Select Page

ર્ડા.ગજેન્દ્રપ્રસાદ આચાર્યની પ્રતિમાનુ અનાવરણ કરાયુ

શહેરની દરેક પ્રતિભાઓને પ્રતિમાના સ્વરૂપે પ્રસ્થાપિત કરવી જોઈએ-કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ

ર્ડા.ગજેન્દ્રપ્રસાદ આચાર્યની પ્રતિમાનુ અનાવરણ કરાયુ

એસ.કે.યુનિવર્સિટીમાં બની રહેલ કોમ્યુનીટી હોલમાં જયશંકર સુંદરીનું સ્ટેચ્યુ મુકવા વિચારણા ચાલી રહી છે-પ્રકાશભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સી.એન.કોમર્સ કોલેજમાં વર્ષો પહેલા શહેરમાં તબીબી ક્ષેત્રે સમાજસેવી ડૉકટર તરીકે નામના મેળવી હતી તેવા સેવાભાવી ડૉ. સ્વ.ગજેન્દ્રપ્રસાદ આચાર્યની પ્રતિમા અનાવરણ સમારોહ યોજાયો હતો. દ્વારકેશભાઈ મણીયાર અને નિકેતુભાઈ મણીયારના છેલ્લા છ વર્ષના પ્રયત્નો બાદ પ્રતિમા અનાવરણનો કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ તથા આમંત્રીતોની ઉપસ્થિતિમાં કોમર્સ કોલેજ સામેના ચાર રસ્તા ઉપર પ્રતિમાનુ અનાવરણ કરવામા આવ્યુ હતુ.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી મહર્ષિ દયાનંદ કેળવણી મંડળના મંત્રી, નિકેતુભાઈ મણીયાર, હરિહર સેવા મંડળના પ્રમુખ દ્વારકેશભાઈ મણીઆર તથા ડૉ.ગજેન્દ્ર આચાર્ય મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા તા.૬-ર-ર૦રરને રવિવારના રોજ સી.એન. કોમર્સ કોલેજમાં કુલભુષણ સ્વ.ડૉ.આચાર્ય ગજેન્દ્રપ્રસાદ રતનલાલની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. સમારંભના અધ્યક્ષ અને પ્રતિમાના ઉદ્‌ઘાટક કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, મુખ્ય મહેમાન એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, અતિથિ વિશેષ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, સેવાભાવી ડૉ.મહેશભાઈ ગાંધી, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, ડૉ.અસ્મિતાબેન આચાર્ય એડવોકેટ રાજકિશોર આચાર્ય તથા આમંત્રીતોએ હાજરી આપી હતી. દ્વારકેશભાઈ મણીઆરે સ્વાગત પ્રવચન કરી ડૉ.આચાર્ય સાહેબની સેવાકીય કારકિર્દીને યાદ કરી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે શહેરની દરેક પ્રતિભાઓને પ્રતિમાના સ્વરૂપે પ્રસ્થાપિત કરવાનું કામ આપણે સૌએ કરવાનુું છે. આચાર્ય સાહેબ, સાંકળચંદદાદા, રમણીકભાઈ મણીયાર, ભોળાભાઈ પટેલની પ્રતિમાઓ મુકવામા આવી છે. ત્યારે ભોળાભાઈ પટેલની પ્રતિમા સારી જગ્યાએ મુકવી જોઈએ તેવો મત છે. અને એ દિશામાં આગળ વધાર્યુ છે. શહેરની સુખ શાંતિ જાળવવા વિભુતિઓ શહેરમાં પ્રસ્થાપિત થાય તે જરૂર છે. ડૉ.આચાર્ય સાહેબે રાહત દરની સેવા કરી છે. પૈસા કમાયા હોતતો તેમના સંતાનોને અત્યારે પ્રેક્ટીસ કરવાની જરૂરીયાત રહી ન હોત. રાજકીય મહેચ્છા સીવાય જે લોકોએ સેવા કરી છે. તેમના નામ સદાય અમર રહે તેવા કાર્યો કરવાથી આવનારી પેઢીને પ્રોત્સાહન મળે છે. નિકેતુભાઈ તથા દ્વારકેશભાઈના ઘણા વર્ષોની મહેનત બાદ શક્ય બન્યુ છે. મોટા શહેરોમાં મોટા ડૉકટર, હાથ ખંખેરી નાખતા હતા ત્યારે ડૉ.આચાર્ય સાહેબ હાથ પકડતા હતા અને સારવાર કરતા હતા. આવી વિભુતિને પદ્મશ્રી મળવો જોઈએ. શહેરના સેવાભાવી લોકોનું પુસ્તક બનાવવું જોઈએ. જેમના અનુભવો મેળવવા હોય તેમના અભિપ્રાયો સાથેનું પુસ્તક તૈયાર કરવું જોઈએ. જેથી આવનારા સમયમાં પ્રોત્સાહન મળે શહેરનું જેમણે પ્રથમ તોરણ બાધ્યુ છે. તેવા વિશાજી ચાવડાનો ઈતિહાસ પણ દોહરાવવો જોઈએ.
પ્રકાશભાઈ પટેલ પ્રસંગોપ્રાત પ્રવચન કરતા જણાવ્યુ હતુ કે ડૉ.આચાર્ય સાહેબની પ્રતિમા અનાવરણ માટે મહેનત કરનાર દ્વારકેશભાઈ મણીયાર અને નિકેતુભાઈ મણીયારે વાત કરતા અમદાવાદના જાણીતા મુર્તિકારને બોલાવી પ્રતિમા બનાવડાવી છે. જે માટે રાકેશભાઈ મણીયારના પણ પ્રયત્નો હતા. આગામી એક બે વર્ષમાં નુતન હોસ્પિટલમાં કેન્સર ટ્રીટમેન્ટ તથા ન્યુરોલોજી સારવાર માટે સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવી રહી હોવાનું જણાવ્યુ હતુ. ડૉ.ગજેન્દ્ર પ્રસાદ આચાર્યની મુર્તિનુ અનાવરણ એ ગૌરવની બાબત જણાવી એસ.કે. યુનિવર્સિટીમા બની રહેલ કોમ્યુનીટી હોલમાં જયશંકર સુંદરીનુ સ્ટેચ્યુ અનાવરણ કરવાનું પણ વિચારણામાં હોવાનું જણાવ્યુ હતુ. આ પ્રસંગે સાંકળચંદ દાદાની શૈક્ષણિક ઔધોગિક સહકારી, તબીબી ક્ષેત્રની સેવાઓને પણ યાદ કરવામા આવી હતી. કોલેજમાં કાર્યક્રમ બાદ કોલેજ સામેના ચાર રસ્તા ઉપર સ્થાપિત કરવામા આવેલ ડૉ.ગજેન્દ્રપ્રસાદ આચાર્યની પ્રતિમાનું મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામા આવ્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us