પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની અણઆવડતથી શહેરમાં અંધારપટ
વિસનગરમાં સ્ટ્રીટ લાઈટના પ્રશ્ને સભ્યોએ પ્રમુખ તથા ચીફ ઓફીસરનો ઉધડો લીધો
પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની અણઆવડતથી શહેરમાં અંધારપટ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકની નિષ્ક્રીયતાથી શહેરમાં અંધારપટ છવાયો છે. પાલિકા સભ્યોએ પાલિકામાં હંગામો મચાવી પ્રમુખ અને ચીફ ઓફીસરનો ઉધડો લેતા પાલિકા તંત્ર દોડતુ થયુ હતુ. સભ્યોની લાલ આંખથી જે કોન્ટ્રાક્ટર ચીફ ઓફીસરના ફોન ઉપાડતો નહોતો તે દોડતો વિસનગર આવી ગયો હતો. આ સભ્યોએ કોન્ટ્રાક્ટરને પણ આડે હાથ લીધો હતો. ચીફ ઓફીસર કોન્ટ્રાક્ટર ઉપર તાડુક્યા હતા. અગાઉ એગ્રીમેન્ટના નિતિ નિયમો હોવા છતાં નવી શરતો બનાવી તેનુ પાલન કરવા કોન્ટ્રાક્ટરને નોટીસ આપી હતી. તા.૨૧-૭ સુધીમાં તમામ કમ્પલેનનો નિકાલ કરવા કોન્ટ્રાક્ટરોને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. ભાજપ સરકારનો લાડકવાયો આ કોન્ટ્રાક્ટર કેટલુ ઝડપી કામ કરે છે તે જોવાનું રહ્યુ.
વિસનગરમા સ્ટ્રીટ લાઈટના પ્રશ્ને હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને ચીફ ઓફિસર અશ્વીનભાઈ પાઠકની નિષ્કાળજીથી અત્યારે પરિસ્થિતી એવી છે કે અડધા વિસનગરમાં અંધારપટ છે. એલ.ઈ.ડી. લાઈટના કોન્ટ્રાક્ટરને કેમ પંપાળવામાં આવી રહ્યો છે. તે બાબતે અનેક શંકાઓ સેવાઈ રહી છે. દર મહિને ૭૦૦ થી ૮૦૦ કમ્પેલન નોંધાતી હતી અને નિકાલ થતો નહોતો ત્યારે સભ્યોને પોતાના ઘર આગળની લાઈટો ચાલુ કરવાના ફાંફા પડતા દોડતા થયા હતા. તા.૧૪-૭ ના રોજ લાઈટ ચેરમેન રાકેશભાઈ પટેલ, જશુભાઈ પટેલ, પી.સી.પટેલ, પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, દર્શનભાઈ પરમાર(જોલી), પરેશભાઈ પટેલ, ફુલચંદભાઈ પટેલ તથા ભરતભાઈ પટેલ સુરભી પાલિકામાં પહોચી લાઈટના પ્રશ્ને પ્રમુખ તથા ચીફ ઓફીસર સમક્ષ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. સભ્યોએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, બોર્ડના પ્રથમ સવા વર્ષ પાલિકાનો સારો વહીવટ થયો હતો. અત્યારે પ્રમુખ કોઈનુ સાંભળતા નથી. વહીવટી અણઆવડત અને સુજના અભાવે શહેરમાં અંધારપટ છે. પ્રમુખ બીજાના ઈશારે કામ કરી રહ્યા છે. છેલ્લા ચાર મહીનાથી બંધ લાઈટોની કમ્પલેન કરવા છતાં ચાલુ થતી નથી. ચોમાસામાં અંધારપટના કારણે સોસાયટી વિસ્તારમાં ઝેરી જીવજંતુઓ તથા ચોરીનો ભય સતાવી રહ્યો છે. સભ્યો દ્વારા સ્ટ્રીટ લાઈટની કમ્પલેન નોધાવવા છતાં નિકાલ થતો નથી ત્યારે શહેરની પ્રજાની કમ્પલેનનો કંંઈ રીતે નિકાલ થતો હશે? એલ.ઈ.ડી. લાઈટનો કોન્ટ્રાક્ટર લાઈટો રીપેરીંગ કરતો ન હોય તો હાલ પુરતા કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે લાઈટો ખરીદી નાખવી જોઈએ. પરેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, એલ.ઈ.ડી.નો કોન્ટ્રાક્ટર નિમવા માટે ફરતો ઠરાવ થતો હોય તો કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા ફરતો ઠરાવ કરવો જોઈએ. કોન્ટ્રાક્ટરને પાલિકા નોટીસ આપવા છતાં ગણકારતો ન હોય તો કોન્ટ્રાક્ટર વિરુધ્ધ કાર્યવાહી કરવી જોઈએ. સભ્યોએ ચીફ ઓફીસર અને પ્રમુખનો બરોબરનો ઉધડો લીધો હતો.
આ પાલિકા સભ્યોએ શહેરની સ્ટ્રીટલાઈટના પ્રશ્ને ઢમઢોળતા પ્રમુખ તથા ચીફ ઓફીસર કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળા જાગ્યા હતા અને દોડતા થયા હતા. સભ્યોની લાલ આંખ જોઈ કોન્ટ્રાક્ટરનો પ્રતિનિધિ તા.૧૬-૭ ના રોજ પાલિકા કાર્યાલયમાં હાજર થઈ ગયો હતો. જ્યાં પ્રમુખ તથા ચીફ ઓફીસરની હાજરીમાં બંધ સ્ટ્રીટલાઈટના મુદ્દે મીટીંગ મળી હતી. આ મીટીંગમાં ચીફ ઓફીસરે શહેરની ૬૦૦૦ જેટલી બંધ સ્ટ્રીટ લાઈટની ફરિયાદનો તા.૨૧-૭ સુધીમાં નિરાકરણ લાવવા કોન્ટ્રાક્ટરને અલ્ટીમેટ આપ્યો હતો. મીટીંગમાં કોન્ટ્રાક્ટરને વિસનગરમાં ગોડાઉન રાખવા, શહેરની કુલ લાઈટોના ૨૦ ટકા એટલેકે ૧૨૦૦ લાઈટનો સ્ટોક રાખવા, વિસનગરમાં કોન્ટ્રાક્ટર દ્વારા બે કર્મચારીની નિમણુંક કરવા, કંપનીનુ વાહન રાખવા, કમ્પલેન માટે ટોલ ફ્રી નંબર આપવા, સ્ટ્રીટલાઈટના થાંભલા ઉપર નંબર આપવા વિગેરે બાબતોની નોટીસ આપવામાં આવી હતી.