Select Page

કાંસા એન.એ.માં કોરોનામાં નિઃસ્વાર્થ સેવાથી આપનો ઘડો છલકાયો

કાંસા એન.એ.માં કોરોનામાં નિઃસ્વાર્થ સેવાથી આપનો ઘડો છલકાયો

ચેતનભાઈ બેટરી ચુંટણીના ચાણક્ય સાબીત થયા

કાંસા એન.એ.માં કોરોનામાં નિઃસ્વાર્થ સેવાથી આપનો ઘડો છલકાયો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર કાંસા એન.એ.ગ્રામ પંચાયતની ચુંટણીમાં આમ આદમી પાર્ટીની વિચારધારા ધરાવતા પ્રશાંતભાઈ પટેલના પત્ની નિમિષાબેન પટેલ ૧૮૦૮ મતની જંગી લીડથી સરપંચ પદે ચુંટાયા છે. જે ચુંટણીમાં એન.એ.ના પૂર્વ સરપંચ ચેતનભાઈ બેટરી ચાણક્ય સાબીત થયા છે. કોરોના મહામારીની બીજી લહેરમાં આમ આદમી પાર્ટીના યુવાનોએ જે નિઃસ્વાર્થ ભાવે સેવા કરી હતી તેનુ પણ આ પરિણામ છે. એન.એ.વિસ્તારના મતદારોએ વિશ્વાસ મુક્યો છે ત્યારે સર્વાંગી વિકાસ થાય તે જોવાની સરપંચ નિમિષાબેન પટેલની વિશેષ જવાબદારી થઈ પડે છે.
વિસનગર તાલુકાની ગ્રામ પંચાયતોમાં મોટી ગ્રામ પંચાયત પૈકીની કાંસા એન.એ.માં મુખ્યત્વે ભાજપ અને આમ આદમી પાર્ટીની વિચારધારા ધરાવતા ઉમેદવારોની પેનલ ટકરાઈ હતી. જેમાં ચુંટણી ફોર્મ સમયેજ પોતાની તરફેણમાં ૩ ઉમેદવાર બીનહરિફ કરી સરપંચના ઉમેદવાર નિમિષાબેન પટેલે વિજય પતાકા લહેરાવા તરફ આગળ વધ્યા હતા. મતગણતરી દિવસે પ્રથમ રાઉન્ડથીજ લીડની શરૂઆત કરનાર સરપંચના મહિલા ઉમેદવારની એકપણ રાઉન્ડમાં લીડ તુટી નહોતી અને ૧૮૦૮ મતની જંગી લીડથી વિજય થયો હતો. જેમની પેનલના પણ ૯ સભ્યો ચુંટાયા હતા.
જોકે આ ચુંટણીમાં એન.એ.પૂર્વ સરપંચ ચેતનભાઈ બેટરી ચાણક્ય સાબીત થયા છે. જેમનુ શરૂઆતથીજ માર્ગદર્શન હતુ. રાજકીય દાવપેચના ખેલાડી ચેતનભાઈ બેટરીની દોરવણીમાં ભાજપના ગઢ ગણાતા એન.એ.વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ગાબડુ પાડ્યુ છે. સરપંચ નિમિષાબેન પટેલના પતિ પ્રશાંતભાઈ પટેલની નિર્વિવાદ અને સેવાભાવનાની છબીના કારણે પણ આ પરિણામ મળ્યુ છે. આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ કૌશીકભાઈ પટેલ, રવિભાઈ જયંતિભાઈ પટેલ, દર્શનભાઈ વ્યાસ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા ચુંટણી પ્રચારનુ જે સુવ્યવસ્થીત આયોજન કરવામાં આવ્યુ તેમજ ચુંટણીમાં માઈક્રો પ્લાનીંગ કરાયુ તેના કારણે પરિણામ મેળવી શકાયુ છે. કોને મત આપ્યા અને કોને ન આપ્યા તેનુ એનાલીસીસ કરીએ તો ચુંટણીના રાગદ્વેષ મનમા આવે. અમે આવુ કોઈ એનાલીસીસ કરવાના નથી અને નાત-જાતના ભેદભાવ વગર વિકાસ કરવાનો છે તેવી રવિભાઈ પટેલે ભાવના વ્યક્ત કરી હતી. પરિણામ મેળવ્યા બાદ અહમ વગર આવા વિચારો વ્યક્ત કરનાર આ યુવાનો એન.એ.વિસ્તારના વિવિધ પ્રશ્નોનુ નિરાકરણ લાવશે તેવી આશા બંધાઈ છે.
આમ આદમી પાર્ટીના યુવાનોની નિઃસ્વાર્થ સેવાનુ પણ પરિણામ મળ્યુ છે તેમ કહી શકાય. કોરોનાની બીજી લહેરમાં ઓક્સીજન બેડ કે ઓક્સીજન સીલીંડર મળતા નહોતા. ત્યારે પ્રશાંતભાઈ પટેલ, કૌશીકભાઈ પટેલ, રવિભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમે સ્વખર્ચે ગુરૂકુળ સ્કુલમાં કોવીડ કેર સેન્ટર ઉભુ કર્યુ હતુ. જેમાં સારવાર લેવા આવનાર વ્યક્તિ કંઈ જ્ઞાતિનો છે તે જોયા વગર સારવાર કરી માનવીય અભિગમ દાખવ્યો હતો. સરકારી તંત્રની કોઈ મદદ નહોતી તેમજ કોઈ મોટુ ભંડોળ નહોતુ છતાં આ યુવાનોએ દર્દિઓની જે સારવાર કરી તેના કારણે એન.એ.માં સેવાભાવના ધરાવતા યુવાનો તરીકેની લોકચાહના પ્રાપ્ત કરી હતી. જે સેવાના આશિર્વાદરૂપ ચુંટણીનુ પરિણામ મળ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us