પ્લોટ માલિકોને નોટીસ આપવામાં એન.એ.સરપંચ લાચાર સોપાન બંગ્લોઝ પાસે ભરાતા પાણીથી રોગચાળાની દહેશત
પ્લોટ માલિકોને નોટીસ આપવામાં એન.એ.સરપંચ લાચાર
સોપાન બંગ્લોઝ પાસે ભરાતા પાણીથી રોગચાળાની દહેશત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર નજીક કાંસા એન.એ.વિસ્તારમાં સોપાન બંગ્લોઝ પાસે આવેલ માલિકીના પ્લોટોમાં પાંચ થી છ ફુટ ભરાતા વરસાદી પાણીથી આજુબાજુના રહીશોને રોગચાળો ફેલાવવાનો ડર સતાવી રહ્યો છે. પરંતુ કાંસા એન.એ.ગ્રામ પંચાયતમાં મોટાભાગના પ્લોટ માલીકોના પાકા સરનામા ન હોવાથી સરપંચ પ્લોટ માલિકોને નોટીસ આપવામા લાચાર બની ગયા છે.
કાંસા એન.એ.વિસ્તારમાં ગુરુકુળ રોડ ઉપર આવેલ સોના બંગ્લોઝ અને સોપાન બંગ્લોઝની બાજુમાં વર્ષોથી માલિકીના પ્લોટ પડી રહ્યા છે. પરંતુ આ પ્લોટોમાં આજદીન સુધી તેના માલિકોએ બાંધકામ કર્યુ નથી. પ્લોટ ખાડામાં હોવાથી ચોમાસાનું વરસાદી પાણી આ પ્લોટોમાં ભરાઈ રહે છે. પ્લોટોમાં ભરાતા વરસાદી પાણીથી ગંદકી થતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. આ બાબતે આજુબાજુની સોસાયટીના રહીશોએ અવાર-નવાર ગ્રામ પંચાયતમા રજુઆત કરી છે. પરંતુ ગ્રામ પંચાયતના રેકર્ડમાં મોટાભાગના પ્લોટ માલીકોના પાકા સરનામા ઉપલબ્ધ ન હોવાથી પ્લોટ માલિકોને નોટીસ આપવાની કોઈ કાર્યવાહી થતી નથી.જેના કારણે આજુબાજુની સોસાયટીના રહીશો ચોમાસામાં પ્લોટોમાં ભરાતા વરસાદી પાણીથી પરેશાન થઈ ગયા છે. છતાં આ પ્લોટ માલિકો પોતાના પ્લોટોમાં માટી પુરાણ કરવાની જરાય તસ્દી લેતા નથી. પ્લોટ માલિકો તગડો નફો લેવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. પ્લોટ માલિકોની નિષ્કાળજીથી આ વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની લોકોમાં દહેશત ઉભી થઈ છે. ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ, અમિષાબેન પરમાર, ઉપસરપંચ ચેતનભાઈ પટેલ (બેટરી), તલાટી ગોવિંદભાઈ પટેલ સહિત પંચાયતના સભ્યો ભેગા મળી રૂપીયા કમાવવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પ્લોટ માલિકોના પાકા સરનામા શોધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. જોકે ગ્રામ પંચાયતના એકપણ સરપંચે આ વિસ્તારમાં ગંદકી ફેલાવતા પ્લોટ માલિકો સામે કાયદાનો કોરડો વિઝવાની હિંમત કરી નથી.