ભાજપમાં ઠાકોર સમાજનો વોટબેંક તરીકે ઉપયોગ-વિકાસનો લાભ નહી
વિસનગર પાલિકાની મોટાભાગની ગ્રાન્ટનો ઉપયોગ સમૃધ્ધ વિસ્તારમાં
ભાજપમાં ઠાકોર સમાજનો વોટબેંક તરીકે ઉપયોગ-વિકાસનો લાભ નહી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ભાજપ શાસીત વિસનગર પાલિકા દ્વારા ઠાકોર સમાજ પ્રત્યે દ્વેષભાવ અને કિન્નાખોરી રાખી વિકાસથી વંચીત રાખવામાં આવે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે રોષ ઠાલવ્યો છેકે, ઠાકોર સમાજના વિસ્તારની ત્રણ વર્ષથી કેનાલ બનતી નથી. જ્યારે સમૃધ્ધ વિસ્તારોમાં છ માસમાં કેનાલ બની જાય છે. આથમણો ઠાકોરવાસ શહેરની સ્થાપનાથી વસવાટ કરતો વિસ્તાર છે. જ્યાં પાકી કેનાલ બનાવવામાં આવતી નથી અને સમૃધ્ધ વિસ્તારમાં નવી કેનાલ બનાવવા તાંત્રીક મંજુરી માગવામાં આવે છે. ભાજપ ક્યાં સુધી આ સમાજને હડધૂત કરી સમાજની અવગણના કરશે. મનુજી ઠાકોરે ચીમકી આપી છેકે, સવાલા દરવાજા નાળાથી જમાઈપરા થઈ ભાથીટીંબાની કેનાલનુ કામ શરૂ કરવામાં નહી આવે તો હક્ક અને ન્યાય માટે આંદોલન કરવુ પડશે.
વિસનગરની વિસલદેવ વાઘેલાએ સ્થાપના કરી ત્યારથી આથમણા ઠાકોરવાસનો વિસ્તાર આવેલો છે. પરંતુ ઠાકોર સમાજ પ્રત્યેની સતત અવગણના તેમજ આગેવાનો સત્તાધારીઓના ખોળામાં બેસી જવાના કારણે આ વિસ્તાર વિકાસથી વંચીત રહ્યો છે. જ્યારે નવા વિસ્તારોનો વિકાસ થઈ રહ્યો છે. આથમણા ઠાકોરવાસ પાસેની વરસાદી પાણીની કેનાલ પાકી બનાવવામાં આવતી નથી. જ્યારે મહેસાણા રોડ ઉપર વરસાદી નાળામાં પાકી કેનાલ બનાવવા તાંત્રીક મંજુરી માગવામાં આવી છે. સવાલા દરવાજા નાળાથી જમાઈપરા થઈ ભાથીટીંબા સુધીની કેનાલ પાકી બનાવવા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. વર્ક ઓર્ડર આપ્યા બાદ ત્રણ વર્ષ થવા છતાં આ કેનાલનું કામ શરૂ કરવામાં આવતુ નથી. ત્યારે નવાઈની બાબત છેકે આજ કોન્ટ્રાક્ટર દ્વારા બીજા વિસ્તારના વિકાસ કામ કરવામાં આવે છે. ઠાકોરવાસની કેનાલનુ કામ કોના ઈશારે અટક્યુ છે. કયા રાજકીય સમીકરણથી કિન્નાખોરી રાખી કેનાલનુ કામ થવા દેવામાં આવતુ નથી. ભાથીટીંબાથી અંબીકા આશિષના નાળા સુધીની કેનાલમાં સળીયા ચોરી કૌભાંડનો વિવાદ છે. જ્યારે નાળાથી ભાથીટીંબા સુધી કેનાલનો કોઈ વિવાદ નથી પછી કેનાલનુ કામ થતુ કોણ અટકાવી રહ્યુ છે. જે બાબતે ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વર્ક ઓર્ડર આપ્યા પછી ત્રણ વર્ષ થવા છતાં હજુ કેનાલનુ કામ શરૂ કરવામાં નહી આવતા શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે રોષ ઠાલવ્યો છેકે, ભાજપ શાસીત પાલિકા ઈતર સમાજના વિસ્તારોમાં તેની વ્યાખ્યા પરિપૂર્ણ કરવામાં નિષ્ક્રીય નીવડી છે. પાલિકામાં ગ્રાન્ટનો મોટોભાગ સમૃધ્ધ વિસ્તાર પાછળ વાપરવામાં આવે છે. પાલિકા દ્વારા ઈતર સમાજને અન્યાય કરવામાં આવે છે. કડા રોડ ઉપર બનેલ નવી સોસાયટીમાં કેનાલનુ કામ કરવામાં આવે છે. જ્યારે વોર્ડ નં.૪ ની ઠાકોર સમાજની વસતી છે ત્યાં વર્ક ઓર્ડર આપવા છતાં કેનાલ બનાવવામાં આવતી નથી. ભાજપ દ્વારા ઠાકોર સમાજનો વોટબેંક તરીકેજ ઉપયોગ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટર દ્વારા મે-૨૦૧૯ માં કેનાલનુ કામ શરૂ કરવામાં આવ્યુ હતું. ત્યારે કામ કોને અટકાવ્યુ? જ્યાં સળીયા ચોરી કૌભાંડ થયુ ત્યાં પણ કામ આગળ વધતુ નથી. સળીયા ચોરી કરતા કોન્ટ્રાક્ટર ઝડપાયો તો પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટર વિરુધ્ધ કેમ કોઈ કાર્યવાહી કરાઈ નથી. પછી ઠાકોર સમાજના વિસ્તારનુ કામ અટકાવવા એક ષડયંત્ર હતું કે શું? શ્રમિક ગરીબ વિસ્તારના લોકોને પાયાની સગવડથી અલીપ્ત રાખવા એ ભાજપની રીતીનીતિ છે.
વર્તમાન બોર્ડમાં ગોવિંદભાઈ ગાંધી જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ગ્રાન્ટોની ફાળવણીમાં વધુમાં વધુ ગ્રાન્ટ ઠાકોરવાસના વિસ્તારમાં વપરાય તેવી લાગણી દર્શાવી મને(મનુજી ઠાકોર) આથમણા વાસના રહીસોની સહીઓ લાવવા જણાવ્યુ હતું. સહીઓ કરીને વિકાસ કામની વિગતો આપી હતી. હવે ગોવિંદભાઈ ગાંધી ભાજપમાં જોડાતા આ ગરીબ અને શ્રમિક વિસ્તારને ભુલી ગયા. ગોવિંદભાઈ ગાંધી પોતાના વિચારો મહાત્મા ગાંધી સાથે સરખાવે છે. પરંતુ હકીકતમાં અલગ છે. શું વિસનગર પાલિકા ચોક્કસ સમાજના લોકોની સગવડો પરિપુર્ણ કરવા માટેજ બની છે? વર્તમાન બોર્ડમાં અગાઉ ઠાકોર સમાજના વિસ્તારમાં ગટર તથા પાણીની લાઈનનો ઠરાવ રજુ કરવામાં આવ્યો ત્યારે ઓબીસી અને ઈતર સમાજના વિરોધની માનસિકતામાં ઠરાવ નામંજુર કરાયો હતો. નાના સમાજ વિરોધની માનસિકતા ધરાવતા આવા કોર્પોરેટરોને ઓળખવાની જરૂર છે. કારણકે ચુંટણી આવશે ત્યારે આજ કોર્પોરેટરો નાના સમાજના મત માગવા ઝોળી લઈને નીકળી પડશે. આવનારી ચુંટણીમાં આવા કોર્પોરેટરોને જાકારો આપવાનો છે. બહુમતીમાં નશામાં નગરપાલિકા પાડી શકીએ છીએ અને ધારીએ તો નગરપાલિકા ચલાવી શકીએ છીએ તેવી માનસિકતાવાળા કોર્પોરેટરોને હવે આવનારી ચુંટણીમાં જવાબ આપવાનો છે.