Select Page

કોરોના સંક્રમણને વધતુ અટકાવવા શહેરના હિતમાં બંન્ને વેપારી મંડળનો એક મત વિસનગરમાં સોમવારથી બપોરે ૪-૦૦ કલાક પછી બજારો સ્વૈચ્છિક બંધ

કોરોના સંક્રમણને વધતુ અટકાવવા શહેરના હિતમાં બંન્ને વેપારી મંડળનો એક મત વિસનગરમાં સોમવારથી બપોરે ૪-૦૦ કલાક પછી બજારો સ્વૈચ્છિક બંધ

કોરોના સંક્રમણને વધતુ અટકાવવા શહેરના હિતમાં બંન્ને વેપારી મંડળનો એક મત
વિસનગરમાં સોમવારથી બપોરે ૪-૦૦ કલાક પછી બજારો સ્વૈચ્છિક બંધ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમા કોરોના સંક્રમણના કેસ વધતા પ્રાન્ત ઓફિસર સી.સી.પટેલના આગ્રહથી પ્રાન્ત ઓફિસમાં વેપારી મંડળોની મિટીંગ મળી હતી. સંક્રમણની સાંકળ તોડવા લોક સંપર્ક ઓછા થાય તે જરૂરી હોવાથી પ્રાન્ત ઓફિસરની વિનંતીથી શહેરના બંન્ને વેપારી મંડળોએ તા.૧૩-૭ને સોમવારથી સાંજે ૪-૦૦ કલાક પછી બજારો બંધ રાખવા સ્વૈચ્છીક તૈયારી બતાવી છે. શહેરના લોકોનું હિત જોવુ એ મહાજનની ફરજ છે. ત્યારે ધંધા રોજગારની ચિંતા કર્યા વગર આ વેપારી મહાજનોએ જે નિર્ણય કર્યો તેને સૌ વેપારીઓએ આવકાર આપ્યો છે. સોમવારથી સવારે ૮-૦૦ થી સાંજે ૪-૦૦ સુધી દુકાનો, શો-રૂમ ખુલ્લા રાખી શકાશે. ફક્ત મેડીકલ સ્ટોર્સ અને દુધની (પાર્લર નહી) દુકાનને સાંજે ૮-૦૦ સુધી ખુલ્લી રાખી શકાશે.
પ્રાન્ત ઓફિસર સી.સી.પટેલના આગ્રહથી વેપારી મંડળોના પ્રતિનીધીઓની ઉપસ્થિતીમાં મિટીંગ યોજાઈ
કોરોના માટેની કોઈ દવા નથી. એક બીજાને અડીએ નહી. એક બીજાના સંપર્કમાં આવીએ નહીં એ જ કોરોના સંક્રમણથી બચવાનો એક માત્ર ઉપાય છે. વિસનગરમાં કોરોના પોઝીટીવની કુલ સંખ્યા ૩૦ કેસ નોંધાતા તથા કોરોનાથી ત્રણનું મૃત્યુ થતા સંક્રમણ તોડવા વહિવટીતંત્ર દોડતુ થયુ છે. કોરોના ગંભીર રોગ હોવા છતાં વેપારીઓ પોતાના દુકાનોમાં ગ્રાહકોને માસ્ક પહેર્યા વગર પ્રવેશ આપી વેપાર કરી રહ્યા છે. બજારોમાં લોકો માસ્ક વગર ફરી રહ્યા છે. વિસનગર શહેરમાં લોકોની અવર-જવર ઓછી થાય તે માટે બજારો વહેલા બંધ થાય તો ખુબ જ જરૂરી છે. જે માટે પ્રાન્ત ઓફિસર સી.સી.પટેલ વિસનગરના બે વેપારી મંડળો કોપરસીટી મર્ચન્ટ એસોશીએશન તથા વિસનગર વેપારી મહામંડળના પ્રતિનીધીઓની મિટીંગ બોલાવી હતી. પ્રાન્ત ઓફિસરની અધ્યક્ષતામાં યોજાયેલ મિટીંગમાં વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ એકાઉન્ટન્ટ. વિસનગર કોપરસીટી મર્ચન્ટ એસોશીએશનના પ્રમુખ પરેશભાઈ પટેલ, મહામંત્રી કિર્તીભાઈ કલાનિકેતન બંન્ને મંડળના હોદ્દેદારો, ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ કરશનભાઈ પટેલ, મામલતદાર બી.જી.પરમાર, ચીફ ઓફિસર અશ્વિનભાઈ પાઠક, પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી વિગેરેએ હાજરી આપી હતી. આ મિટીંગમાં પ્રાન્ત ઓફિસરે અન્ય શહેરોની જેમ વિસનગરમા પણ સમય કરતા વહેલા સ્વૈચ્છીક બજારો બંધ થાય તે માટે વેપારી મંડળોને વિનંતી કરી હતી. આ મિટીંગમાં વેપારી મંડળના પ્રતિનીધીઓએ માસ્ક નહી પહેરનાર કે દુકાનોમાં સાવચેતી નહી રાખનાર વિરૂધ્ધ કડક દંડનીય કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ. પરંતુ બજારો વહેલા બંધ થાય તેવો પ્રાન્ત ઓફિસરનો આગ્રહ હોવાથી વિસનગરના હિતમાં તંત્રને સહકાર આપવા બંન્ને વેપારી મંડળો સ્વૈચ્છીક રીતે બજારો બંધ કરવા એક મત થયા હતા. જે મિટીંગના બીજા દિવસે વિસનગર વેપારી મહામંડળ દ્વારા સવારે ૮-૦૦ થી બપોરે ૨-૦૦ વાગ્યા સુધી બજાર ખુલ્લુ રાખવા ભલામણ કરવામાં આવી હતી. જ્યારે વિસનગર કોપરસીટી મરચન્ટ એસોસીએશન દ્વારા સવારે ૮-૦૦ થી બપોરે ૪-૦૦ સુધી બજાર ખુલ્લા રાખવા નિર્ણય કરાયો હતો. બન્ને વેપારી મંડળો વચ્ચે અગાઉથી વિવાદ ચાલ્યા આવ્યા છે. પરંતુ આ મહામારીના સમયે ખોટો વિવાદ કરવો યોગ્ય ન હોઈ વેપારી મહામંડળે કોપરસીટી દ્વારા જે સમય નક્કી કરાયો તે માન્ય રાખ્યો હતો. કોપરસીટી એસોસીએશન દ્વારા જણાવ્યા પ્રમાણે તા. ૧૩-૭-૨૦૨૦ને સોમવારથી તા. ૨૬-૭-૨૦૨૦ને રવિવાર સુધી સવારે ૮-૦૦ થી બપોરના ૪-૦૦ કલાક સુધી બજાર ચાલુ રહેશે. કોરોના પોેઝીટીવ કેસમાં વધારો થશે તો તા.૨૭-૭ને સોમવારથી સવારે ૮-૦૦ થી બપોરના ૧-૦૦ કલાક સુધી બજારો ખોલવા નિર્ણય કરવામાં આવશે. તા.૧૩-૭ થી ૨૬-૭ ના પ્રથમ ૧૪ દિવસના ગાળામાં પોઝીટીવ કેસની સંખ્યામા વધારો નહી થાય તો ૧૪ દિવસ પછી પણ સવારે ૮-૦૦ થી બપોરના ૪-૦૦ સુધીનો સમય રાબેતા મુજબ રહેશે. જેની જે તે વખતે જાણ કરવામાં આવશે. બપોરે ૪-૦૦ કલાક પછી મેડીકલ સ્ટોર્સ અને ફક્ત દુધનો વ્યવસાય કરતી દુકાનો રાત્રે ૮-૦૦ કલાક સુધી ખુલ્લી રાખવા માટે છુટ્ટી આપવામાં આવી છે. જે વેપારીઓ કોઈ એસોશિએશન સાથે જોડાયેલા નથી તે જો આ નિયમોનુ પાલન ન કરે તો તેવા વેપારીઓ સામે કાર્યવાહી કરવા માટે પણ તંત્ર દ્વારા તૈયારી બતાવવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us