Select Page

પી.આઈ.ભાવનાબેન પટેલને બોલાવી બુટલેગરો માટે ભલામણ કરાઈ ! ધમકી આપનાર બુટલેગરો વિરુધ્ધ પોલીસનો કડક મીજાજ

પી.આઈ.ભાવનાબેન પટેલને બોલાવી બુટલેગરો માટે ભલામણ કરાઈ ! ધમકી આપનાર બુટલેગરો વિરુધ્ધ પોલીસનો કડક મીજાજ

પી.આઈ.ભાવનાબેન પટેલને બોલાવી બુટલેગરો માટે ભલામણ કરાઈ !
ધમકી આપનાર બુટલેગરો વિરુધ્ધ પોલીસનો કડક મીજાજ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ખોટી રાજકીય છત્રછાયાના કારણે વિસનગરના બુટલેગરોની હિમ્મત એટલી વધી ગઈ છે કે હવે પી.આઈ. જેવા અધિકારીને ધમકી આપતા ખચકાતા નથી. રાજકારણના સ્વાર્થમાં છાવરવામાં આવેલા આવા બુટલેગરો જાહેરમાં દાદાગીરી કરે તેવા બનાવ વિસનગરમાં નજીકના ભવિષ્યમાં બને તો નવાઈ નહી. શહેરના રાજકીય અગ્રણીએ પી.આઈ.ને બોલાવી બધાની વચ્ચે બુટલેગર માટે ભલામણ કરી હોવાની ચર્ચા શૈક્ષણિક અને સંસ્કારી નગરી માટે શરમજનક છે. સત્તાના મદમાં રાચતા આવા રાજકીય નેતાની શેહમાં આવ્યા વગર પોલીસે બુટલેગરો વિરુધ્ધ કડક કાર્યવાહી કરી પોલીસ પટાવાળી કરવા માટે નથી તેવા મીજાજનો પરચો બતાવી દીધો છે.
અસમાજીક પ્રવૃત્તિ કરતા તત્વોને છાવરવામાં આવે તેનુ પરિણામ હંમેશા ખરાબ હોય છે. વિસનગરના રાજકીય નેતૃત્વમાં એક સમય એવો હતો કે બુટલેગરોને જાહેરમાં બાધીને ફેરવવામાં આવતા હતા અને ફટકારવામાં આવતા હતા. અત્યારે સમય બદલાઈ ગયો છે. બુટલેગરોના ઉપરાણામાં પોલીસને જાહેરમાં ધમકાવવામાં આવે છે. અસામાજીક પ્રવૃત્તિઓ અને અસામાજીક તત્વોને ખોટી રીતે પ્રોત્સાહન આપવાની રાજકીય નેતાની કાર્યપધ્ધતિ શહેરને કંઈ તરફ લઈ જશે તે ચર્ચા સમગ્ર શહેરમાં ચાલી રહી છે. શહેરનો બુધ્ધીજીવી વર્ગ શહેરના અદના નેતાની બદલાયેલી પધ્ધતિને લઈ ચીંતીત બન્યો છે.
વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.ભાવનાબેન કે.પટેલ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સ્ટાફ સાથે શહેરમાં પેટ્રોલીંગ કરતા હતા. જેઓ બપોરે બસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે જી.જે.૦૧ આર.એસ.૪૯૮૬ નંબરની સ્વીફ્ટ તથા જી.જે.૦૭ ડી.બી.૮૨૨૮ નંબરની આઈ ટેન કાર રોડ ઉપર વચ્ચોવચ્ચ ઉભી હતી. જેમાં આઈ ટેન કારની આગળની નંબર પ્લેટ નહોતી તેમજ કાચ ઉપર કાળી ફિલ્મ લગાવેલી હતી. પોલીસે આસપાસ તપાસ કરતા બહુચરનગર વૉહના છાપરા વિસ્તારમાં રહેતો જુગારનો લીસ્ટેડ બુટલેગર ઠાકોર રઘાજી ઉર્ફે રઘજી સબાજી મણાજી તથા ઠાકોર વિક્રમજી સબાજી મણાજીની કાર હતી. પી.આઈ. બી.કે.પટેલે રોડ વચ્ચે પાર્ક કરેલ કાર સાઈડમાં કરવાનુ કહેતા આ બુટલેગર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. પરિસ્થિતિ વણસે તેમ જણાતા પી.આઈ.એ બીજો સ્ટાફ બોલાવી દીધો હતો.
બુટલેગરોની દાદાગીરી સામે પી.આઈ. ખડાઈ જતા ઘર્ષણ થવાનુ બાકી રહ્યુ હતુ. બુટલેગરો પી.આઈ. ઉપર તાડુક્યા હતા. પોલીસ સ્ટાફ સાથે માથાકુટ કરી તમારાથી થાય તે કરીલો. ગાડીઓ રસ્તામાંથી નહી હટે. અમને ઓળખતા નથી. પોલીસને વિસનગરમાં નોકરી કરવાનુ ભારે પડશે તેવી ધમકીઓ આપી હતી. બુટલેગરો પોલીસને ગાંઠ્યા નહોતા અને કાર પણ રસ્તા વચ્ચેથી બાજુમા મુકી નહોતી. વિસનગરમાં બુટલેગરોના શાસનમાં કોઈ સામાન્ય નાગરિકે આવી જીભાજોડી કરી હોત તો શુ દશા થઈ હોત.
શહેરમાં ફરતા આવા બુટલેગરોની શાન ઠેકાણે લાવવા પી.આઈ. બી.કે.પટેલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યા પ્રમાણે ઉત્તરાયણના દિવસે દરબાર ભરીને બેઠેલા રાજકીય નેતાએ પી.આઈ.ને બોલાવી માથાભારે બુટલેગરો વિરુધ્ધ કાર્યવાહી નહી કરવા સુચન કર્યુ હતુ. પોલીસ શબક ન શીખવાડે તો કાયદો અને વ્યવસ્થાનુ પાલન કરવુ કઠીન બને તેમ હોઈ પી.આઈ.ને ધમકી આપનાર આ બન્ને વિરુધ્ધ કાયદેસરની ફરજમાં રૂકાવટ અને અડચણ ઉભી કરવા બદલનો ગુનો નોધી ધરપકડ કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us