
તંત્રી સ્થાનેથી-છોકરીઓ માટે ૨૧ વર્ષની લગ્નમર્યાદા બાળ લગ્નોના ગુના વધારનાર સાબિત થશે

તંત્રી સ્થાનેથી
છોકરીઓ માટે ૨૧ વર્ષની લગ્નમર્યાદા બાળ લગ્નોના ગુના વધારનાર સાબિત થશે
કેન્દ્ર સરકારે છોકરીઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર છોકરાઓના સમાંત્તર લાવીને ૧૮ વર્ષથી વધારી ૨૧ વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સામે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સરકારનું આ પગલું બાળ લગ્નોનું દુષણ દૂર કરવાની જગ્યાએ વધારવાવાળુ સાબીત થશે. કેન્દ્રની કેબીનેટ છોકરા અને છોકરીઓની વય સમાનતા લાવવા માટે સરકારે દરખાસ્તને મંજૂરી આપી છે. શિયાળુ સત્રમાં આ દરખાસ્ત કાયદો પણ બની ગઈ છે. પ્રવર્તમાન સંજોગોમાં ૧૮ વર્ષથી ઓછી વયે થતા લગ્નો ૨૭ ટકાથી ઘટીને ૨૩ ટકા થઈ ગયા છે. ૨૧ વર્ષની વય પહેલાં છોકરીઓના લગ્નનું પ્રમાણ હજુ પણ ૬૦ થી ૭૦ ટકા જેટલું છે. ૧૯૭૮ માં છોકરીઓ માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષની ઉંમરનો કાયદો કર્યો હતો. આ કાયદો એટલા માટે પસાર કરવામાં આવ્યો હતો કે બાળ લગ્નોમાં અટકાવ આવે. જોકે આ કાયદો સંપૂર્ણ સફળ થયો નથી. ઉચ્ચ અને મધ્યમવર્ગના લોકો છોકરીઓને શિક્ષણ આપે છે. જેથી તેમના લગ્ન ૨૧ વર્ષ પછીજ કરે છે. તે કોઈપણ કાયદા વગર કરે છે. પણ આ ૨૧ વર્ષનો કાયદો સફળ થવાનો નથી. તેમાં સરકાર તરફથી ઉતાવળ કરવામાં આવી છે. ભારત દેશમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ બક્ષીપંચના કેટલાક સમાજો વનવાસી સમાજ અત્યારે ૧૮ વર્ષનો કાયદો પણ તોડે છે. જેથી તેમને ૨૧ વર્ષનો કાયદો તોડવાની પણ ફરજ પડશે. આ સમાજોને ૧૮ વર્ષની છોકરીની ઉંમરનો કાયદો લાગુ પડતો ન હોય તેવું છે. ૧૪ થી ૧૬ વર્ષે છોકરીના લગ્નો મોડામાં મોડા કરી નાખવામાં આવે છે. આ કાયદાથી બાળલગ્નોનું પ્રમાણ વધશે. જે અત્યારે ૧૮ વર્ષની ઉંમરનો કાયદો છે. જો બાળ લગ્નો અટકાવવા હોય તો મહિલાઓ માટે રોજગારીની તકો વધારવી જોઈએ. ભણેલી મહિલાઓ મોટી ઉંમરે જ લગ્ન કરે છે. ડેવલપમેન્ટ ઈન્ડીયાના ડીરેક્ટર મધુ મહેરાએ જણાવ્યું છે કે છોકરીઓ માટે લગ્નની વય મર્યાદા ૨૧ વર્ષ કરવા કરતાં છોકરીઓને તેમના અંગત જીવન માટે નિર્ણય લેવા દેવો જોઈએ. જો રોજગારીની તકો વધારાય તો વધુને વધુ છોકરીઓ શિક્ષણ તરફ વળશે. શિક્ષણમાં S.S.C. થી અટકવાની નથી ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરશે જેથી તેમની ઉંમર ૨૧ વર્ષથી વધારે ઓટોમેટીક થઈ જશે. ૨૧ વર્ષથી વધારે છોકરીઓની ઉંમર ભણતરને લીધે આપોઆપ થઈ જશે. છોકરીઓની લગ્નની વયમર્યાદા માટે એવું પણ કહેવાય છે કે છોકરીઓને ઉચ્ચ શિક્ષણની તક મળશે. જલદી માતા નહિ બને એટલે વસ્તી ઉપર નિયંત્રણ આવશે. જોકે સ્વર્ગસ્થ ઈન્દીરા ગાંધીનું સૂત્ર બે બાળકો બસનું મોંઘવારી અને મોંઘા શિક્ષણમાં લોકોને જીવનમાં ઉતારવું પડ્યું છે. જેથી ૨૧ વર્ષના કાયદાથી નહિ પણ પરિસ્થિતિ યુવતીઓના લગ્નને ૨૧ વર્ષ પછી કરવાની ફરજ પાડશે. આ ૨૧ વર્ષનું પગલું સ્ત્રી સશક્તિકરણ માટે લેવાયું છે. પણ પ્રવર્તમાન સંજોગોમાં સ્ત્રીઓ પુરુષ સમોવડીયા બની ગઈ છે. જેથી ૨૧ વર્ષના લગ્નનો કાયદો ઉચ્ચ વર્ગ અને મધ્યમ વર્ગ માટે હાસ્યાસ્પદ બનશે અને નીચેના વર્ગ આ કાયદાને તોડશે. જેથી બાળ લગ્નનો વ્યાપ વધશે. પોલીસતંત્રની કામગીરી વધી જશે. પોલીસતંત્ર ગુનાખોરી સામે દોડશે કે બાળલગ્નો માટે દોડશે?