પાલિકાતંત્ર કોન્ટ્રાક્ટરોની કઠ પુતળી બની ગયુ છે કે શું? ૧૦ કોન્ટ્રાક્ટરોને મુદતની લ્હાણી-ત્રણ વર્ષથી કામ કર્યુ નથી
પાલિકાતંત્ર કોન્ટ્રાક્ટરોની કઠ પુતળી બની ગયુ છે કે શું?
૧૦ કોન્ટ્રાક્ટરોને મુદતની લ્હાણી-ત્રણ વર્ષથી કામ કર્યુ નથી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
વિસનગર પાલિકાતંત્ર અત્યારે કોન્ટ્રાક્ટરોની કઠપુતળી બની ગયુ હોય તેવી રીતે કોન્ટ્રાક્ટરોને મુદત વધારાની લ્હાણી કરી રહ્યુ છે. એવા ઘણા કામ છે કે કોન્ટ્રાક્ટર ત્રણ વર્ષથી કરતા નથી છતાં દર વખતે મુદત વધારો આપવામાં આવે છે. મુદત વધારો આપવો નહી અને બ્લેક લીસ્ટ કરવા તેવો ઠરાવ કરવા છતાં કામ નહી કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થતી નથી. પાલિકાના જવાબદારોની આળ પંપાળની નિતીથી હવે તો જોર શોરથી ચર્ચાઓ થઈ રહી છે કે, કોન્ટ્રાક્ટરો એવો તે ક્યો લાભ કરી આપે છે કે તેમના દોરી સંચાર પ્રમાણે નાચે છે.
સળીયા ચોરી કૌભાંડ બાદ-ટેન્ડરના નિતી નિયમો પ્રમાણે કામ કરવાની છુટ આપવા છતા કોન્ટ્રાક્ટર કેનાલનું કામ કરતો નથી
વિસનગર પાલિકાનો કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ અંકુશ નહી હોવાથી કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની પ્રમાણે વિકાસ કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરવામાં જેટલો રસ દાખવે છે તેટલો રસ કામ કરવામાં દાખવતા નથી તે નવાઈની બાબત છે. તા.૨૭-૭-૨૦૨૦ની જનરલમા એક બે નહી પરંતુ ૧૦ કોન્ટ્રાક્ટરોને મુદત વધારાની લ્હાણી કરતો ઠરાવ કરવામાં આવ્યો છે. આમાથી એવા કેટલાક કોન્ટ્રાક્ટરો છે કે જેમને ત્રીજી ચોથી વખત મુદત વધારો કરી આપવા છતાં કામ પુર્ણ કરતા નથી. પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર તથા બાંધકામ ચેરમેન કોન્ટ્રાક્ટરોની શેહમા ક્યા કારણે આવી ગયા છે તે સમજાતુ નથી. ભાથીટીમ્બા ઠાકોરવાસથી અંબિકા, આશિષના નાળા સુધીની કેનાલમા કોર્પોરેટર ગીરીશભાઈ પટેલે સળીયા ચોરી કૌભાંડ પકડતા આર.સી.સી.કેનાલનું કામ અટકી ગયુ છે. સળીયા ચોરી કૌભાંડ પકડાયુ તેમ છતાં પાલિકાએ કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કે બ્લેક લીસ્ટની કાર્યવાહી કરી નહી. ત્યારબાદ સળીયા ચોરી કૌભાંડ પકડનાર ગીરીશભાઈ પટેલે ગત દિવાળી પહેલા લેખીત રીપોર્ટ આપ્યો છે કે, ટેન્ડરના નિતી નિયમો પ્રમાણે કેનાલનું કામ થાયતો વાંધો નથી. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા આઠ માસથી કેનાલનું કામ કરવામાં આવતુ નથી. તેવી જ રીતે સવાલા દરવાજા નાળાથી જમાઈપરા ઠાકોરવાસની કેનાલનુ કામ કોન્ટ્રાક્ટર છેલ્લા ત્રણ વર્ષથી કરતો નથી. વિવિધ કારણો બતાવી મુદત વધારો માગવામાં આવે છે. પરંતુ કામ શરૂ કરવામાં આવતુ નથી. મુદત વધારાની મંજુરી આપવામાં કોઈ મોટું મળતર મળે છે કે શું? વિકાસ કામ કરતા મુદત વધારો વધારે આપવામાં આવ્યો છે. વિસનગર પાલિકાની ચુંટણીઓ આવી રહી છે. આવા સમયે વિકાસ કામ ઝડપથી પુર્ણ થાય તેવા પ્રયત્નો કરવાની જગ્યાએ મુદત વધારો આપી વિકાસ કામમાં વિલંબ થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા હોવાની પણ કેટલાક કોર્પોરેટરોએ શંકા વ્યક્ત કરી છે. જેમાં ભાજપને નુકશાન થવાનું છે.
મુદત વધારા બાબતે પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે જણાવ્યુ છે કે, મારા પ્રમુખ કાળમાં કોન્ટ્રાક્ટરો પાસે ઉભા ઉભા કામ કરાવવામાં આવતુ હતું. કોઈ કારણોસર મુદત વધારી આપવામાં આવતી હતી.જ્યારે આ બોર્ડમા ત્રણ ત્રણ વર્ષ કામ નહી કરવા છતાં મુદ્ત વધારી આપવામાં આવે છે. સળીયા ચોરી કૌભાંડના વિવાદવાળી કેનાલમાં ગત દિવાળી પહેલા ટેન્ડર નિતી નિયમો પ્રમાણે કામ કરવા રીપોર્ટ આપ્યો છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર કામ કરતો નથી.જમાઈ પરાની કેનાલ ટેન્ડર ત્રણ વખત રીવર્સ કર્યુ અને મુદત વધારો આપ્યો છે છતાં કોન્ટ્રાક્ટર કામ કરતો નથી. આ અગાઉની જનરલમાં કોન્ટ્રાક્ટરોને મુદત વધારવાનો ઠરાવ કરતી વખતે એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે મુદત વધારાની હવે આ છેલ્લી તક ત્રણ માસમાં કામ પુર્ણ ન કરે તો આવા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવા. જેને બહાલી પણ આપવામાં આવી છે. કામ નહી કરનાર કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ કાર્યવાહી કરવા કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં એક પણ કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવી રહ્યા છે. આથમણા ઠાકોર વાસમાં ગટર લાઈન અને પાણીની લાઈનનું હલકી ગુણવત્તાનુ કામ કરવામાં આવ્યુ છે. તે કામ કમ્પલેટ કરવા તથા પેમેન્ટ નહી ચુકવવા અરજી આપવા છતા તેનો અમલ થતો નથી. અત્યારે કોન્ટ્રાક્ટરોને ખોટી રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.