સોશીયલ મીડીયા થકી લોન લેવા જતા ૭૨ લાખ GST ભરવાની નોટીસ મળી
વિસનગર તાલુકાના ભાન્ડુ ગામના વેપારીએ સાયબર ક્રાઈમમા છેતરપીંડીની ફરિયાદ કરી
સોશીયલ મીડીયા થકી લોન લેવા જતા ૭૨ લાખ GST ભરવાની નોટીસ મળી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સોશીયલ મીડીયા થકી થતી છેતરપીંડીના રોજ નવા કિસ્સા સામે આવી રહ્યા છે. વિસનગર તાલુકાના ભાન્ડુ ગામના વેપારીએ ફેસબુક આધારે લોન લેવા માટે ડોક્યુમેન્ટ આપ્યા હતા. ત્યારે ભેજાબાજ ચીટરે જી.એસ.ટી. નંબરનો યુઝર નેમ અને પાસવર્ડ મેળવી ૪ કરોડના બીલ બનાવ્યા હતા. ૧૮ ટકા જી.એસ.ટી.ના ઉઘરાણી માટે અધિકારી ઘરે આવતા વેપારીને છેતરાયાનો ખ્યાલ આવતા મહેસાણા સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરવામા આવી છે
સોશીયલ મિડીયા દ્વારા અત્યારે છેતરપીંડીના અનેક બનાવો બની રહ્યા છે. વ્યક્તિ શિક્ષીત હોય તો સોશીયલ મિડીયામા કોઈ ડોક્યુમેન્ટ, પાસવર્ડ, પીન નંબર વિગેરેની કોઈ આપ લે કરવી જોઈએ નહી. પરંતુ મનમા ગરજ લાલચ હોય છે ત્યારે લોકો ફસાતા હોય છે. વિસનગર તાલુકાના ભાન્ડુ ગામના અને વાલમ રોડ ઉપર શ્યામવિહાર બંગ્લોઝમા રહેતા પાર્થ કુમાર સંજયભાઈ પટેલ કાપડનો હોલસેલ ધંધો કરે છે. જેમને ધંધાના વિકાસ માટે લોનની જરૂરીયાત હતી. ત્યારે ફેસબુક ઉપર લોનની જાહેરાત જોઈ લોન લેવા માટે સંપર્ક કર્યો હતો. હોલસેલ વેપાર માટે લોન લેવાની હોઈ સામેના વ્યક્તિને વેપારીએ પોતાના તથા જામીનદાર તરીકે માસા-માસીના ડોક્યુમેન્ટ આપ્યા હતા. વેપારીએ ધંધા માટે પી.પી.એન્ટરપ્રાઈઝ નામનુ એકાઉન્ટ ખોલાવ્યુ હતુ. અને જી.એસ.ટી. નંબર પણ મેળવ્યો હતો. લોન આપવાની વાતચીતમાં સામેના વ્યક્તિએ વેપારીનો જી.એસ.ટી.નંબર યુઝરનેમ અને પાસવર્ડ મેળવી લીધો હતો. જે તમામ ડોક્યુમેન્ટ મેળવી લોન આપવાની વાત કરનાર વ્યક્તિએ પોતાનુ પોત પ્રકાશ્યુ હતુ અને વેપારીના જી.એસ.ટી.નંબર ઉપર ૧૮ ટકા જી.એસ.ટી. સાથે રૂા.૪ કરોડના બીલ બનાવી લીધા હતા.
ત્યારબાદ જી.એસ.ટી.ના અધિકારી વેપારીના ભાન્ડુ ખાતેના ઘરે જી.એસ.ટી.ની ઉઘરાણી આવતા વેપારીને તેમના નામે કરોડો રૂપિયાનુ ટ્રાન્ઝેક્શન થઈ ગયુ હોવાની જાણ થઈ હતી. વેપારીએ આ બાબતની સાયબર ક્રાઈમ સેલમા ફરિયાદ આપતા પોલીસે આરોપીના મોબાઈલ નંબર આધારે તપાસ હાથ ધરી છે.