કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવા પાલિકામાં ઠરાવ કરાયો
આ ઉનાળામાં પણ બામણચાયડા ટાંકીનુ પાણી મળશે નહી
કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવા પાલિકામાં ઠરાવ કરાયો
આ ઉનાળામાં પણ બામણચાયડા ટાંકીનુ પાણી મળશે નહી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં એમ.એન.કોલેજ અને ધરોઈ કોલોની રોડ ઉપરની સોસાયટીઓ ઉપર પીવાના પાણીમાં પનોતી બેઠી છે. બામણચાયડામાં સંપ અને ઓવરહેડ ટાંકી તૈયાર થયા બાદ બે ઉનાળા ગયા છતા પાઈપલાઈન નાખી શકાઈ નથી. બીજી વખત ટેન્ડરીંગ કરવામાં આવતા લોખંડના ભાવ વધતા કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર ન થતા બ્લેક લીસ્ટ કરવા ઠરાવ કરવામાં આવ્યો છે. પાલિકા પ્રમુખ તથા વોટર વર્કસ ચેરમેન આ વોર્ડના હોવા છતા બામણચાયડા વોટર વર્કસ ચાલુ કરી શકતા નથી તે એક કમનસીબી છે.
વિસનગરમાં ડોસાભાઈ બાગ ઓવરહેડ ટાંકીની પાઈપલાઈનમાં છેવાડાના વિસ્તારમાં આવેલ એમ.એન.કોલેજ રોડ તથા ધરોઈ કોલોની રોડની સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા વર્ષોની છે. આ વિસ્તારની લગભગ ૮૦ ઉપરાંત્ત સોસાયટીમાં પુરતા ફોર્સથી પાણી મળતુ નથી. ત્યારે ગઠબંધનના પૂર્વ પ્રમુખ શકુન્તલાબેન પટેલના શાસના બામણચાયડામાં સંપ તથા ઓવરહેડ ટાંકી માટેનુ ટેન્ડરીંગ કરાયુ હતુ. પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ પટેલના શાસનમાં સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી હતી.
બામણચાયડા સંપમાં ધરોઈનુ પાણી લાવવા થલોટા ચાર રસ્તાથી આઈ.ટી.આઈ. ચાર રસ્તા થઈ કૃષ્ણનગર સંપ સુધી ડી.આઈ. પાઈપલાઈન નાખવા માટે ટેન્ડરીંગ કરાયુ હતુ. જે પ્રથમ ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરે કામ કરવાનો ઈન્કાર કરતા ડીપોઝીટ જપ્ત કરવામાં આવી હતી. પાલિકામાં ભાજપના શાસનમાં રૂા.૯૬ લાખના ખર્ચે નાખવામાં આવનાર આ પાઈપલાઈન માટે ફરીથી ટેન્ડરીંગ કરવામાં આવતા એલ વનમાં આવેલ ક્રિષા કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરને વર્ષ ૨૦૨૧ ના સપ્ટેમ્બર માસમાં વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. આ સમયે કોન્ટ્રાક્ટર પાસે ઝડપી કામગીરી શરૂ કરાવવાની જરૂરીયાત હતી. પરંતુ ભાજપ શાસીત પાલિકાના છ માસ તો અંદરોઅંદર ઝઘડવામાં ગયા જેથી કોન્ટ્રાક્ટરે કામ શરૂ કર્યુ નહી.
ક્રિષા કન્સ્ટ્રક્શને કામમાં વિલંબ કરતા એટલામાં લોખંડના ભાવમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો થયો. કોન્ટ્રાક્ટર કામ શરૂ કરે તો રૂા.૧૫ થી ૨૦ લાખનુ નુકશાન થાય તેમ હોવાથી ભાવ ઘટે તો કામ કરવા માટે તૈયારી દર્શાવી. ઓગષ્ટ-૨૦૨૨ માં ટેન્ડરની ટાઈમ લીમીટ છે. ત્યારે વધારાના ખર્ચની મંજુરી મેળવી કોન્ટ્રાક્ટર પાસે પાઈપલાઈનનુ કામ કરાવી શકાતુ હતુ. ભૂતકાળમાં એવા ઘણા કામ થયા છેકે જેમાં ગ્રાન્ટમાંથી કામ શરૂ કર્યા બાદ વધારાનો ખર્ચ થતો હોય તો સ્વભંડોળમાંથી ફાળવણી કરી છે. પરંતુ પાલિકામાં જવાબદાર હોદ્દેદારો વચ્ચે એક સુત્રતા હોય તો સારો વિચાર આવે. અંદરોઅંદરના વિખવાદમાં વધારાના ખર્ચ માટે મંજુરી લાવી શક્યા નહી અને કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવા માટે પાલિકા જનરલમાં ઠરાવ કરવામાં આવ્યો છે.
હવે કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવા દરખાસ્ત કરવામાં આવશે, તેમાં સમય જશે. ત્યારબાદ મંજુરી મળ્યા પછી ફરીથી ત્રીજા પ્રયત્નનુ ટેન્ડરીંગ કરવામાં આવશે. એટલે આ ઉનાળામાં બામણચાયડા સંપનુ પાણી મળશે નહી તે ચોક્કસ વાત છે. આખા ગોવિંદચકલા સોસાયટી વિસ્તાર ઉપરાંત્ત ધરોઈ કોલોની રોડ વિસ્તારમાં પાણીની મુશ્કેલી છે. ત્યારે પ્રમુખ વર્ષાબેન પટેલ ગોવિંદચકલાના, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ ગોવિંદચકલાના, બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલ ગોવિંદચકલાના તેમજ વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલ ગોવિંદચકલાના આ હોદ્દેદારો આ સમગ્ર વિસ્તારમાં પુરતા ફોર્સથી પાણી મળે તેવી તીવ્ર ઈચ્છા શક્તિ દાખવશે તોજ દિવાળી સુધીમાં પાઈપલાઈન નંખાય તેમ છે. બાકી આવતા ૨૦૨૩ ના ઉનાળામાં પણ પાણી મળવુ મુશ્કેલ છે. જોકે પાલિકાના આ જવાબદાર હોદ્દેદારો પાસે હજુય સમય છે. નવુ ટેન્ડર ખર્ચ વધારીને પાડવાનુ છે. તો વધારાના ખર્ચની મંજુરી મેળવી ક્રિષા કન્સ્ટ્રક્શન પાસે કામ કરાવી શકાય તેમ છે. પાણીની કટોકટીની ગંભીરતા સમજી ફરતો ઠરાવ કરી બ્લીક લીસ્ટ કરવાના ઠરાવને રદ કરી શકાય તેમ છે. ગાંધીનગરથી વધારાના ખર્ચની તાત્કાલીક મંજુરી મેળવી આજ કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવામાં આવે તો ગોવિંદચકલા સોસાયટી અને ધરોઈ કોલોની રોડ વિસ્તારને વહેલુ ફોર્સથી પાણી મળે તેમ છે. જોકે આ માટે ગોવિંદચકલાના જવાબદાર હોદ્દેદારો આ વિસ્તારના લોકોના હિતમાં સમય ફાળવે તોજ શક્ય બને તેમ છે. બાકી વિધાનસભાની ચુંટણીમાં તો બામણચાયડા સંપ કેમ ચાલુ કરી શક્યા નહી તેવો લોકો જવાબ માગવાનાજ છે.