જેનાથી પ્રગતિના દ્વાર ખુલી જાય છે તે આત્માના અવાજને અનુસરવું જોઈએ
તંત્રી સ્થાનેથી…
આત્મા સો પરમાત્મા આ કથન આપણા ધર્મગ્રંથોમાં લખાયેલ છે. જે વ્યક્તિઓએ પોતાના આત્માના અવાજને ઓખળ્યો છે, સાંભળ્યો છે તે મહાન બની ગયા છે. આજે જેમણે આત્માના અવાજની અવગણના કરી તે માણસો સમાજમાં પૈસે ટકે મોટા બની શકેલ હોવા છતાં તેમનું અંગત જીવન દોઝખ બની ગયું છે. દરેક વ્યક્તિના શરીરમાં આત્મા બિરાજમાન છે. તે સ્વયંભૂ ભગવાન છે. વ્યક્તિ કોઈ કાર્ય કરવા જતી હોય ત્યારે તેનો આત્માનો અવાજ કાર્ય સાચુ કે ખોટું છે તે જણાવી દે છે. જો તે આત્માનો અવાજ સાંભળવામાં આવે તો તેનું જીવન ધન્ય બની જાય છે. આત્મા કદી પણ આપણને ખોટા રસ્તે લઈ જતો નથી. સદાય સારો અને સાચો રસ્તો જ ચીંધે છે. આપણે તે માનવું કે ન માનવું તે આપણા હાથની વાત છે. ચોરી કરનાર, લાંચ લેનાર, ધંધામાં દગો કરનાર, પારકુ ધન પચાવનાર વ્યક્તિને તેમના કર્તવ્ય વખતે આત્મા સંકેત આપે છે કે આ ખોટું છે. ચોરી કરનાર, લાંચ લેનાર, ખોટા કામો કરનાર વ્યક્તિના માથે મજબુરી હોય છે. જે મજબુરી ખોટા કામો કરાવે છે. ખોટા કર્મોનું પરિણામ કર્મના સિધ્ધાંત અનુસાર વ્યક્તિને આ જન્મ કે બીજા જન્મમાં ભોગવવું પડે છે. જેથી દરેક વ્યક્તિઓએ અંતર આત્માને પુછવું જોઈએ કે કર્મ કરી રહ્યો છું તે સાચુ છેકે ખોટું છે. એક મહાત્માએ કહ્યું છેકે આવેશમાં આવી તમારી પાસે કોઈ ખોટું કામ કરવાની પરિસ્થિતિ સર્જાય ત્યારે એક દિવસ આત્માને વિચાર કરવાનો સમય આપવો જોઈએ. આખો દિવસ ન મળે તો કલાક બે કલાક આત્માને વિચાર દો. અને જ્યારે વિકટ પરિસ્થિતિમાં નિર્ણય લેવો પડે તેવા સંજોગો ઉભા થાય ત્યારે તમે જે કાર્ય કરતાં તે પહેલા એક ગ્લાસ પાણી પી આત્માને વિચારવાનો સમય આપો. પોતાના આત્માના અવાજને માન આપી વર્તવાવાળી વ્યક્તિઓ કદિ જીવનમાં પાછી પડતી નથી. આત્માના અવાજથી કાર્ય કરનાર વ્યક્તિ માટે પ્રગતિના દરવાજા સદાય ખુલી જતા હોય છે. આત્માનો અવાજ તમારી ધર્મપરાયણતા અનુસાર સંભળાય છે. દરેક વ્યક્તિમાં આત્મા છે તે સ્વયંભૂ ભગવાન છે જ્યારે તમારા કાર્ય ધર્મ પ્રેરીત હોય ત્યારે આત્મા જાગૃત થાય છે. તમે જ્યારે ખોટા કાર્ય કરો છો ત્યારે તમારો આત્મા જાગૃત તો થાય છે પણ ખોટા કાર્ય પાછળની આસક્તિ આત્માના અવાજને દબાવી દે છે. આજના આધુનિક જમાનામાં અને ઝડપી ઈલેક્ટ્રીક યુગમાં અનેક લોકો બિનદાસ બની ગયા છે. બિન્દાસ લોકોનો લગાવ ધર્મ, પ્રભુ પ્રત્યે નથી હોતો. ધાર્મિક સંસ્થા મંદિરોમાં પથ્થરની મૂર્તિમાં ભગવાન નથી. ધર્મગુરૂઓ ઢોંગી છે, સમાજમાં ન ચાલ્યા એટલે ભગવા પહેરી લીધા છે. આવા ખરાબ વાક્યોનો શબ્દપ્રયોગ કરતા હોય છે. ધાર્મિક પ્રગતિશીલ વ્યક્તિઓએ જીવનમાં શરમ રાખ્યા વિના ધર્મનો પ્રભાવ બીજા ઉપર પાડી આત્માનો અવાજ સંભળાવતા કરવા જોઈએ. આ કાર્ય પરિવારજ કરી શકે. પરિવારના સભ્યો સારું શું અને ખોટું શું તે સમજાવી બાળકોને આત્માનો અવાજ કઈ રીતે સાંભળવો તે સમજાવી શકે. આપણા શુભ વિચારોનો પ્રભાવ પાડતાં બીજા આપણા માટે શું વિચારે છે તેવી ચિંતા કદી કરવી ન જોઈએ. શરમાળ વ્યક્તિઓ પોતાના આત્માનો અવાજ સાંભળે છે પણ તે બીજી કોઈ વ્યક્તિને કહી શકતા નથી. માતા-પિતાએ પોતાના બાળકોને શરમાળ ન રહે તેવો ઉછેર તો કરવો જ પડશે. કુટુંબ અને માતા-પિતા જ પોતાના બાળકોને સાચો રસ્તો બતાવશે તોજ બાળકોનું જીવન ધન્ય બની જશે.