
ખેરાલુ શહેરનો ડેવલપમેન્ટ પ્લાન બનાવવા પાલિકાની જનરલમાં ઠરાવ

ખેરાલુ શહેરનો ડેવલપમેન્ટ પ્લાન બનાવવા પાલિકાની જનરલમાં ઠરાવ
૨૦૦૨ ના વર્ષમાં પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ શહેરના વિકાસ માટે જોયેલુ સ્વપ્ન હવે પુર્ણ થશે
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેર માટે ૪-૨-૨૦૨૨ નો દિવસ ઐતિહાસિક નિર્ણયો માટેનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. કારણ કે ખેરાલુ શહેરના વિકાસનું વધુ એક પગથિયું પાર કર્યાનું કહેવાશે. પાલિકાની જનરલમાં મહેસાણા દુધસાગર ડેરીએ સૈનિક સ્કુલ બનાવવા જમીન માંગી હતી. જેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમજ આ જનરલમાં ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ હેઠળ વિસ્તાર વિકાસ મંડળની સત્તાઓ ખેરાલુ નગરપાલિકાને સુપરત કરવા ઠરાવ કરાયો છે. આ ઠરાવથી ખેરાલુ શહેરનો અભૂતપૂર્વ વિકાસ થશે અને ખેરાલુમાં રોડ, રસ્તા તથા ધંધા વિકાસને એક નવી દિશા મળશે. પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ ખેરાલુના અભૂતપૂર્વ વિકાસ માટે જે સ્વપ્ન જોયુ હતુ તે હવે ૨૦૨૨ ના વર્ષમાં ૨૦ વર્ષે પુર્ણ થવા જઈ રહ્યુ છે.
૨૦૦૨ ના વર્ષમાં ધારાસભ્ય પદે રમીલાબેન દેસાઈ ચુંટાયા હતા. તેમણે ખેરાલુ શહેરમાં આવતી પાલિકાની ચુંટણીમાં પહેલી વખત મેન્ડેટથી ચુંટણી કરાવી હતી. તે સમયે રમીલાબેન દેસાઈએ ભાજપના મેનીફેસ્ટોમાં લખ્યુ હતું કે, ખેરાલુ શહેરના વિકાસનો પ્લાન બનાવવામાં આવશે. ખેરાલુ શહેરનો બાયપાસ રોડ બનાવવામાં આવશે. ખેરાલુ પાલિકાના તે વખતના સાત વોર્ડમાંથી દરેક વોર્ડમાં ચુંટાયેલા સભ્યો ઉપરાંત્ત નગરના આગેવાનો પૈકી ત્રણ કે ચાર આગેવાનોની કમીટી બનશે. આ કમીટી ખેરાલુ શહેરની હદ, રોડ, રસ્તા, ગટરલાઈન, પાણીની લાઈન, સ્ટ્રીટલાઈટ, સફાઈ સહિત તમામ પ્રકારની સગવડોની પૂર્તતા માટે ભલામણ કરશે અને ખેરાલુ શહેરની તમામ તકલીફો દુર થશે. ત્યારબાદ ચુંટણીનું રીજલ્ટ આવ્યુ ૨૧ પૈકી ૧૮ સીટો ભાજપની આવી. પ્રથમ જનરલમાં પાણીનો બગાડ અટકાવવા મીટર નાંખવાની વાત આવી બે-ચાર ખાઈ બદેલા સભ્યોએ ખાનગીમાં સભ્યોને ઉશ્કેર્યો જેથી પાણીના મીટર નાંખવાનું મુલત્વી રખાયુ. બોર્ડના આગેવાનોની કમીટી બનાવવા વારંવાર રમીલાબેન દેસાઈ સમક્ષ રજુઆત પાલિકાના સભ્યો ગાંઠ્યા નહી. બાયપાસ રોડ બનાવવા રમીલાબેન દેસાઈએ પ્લાનીંગ શરુ કર્યુ ત્યારે બજારના કેટલાક આગેવાનોએ વિરોધ કર્યો કે બાયપાસ બસોના અવરજવરથી ખેરાલુનુ બજાર તુટી જશે. ધંધા રોજગારને નુકશાન થશે. બાયપાસનો પ્રશ્ન લટકી ગયો. રમીલાબેન દેસાઈએ જોયેલુ સ્વપ્ન હવે ગુજરાત સરકારના ફરજીયાત પત્રથી પુર્ણ થવા જઈ રહ્યુ છે. ખેરાલુ શહેર માટે ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ હેઠળ વિસ્તાર વિકાસ સત્તામંડળની સત્તાઓ સુપરત કરવા ફરજીયાત ઠરાવ કરવા પત્ર આવ્યો છે. જેથી પાલિકાએ તા.૪-૨-૨૦૨૨ ની જનરલમાં ઠરાવ કરીને મોકલી આપ્યો છે. હવે ખેરાલુ શહેરનો ડેવલપમેન્ટ પ્લાન બનશે. જેમાં એગ્રીકલ્ચર ઝોન, કોમર્શિયલ ઝોન, રેસીડેન્સીયલ ઝોન, ઈન્ડસ્ટ્રીયલ ઝોન, ગ્રીન ઝોન, રિઝર્વેશન ઝોન જેવા અલગ અલગ ઝોન બનશે. ઝોન આધારે ખેરાલુ શહેરની આજુબાજુની જમીનોના ભાવો નક્કી થશે. હાલ જે ખેરાલુ શહેરમાં આડેધડ વિકાસ થઈ રહ્યો છે તે બંધ થશે. ડેવલપમેન્ટ પ્લાન બન્યા પછી ખેરાલુ શહેરનો આયોજન બધ્ધ વિકાસ થશે. હાલ જે રીતે ગમે ત્યાં બિન ખેતી (એન.એ.)ની પરમીશનો અપાઈ રહી છે તે બંધ થશે. ખેરાલુ શહેરમાં બિલ્ડરો દ્વારા કોમર્શિયલ એન.એ. કરાવે તો મુખ્ય રસ્તાથી ૨૭ મીટર જમીન છોડવી પડે છે. ત્યારે મુખ્ય રોડ ઉપર એગ્રીકલ્ચર એન.એ. કરાવો તો મુખ્ય રોડથી ૨૨ મીટર જમીન છોડી બાંધકામ મળે છે. જેથી બિલ્ડરો પોતાના ફાયદા માટે એન.એ. કરાવી ગ્રાહકોને છેતરી ખીસા ભરી રહ્યા છે તે હવે બંધ થશે. ખેરાલુ પાલિકામાં અગાઉ અનેક વખત પ્રમુખો દ્વારા ડેવલપમેન્ટ પ્લાન બનાવવા જનરલમાં ચર્ચાઓ કરી છે. પરંતુ કેટલાક વિસ્તારની જમીનોના ભાવ ઘટી ન જાય તે માટે પાલિકા સભ્યોએ ઈરાદાપૂર્વક ખેરાલુનો ડેવલપમેન્ટ પ્લાન બનવા દીધો નથી.
તાજેતરમાં ઉત્તર ઝોનની ૩૦ નગરપાલિકાઓ પૈકી માત્ર ચાર નગરપાલિકાઓ દ્વારાજ ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યા નથી જેથી રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની સુચનાથી ફરજીયાત ડેવલપમેન્ટ પ્લાન માટે ઠરાવ કરીને મોકલવા હુકમ કરતા વિરોધ કરનારા સભ્યો પણ કોઈપણ પ્રકારનો વિરોધ કરી શક્યા નથી. વિરોધ કરનારા સભ્યોએ પણ સમર્થન આપ્યુ છે. ખેરાલુ શહેરનો ડી.પી. બની જશે ત્યારે શહેરમાં ટી.પી.નો ફરજીયાત અમલ થશે. નવા રોડ રસ્તા જાહેર થશે. બજારમાં નવી બનતી દુકાનોએ ફરજીયાત રોડ ઉપર પાંચ ફૂટ અને આંતરિક રસ્તાઓમાં ત્રણ ફૂટ જગ્યા ખુલ્લી છોડવી પડશે. આ નિયમ વર્ષોથી છે. પરંતુ ખેરાલુ ચિફ ઓફીસર સભ્યોના પ્રેશરમાં હોવાથી નવી બની રહેલી દુકાનોમાં એક ઈંચ પણ જગ્યા છોડ્યા વગર બાંધકામો કરાવી રહ્યા છે. હવે આવા તાયફા બંધ થશે અને સાચા અર્થમાં ખેરાલુ શહેરનો અભૂતપૂર્વ વિકાસ થશે.