Select Page

જીવણભાઈ દેસાઈ જેવો વીરલો ઊભો થાય તો ચાઈનીઝ દોરીનું વેચાણ – વપરાશ સામે સજા થાય તેવો ગુનો બને

જીવણભાઈ દેસાઈ જેવો વીરલો ઊભો થાય તો ચાઈનીઝ દોરીનું વેચાણ – વપરાશ સામે સજા થાય તેવો ગુનો બને

તંત્રી સ્થાનેથી
જીવણભાઈ દેસાઈ જેવો વીરલો ઊભો થાય તો
ચાઈનીઝ દોરીનું વેચાણ – વપરાશ સામે સજા થાય તેવો ગુનો બને


ઉત્તરાયણનું પર્વ જેમ જેમ નજીક આવતુ જાય તેમ તેમ એક થી દોઢ મહિના પહેલા અખબારોમાં સમાચારો આવવાનું ચાલુ થાય કે ફલાણા ગામની પોલીસે ચાઈનીઝ દોરીના રીલ પકડી કાયદેસરની કાર્યવાહી કરી. આવી રીતે દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ એકાદ બે રેડ કરી ચાઈનીઝ દોરીના રીલ પકડી જાહેરનામા ભંગનો ગુનો બનાવી માલ જપ્ત કરવાની સામાન્ય કાર્યવાહી કરી સંતોષ માને કે પોતે ઉત્તમ કાર્યવાહી કરી. ઉત્તરાયણ આવે એટલે પોલીસની કાર્યવાહીની પોલ ખુલ્લી પડે. જોકે પોલીસ પાસે જાહેરનામા ભંગના ગુના સિવાય ગુનો બનાવાની કોઈ સત્તા નથી. હજ્જારોની સંખ્યામાં લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ બિનરોકટોક કરે. સરકારનો પૂરેપૂરો લાભ લેતા વિસ્તારો તથા સ્લમ વિસ્તારમાં ૧૦૦ ટકા ચાઈનીઝ દોરી વપરાય. અખબારી સમાચારમાં પોલીસે ચાઈનીઝ દોરીના હજારો રીલ મેઘા શહેરોમાંથી પકડ્યાના સમાચારો આવતા નથી. એટલે મોટા મગરમચ્છો પકડાતા નથી. નાના નાના વેપારીઓજ પકડાય છે. દોરી પતંગનો હોલસેલ વેપાર ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં શરૂ થાય છે. એ વખતે પોલીસ તંત્રનુ ધ્યાન ચાઈનીઝ દોરી માટે હોતુ નથી. તેવા સમયે હજ્જારોની સંખ્યામાં ચાઈનીઝ દોરીના રીલો આવે છે અને વેચાય છે. આ ચાઈનીઝ દોરીના રીલ કલર કરેલાજ હોય છે. જેથી વેચનાર અને લેનારને કોઈ મહેનત કરવાની રહેતી નથી. ચાઈનીઝ દોરીના એ.પી.સેન્ટર અમદાવાદ તથા બીજા મેઘા સીટી છે. ત્યાંથી જથ્થાબંધ અનેક શહેરોમાં ચાઈનીઝ દોરી જાય છે અને ત્યાંથી નાના રીટેલરોને ત્યાં ડીસ્ટીબ્યુશન થાય છે. મેઘા સીટીમાંથી ચાઈનીઝ દોરી પોલીસે પકડી હોય તેવા સમાચારો કદાપિ જોવા મળતા નથી. ચાઈનીઝ દોરી ઘાતક છે. તેના સામે તંત્ર કડક નહિ થાય તો વર્ષોવર્ષ ચાઈનીઝ દોરીનો વ્યાપ વધતો જવાનો છે. ચાઈનીઝ દોરી વેચવા અને વાપરવા સામે છ થી બાર મહીનાની સજાનો ગુનો બને તોજ દોરીનો વપરાશ ઘટશે. ટુક્કલો માટે ભૂતકાળમાં હાઈકોર્ટના યુવાન એડવૉકેટ જુગલ દવે દ્વારા વિસનગરના જીવણભાઈ દેસાઈએ પી.આઈ.એલ. દાખલ કરી હતી. જેને લઈને હાઈકોર્ટે ટુક્કલો માટે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી ત્યારે ધીરે ધીરે ટુક્કલો બંધ થઈ. ચાઈનીઝ દોરી માટે પણ જુગલ દવે જેવા વિસનગરના હાઈકોર્ટના એડવૉકેટ અને વિસનગરના જીવણભાઈ દેસાઈ જેવા વ્યક્તિ જાગે અને હાઈકોર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરશે તો જ હાઈકોર્ટ ચાઈનીઝ દોરી સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપશે તો જ પોલીસ તંત્ર જાગશે અને ચાઈનીઝ દોરી બંધ થશે. ચાઈનીઝ દોરી વેચવા વાપરવા માટે ઉત્તરાયણના બાર મહિના પહેલાજ કાર્યવાહી કરાશે તો હોલસેલ વેપારી ગભરાઈ દોરી મંગાવતા બંધ થશે તો જ ઓટોમેટીક ચાઈનીઝ દોરી બંધ થઈ જશે. ચાઈનીઝ દોરી માનવજીવન માટે ઘાતક છે. ચાલુ વર્ષે પતંગની દોરીથી ૩૬૦ થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. બે વ્યક્તિના મૃત્યુ થયા છે. આ આંકડા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના છે. કચ્છ કાઠિયાવાડના આંકડા તો જુદાજ છે. ચાઈનીઝ દોરી સામે બૅન હોવા છતાં પોલીસ તંત્રની મીઠી નજર નીચે દારૂ ઉપર પ્રતિબંધ હોવા છતાં વેચાય છે તે રીતે ચાઈનીઝ દોરી વેચાય છે. ચાઈનીઝ દોરી એ દોરી નથી પણ પ્લાસ્ટીકનું ઘાતક હથિયાર છે જેનાથી મનુષ્યનો જીવ જઈ શકે છે. ઘાતક હથિયારનો ઉપયોગ કરવો તે ગુનો છે તે રીતે ચાઈનીઝ દોરી વેચનાર વાપરનાર સામે ગંભીર સજા થાય તેવો ગુનો દાખલ થાય તોજ ચાઈનીઝ દોરીનો વપરાશ અટકશે. આ તંત્રી લેખ એટલા માટે લખાયો છે કે જો ચાઈનીઝ દોરી સામે કડક કાર્યવાહી થાય તો આવતા વર્ષે તેના ઉપર રોક લાગે અને અનેક વ્યક્તિ, અસંખ્ય અબોલા પક્ષીઓનો જીવ જતા બચી જાય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us