Select Page

નિઃસ્વાર્થ ભાવે વિકાસ થાય ત્યા દાતાઓની ક્યારેય ખોટ વર્તાતી નથી નગરશ્રેષ્ઠી કરશનકાકાનુ સ્મશાનમાં ભઠ્ઠી માટે રૂા.૫ લાખનુ દાન

નિઃસ્વાર્થ ભાવે વિકાસ થાય ત્યા દાતાઓની ક્યારેય ખોટ વર્તાતી નથી નગરશ્રેષ્ઠી કરશનકાકાનુ સ્મશાનમાં ભઠ્ઠી માટે રૂા.૫ લાખનુ દાન

નિઃસ્વાર્થ ભાવે વિકાસ થાય ત્યા દાતાઓની ક્યારેય ખોટ વર્તાતી નથી
નગરશ્રેષ્ઠી કરશનકાકાનુ સ્મશાનમાં ભઠ્ઠી માટે રૂા.૫ લાખનુ દાન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના સાર્વજનિક સ્મશાનગૃમાં અંતિમક્રિયાનો ઘસારો વધતા લાકડાની ઈલેક્ટ્રીક બીજી ભઠ્ઠી બનાવવા દાતાઓને અપીલ કરવામાં આવી હતી. ત્યારે નગરશ્રેષ્ઠી, અનેક સંસ્થાઓમાં દાન આપનાર તેમજ વિવિધ સંસ્થાઓમાં મહત્વના હોદ્દા સંભાળનાર કરશનકાકા પટેલે સાર્વજનિક સ્મશાનગૃહની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેઓ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલ તથા તેમના સ્વસ્તિક મિત્ર મંડળના કાર્યથી પ્રભાવીત થઈ લાકડાની ભઠ્ઠી માટે રૂા.૫ લાખના માતબર રકમના દાનની જાહેરાત કરી હતી. કરશનકાકા જેવા ઉદાર હાથે દાન આપનાર દાતાઓના કારણેજ વિસનગર દાતાઓની ભૂમિ કહેવાય છે. જેમણે દાન જાહેર કરતા જણાવ્યુ હતું કે, સ્મશાનગૃહના વિકાસ માટે જરૂર પડે ત્યારે રાજુભાઈ પટેલ માટે મારા દરવાજા ખુલ્લા રહેશે.
સાર્વજનિક સ્મશાનગૃહનો અભૂતપૂર્વ વિકાસ તથા ટ્રસ્ટીઓના કાર્યોથી પ્રભાવિત થઈ કરશન કાકાએ જણાવ્યુ, જરૂર પડે ત્યારે રાજુભાઈ માટે મારા દરવાજા ખુલ્લા રહેશે
વિસનગર દાતાઓની ભૂમિ છે. નિઃસ્વાર્થ ભાવે થતા સેવા કાર્યોમાં ક્યારેય દાતાની ખોટ વર્તાતી નથી. તે નગરશ્રેષ્ઠી કરશનકાકાએ સાબીત કરી બતાવ્યુ છે. વિસનગરનુ સાર્વજનિક સ્મશાનગૃહનુ સંચાલન જ્યારથી આર.કે.જ્વેલર્સવાળા રાજુભાઈ પટેલ અને તેમના સ્વસ્તિક મિત્ર મંડળ દ્વારા સંભાળ્યુ છે ત્યારથી સ્મશાનગૃહ ઉત્તર ગુજરાતમાં એક નામના પાત્ર સ્થળ બની ગયુ છે. સાર્વજનિક સ્મશાનગૃહમાં અગાઉ વર્ષે ૫૦ જેટલી અંતિમક્રિયા થતી હતી. પરંતુ રાજુભાઈ પટેલ અને ભરતભાઈ ચોક્સીની સીધી દેખરેખ તથા સ્વસ્તિક મિત્ર મંડળના સહકારથી સુવિધાઓ સાથેનુ સ્મશાનગૃહ બનતા અત્યારે મહીને ૮૦ થી ૧૨૦ અંતિમક્રિયા થઈ રહી છે. હાલમાં ગેસની એક ભઠ્ઠી તથા લાકડાની એક ઈલેક્ટ્રીક ભઠ્ઠી છે. લોખંડની ચેચીસવાળી બે સાદી ભઠ્ઠી છે. પરંતુ મોટાભાગના લોકો ગેસની અને લાકડાની ઈલેક્ટ્રીક ભઠ્ઠી અંતિમ ક્રિયા માટે પસંદ કરતા સ્મશાનગૃહમાં ત્રીજી લાકડાની ઈલેક્ટ્રીક ભઠ્ઠીની આવશ્યક્તા ઉભી થઈ છે. જે માટે સ્મશાનગૃહના ટ્રસ્ટીઓ દ્વારા દાતાઓને અપીલ કરવામાં આવી હતી. વિસનગર ગંજબજારના અગ્રણી વેપારી, જાણીતા દાતા, સમાજ શ્રેષ્ઠી એવા કરશનભાઈ શંકરદાસ પટેલ(કરશનકાકા)ને આ બાબતની જાણ થતા તેમણે રાજુભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો અને લાકડાની ભઠ્ઠી માટે દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કરશનકાકાએ તે પહેલા સ્મશાનગૃહની મુલાકાત લીધી હતી. સ્મશાનગૃહનો અભૂતપૂર્વ વિકાસ જોઈ પ્રભાવિત થયા હતા. તેમણે આ મુલાકાતમાંજ રાજુભાઈ પટેલ, ભરતભાઈ ચોક્સી, કિર્તિભાઈ પટેલ કલાનિકેતન તથા કનુભાઈ પટેલની રૂબરૂમાં નવીન ઈલેક્ટ્રીક લાકડાની ભઠ્ઠી માટે રૂા.૫,૦૦,૦૦૦/- દાનની જાહેરાત કરી હતી. જે દાનની જાહેરાત સંચાલક મંડળે વધાવી કરશનકાકાનો ખુબખુબ આભાર વ્યક્ત કર્યો હતો. નોધપાત્ર બાબત છેકે, કરશનકાકાના પુત્ર પૂજા ડેવલોપર્સવાળા હરેશભાઈ પટેલ સ્મશાનગૃહના ટ્રસ્ટી છે. જેમણે અગાઉ સ્મશાન રિનોવેશન કાર્યમાં બાગ બગીચાના વિકાસ માટે તેમના માતૃશ્રી પટેલ શાન્તાબેન કરશનભાઈ શંકરદાસના નામે રૂા.૩,૫૦,૦૦૦/- નુ માતબર રકમનુ દાન આપ્યુ છે. જેઓ શરૂઆતથી સ્મશાનગૃહમાં દાતા તરીકે જોડાયેલા છે.
કરશનકાકા મુળ ઉમતાના વતની છે. ઉમતા ગામમાં પણ દરેક સંસ્થામાં એમના દાનની તક્તી અવશ્ય જોવા મળશે. જેમણે સ્મશાનગૃહની મુલાકાત લઈ દાનની જાહેરાત કરતા જણાવ્યુ હતું કે, આટલુ દાન આપીને ગાંઠ વાળી નથી. જરૂર પડે સ્મશાનના વિકાસ માટે સમયે સમયે મારા દરવાજા રાજુભાઈ પટેલ માટે ખુલ્લા રહેશે તેમ જણાવ્યુ હતું.
કરશનકાકા સફળ વેપારી, દાતા ઉપરાંત્ત સફળ વહીવટકર્તા છે. જેઓ અત્યારે ગણપત વિદ્યાલયમાં ટ્રસ્ટી તરીકે, કડી સર્વ વિદ્યાલય કડી અને કડી મહાવિદ્યાલય ગાંધીનગર, ઉંઝા ઉમિયા માતાજીમાં ટ્રસ્ટી, ઉંઝા કન્યા વિદ્યાલયમાં ટ્રસ્ટી, ના.વિ.કન્યા વિદ્યાલય વિસનગરના સ્થાપક પૂર્વ પ્રમુખ તરીકે, ઉમતા કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ તરીકે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ કારોબારી સભ્ય અને હાલમાં સભ્ય તરીકે, ગંજબજાર વેપારી મંડળના પૂર્વ પ્રમુખ, વિસનગર વેપારી મહામંડળના પૂર્વ સ્થાપક કન્વીનર, રોટરી ક્લબ વિસનગર રાઉન્ડ ટાઉનના માનદ સભ્ય, કે.પી.વિદ્યાર્થી ભવન અમદાવાદના ટ્રસ્ટી, એપીએમસી વિસનગરના પૂર્વ ડાયરેક્ટર, લાયન્સ ક્લબ ઓફ વિસનગરના ફાઉન્ડર પ્રમુખ એમ વિવિધ સંસ્થાઓમાં સેવા આપી ચુક્યા છે અને આપી રહ્યા છે. જેમણે હોદ્દો ધરાવતા કેટલીક સંસ્થાઓમાં દાન પણ આપ્યુ છે. કરશનકાકાની વિવિધ સમાજ સેવાની કદર રૂપે ગવર્નર દ્વારા સમાજ શ્રેષ્ઠીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. જરૂર પડે દાન આપવા સામેથી તત્પરતા અને ઉત્સાહ દાખવતા આવા સમાજ શ્રેષ્ઠી દાતા વિસનગર માટે ગૌરવની બાબત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us