કાંસા એન.એ.વરસાદી પાણી ભરાવાના શ્રાપમાંથી ક્યારે મુક્ત થશે?
કાંસા એન.એ.વરસાદી પાણી ભરાવાના શ્રાપમાંથી ક્યારે મુક્ત થશે?
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પંથકમાં બુધવારે બપોરે આવેલા બે ઈંચ વરસાદથી કાંસા એન.એ. વિસ્તારની નિચાણવાળી સોસાયટીઓમાં અને જાહેર રોડ ઉપર ઢીંચણસમા પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા રોડ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો હતો. ત્યારે એન.એ. વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસકામો થયા હોવાની ભાજપ સરકારની પોલ ખુલ્લી પડી હતી. કાંસા એન.એ.વિસ્તાર વરસાદી પાણી ભરાવાના શ્રાપમાંથી ક્યારે મુક્ત થશે.
ભાજપ સરકાર રોડ, રસ્તા, પાણી, ગટરલાઈન સહિતના વિકાસકામો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ અધિકારી અને કોન્ટ્રાક્ટરની સરકારી નાણાંમાં ખાચકી કરવાની વૃતીના કારણે વિકાસકામો બરાબર થતા નથી. સરકારે વિસનગરના કાંસા એેન.એ.વિસ્તારમાં વિકાસકામો કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાં કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધીનો રોડ વારંવાર બનાવ્યો છે. છતાં આજદીન સુધી આ રોડ ટકાઉ બન્યો નથી. રોડ વચ્ચે નાખેલા ગટરની કુંડીના ઢાંકણા તુટી જાય છે. કાંસા એન.એ. વિસ્તારમાં વરસાદી પાણી ભરવાની સમસ્યા વર્ષોથી છે. દરેક ચુંટણી ટાણે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવાની ખાત્રી આપે છે. પરંતુ ચુંટણી જીત્યા પછી ધારાસભ્ય આ વિસ્તારની સમસ્યા ભુલી જાય છે. વિસનગરમાં અનુભવી એન્જીનીયરોના અભાવે એન.એ. વિસ્તારમાં વર્ષોથી ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યા હલ થતી નથી. ચોમાસામાં વરસાદી પાણી ભરાતા નિચાણવાળી સોસાયટીના રહીશોને ઘરમાં રહેવું નર્ક સમાન બની ગયુુ છે. અત્યારે સામાન્ય વરસાદમાં આઈ.ટી.આઈ.થી રામદેવપીર મંદિર સુધીની નિચાણવાળી સોસાયટીઓ બેટમાં ફેરવાઈ જાય છે. આ વિસ્તારના રહીશોએ વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા વારંવાર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તથા એન.એ. વિસ્તારના સરપંચોને રજુઆતો કરી છે છતાં આજદીન સુધી કોઈએ આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા રસ દાખવ્યો નથી. માત્ર આ વિસ્તારની સોસાયટીની રહીશોનો ચુંટણી ટાણે વાટબેંક તરીકે ઉપયોગ કર્યો છે ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ રાજકીય કાવાદાવા મુકી કાંસા એન.એ. વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી સ્થાનિક રહીશોની લાગણી અને માગણી છે.