કારણે મૃત્યુથી આ તમામ ભયભીત થઈ ગયા છે. કાંસા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ ગામીએ સોશિયલ મીડિયામાં મેસેજ કરી જમણવારમાં હાજરી આપનાર તમામને કોરોન્ટાઈન રહેવા વિનંતી કરી હતી. કાંસા ગામમાં સોપો પડી ગયો છે. તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલ, કાંસા પી.એચ.સી.ના ર્ડા.જીજ્ઞેશભાઈ પટેલ સહીતના આરોગ્ય વિભાગના સ્ટાફે સર્વે કરી દવાઓનુ વિતરણ કર્યુ હતુ. કોરોના મૃતકના બન્ને સંતાન ર્ડાક્ટર લાઈનનો અભ્યાસ કરતા હોઈ તેઓ પણ આસપાસના વિસ્તારના લોકોની તકેદારી રાખી રહ્યા છે.
આ અગાઉ તા.૨૭-૬ ના રોજ તાલુકાના દઢિયાળ ગામમાં કોરોનાનો કેસ નોધાયો હતો. સોલંકી પરેશભાઈ મનુભાઈ ઉં.વ.૨૬ ને શરદી-ઉધરસ તાવની અસર થઈ હતી. જેનુ સેમ્પલ લેવામાં આવતા પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. જે લોકાચારે થરાદ ગયો હોવાનુ માલુમ પડ્યુ હતુ. બક્ષીપંચ સમાજના ભાજપના અગ્રણી વિસનગરમાં સવાલા દરવાજા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ કોરોનામાં સપડાયા છે. જેમની તબીયત બગડતા તપાસ કરાવતા ડાયાબીટીસ હોવાનુ માલુમ પડ્યુ હતુ. જેઓ મહેસાણા ખાનગી હોસ્પિટલમાં બોડી ચેકઅપ માટે દાખલ કરાયા બાદ વિવિધ રીપોર્ટ કરાવતા તેમાં કોરોના પોઝીટીવ હોવાનુ માલુમ પડ્યુ હતુ. દિનેશભાઈ પ્રજાપતિને શરદી, તાવ, ઉધરસ જેવા કોરોનાના કોઈ લક્ષણ નહોતા પરંતુ બોડી ચેકઅપ કરાવતા કોરોના પોઝીટીવ આવ્યો હતો. જે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
સંતોષનગર ડી વિભાગમાં રહેતા જીવીબેન ઈશ્વરભાઈ પટેલ ઉં.વ.૭૦ ને કોરોનાના કોઈ લક્ષણો નહોતા. વૃધ્ધાને હાર્ટ સર્જરી કરાવવાની હોવાથી ઓપરેશન પહેલા રીપોર્ટ કઢાવતા કોરોના પોઝીટીવ હોવાનુ જણાયુ હતુ. જેમને હોમ કોરોન્ટાઈન કરી ઘરમાંજ સારવાર આપવામાં આવી રહી છે. તાલુકાના સદુથલા ગામના દેવીપૂજક વિશાલકુમાર નટવરભાઈ વિસનગર ગંજબજારમાં ફ્રૂટ માર્કેટમાં કામ કરે છે. જેમને સાતેક દિવસથી શરદી, તાવ અને ઉધરસની બીમારી હતી. જેમનું સેમ્પલ લેવામાં આવતા કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. વિસનગરમાં મહેસાણા રોડ ઉપર સિધ્ધેશ્વરી માતાના મંદિર સામે આવેલ સિધ્ધેશ્વરી રેસીડેન્સીમાં રહેતા પરમાર હંસાબેન દિનેશચંદ્રનો પુત્ર પુંધરા વાડીલાલ ફેક્ટરીમાં અપડાઉન કરે છે. જે અપડાઉનના કારણે કે ગમે તે કારણે સંક્રમણ થતાં હંસાબેન પરમારને શરદી તાવની અસર થઈ હતી. જેમનુ સેમ્પલ લેવામાં આવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. મહિલાના પતિનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે અપડાઉન કરનાર પુત્રનો રીપોર્ટ પેન્ડીંગ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts