પી.આઈ.યુ.અધિકારીઓની નિષ્ક્રીયતાથી
સિવિલ હોસ્પિટલનો રૂા.૩૦ કરોડનો વિકાસ ખોરંભે
ઋષિભાઈ પટેલ આરોગ્ય મંત્રી બન્યા બાદ વિસનગરની સિવિલ હોસ્પિટલનો વિકાસ યુધ્ધના ધોરણે થશે તેવી આશા લોકોમાં બંધાઈ હતી. પરંતુ પી.આઈ.યુ.ના અધિકારીઓની નિષ્ક્રીયતાથી આરોગ્ય મંત્રી પદ મળ્યાના પાંચ મહિના બાદ પણ સિવિલ હોસ્પિટલના વિકાસ માટેનુ ટેન્ડરીંગ થઈ શક્યુ નથી તે દુર્ભાગ્યપુર્ણ બાબત છે. આરોગ્ય મંત્રી સમય ફાળવી શકતા નથી ત્યારે સિવીલ હોસ્પિટલના વિકાસ કામ હાથ ધરાશે કે નહી તેવી ચીંતા લોકોને સતાવી રહી છે.
ઋષિભાઈ પટેલ આરોગ્ય મંત્રી બન્યા બાદ પાંચ મહિના થવા છતા ટેન્ડરીંગ થઈ શક્યુ નથી
વિસનગરના ભાણા તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો જન્મ વિસનગરની સિવિલ હોસ્પિટલમાં થયો હતો. જેઓ આરોગ્ય મંત્રી હોવાના નાતે નવા ઓપીડી બીલ્ડીંગ માટે રૂા.૩ કરોડ ફાળવ્યા હતા. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં સિવિલ હોસ્પિટલના વિકાસ માટે સહેજ પણ દરકાર રાખી નહોતી. ત્યારે વિસનગર વિધાનસભામાં ત્રણ ટર્મથી ચુંટાઈ આવતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ આરોગ્ય મંત્રી બનતા સિવિલ હોસ્પિટલના વિકાસનુ ભાગ્ય ખુલશે તેવી આશા બંધાઈ છે. સિવિલ હોસ્પિટલમાં અસુવિધાઓના કારણે કેટલી મુશ્કેલીઓ પડે છે તેનો કોરોનાની બીજી લહેરમાં ઋષિભાઈ પટેલે જાત અનુભવ કર્યો છે.
આરોગ્ય મંત્રી બન્યા બાદ ઋષિભાઈ પટેલે લગભગ પાંચથી છ વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. જેમના પ્રયત્નોથીજ હોસ્પિટલમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ લેબની શરૂઆત થઈ છે. આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં કંઈ સુવિધાઓની જરૂરીયાત છે તે માટે હોસ્પિટલના ર્ડાક્ટરો, રોગી કલ્યાણ સમિતિ તથા પી.આઈ.યુ.ના અધિકારીઓ સાથે ચર્ચા કરી રૂા.૩૦ કરોડના ખર્ચે વિકાસ થાય તેની એક રૂપરેખા તૈયાર કરી છે.
સિવિલ હોસ્પિટલનો ઉપયોગ ર્ડાક્ટરોએ કરવાનો છે. ત્યારે પી.આઈ.યુ.ના અધિકારીઓ પોતાની મનમાની પ્રમાણે નકશા તૈયાર કરી રહ્યા છે. આમ ખોટી ખેચતાણના કારણે ઝડપી પ્લાન એસ્ટીમેટ તૈયાર થતો નથી અને ટેન્ડરીંગ કરી શકાતુ નથી. આરોગ્ય મંત્રી પાસે તબીબી શિક્ષણ તથા જળ સંપત્તી અને પાણી પુરવઠા મંત્રીની પણ જવાબદારી હોઈ સમય ફાળવી શકતા નથી. શનિવારે સાંજે તથા રવિવારનો દિવસ ફાળવે છે તેમાં રજુઆત માટે લોકોનો ઘસારો રહેતો હોવાથી સિવિલ હોસ્પિટલના વિકાસની યોગ્ય ચર્ચા થઈ શકતી નથી. વળી રવિવારનો દિવસ રજા હોવાથી અધિકારીઓ પણ મળવાનુ ટાળે છે. આવી પરિસ્થિતિના કારણે મંત્રી પદ મળ્યાના પાંચ મહિના બાદ પણ સિવિલ હોસ્પિટલના વિકાસ માટેનુ ટેન્ડરીંગ થઈ શકતુ નથી. હજુ પ્લાન એસ્ટીમેટ તૈયાર નથી. જે તૈયાર થતા બીજા બે માસ લાગશે. ટેન્ડર પ્રક્રિયામાં બે માસનો સમય લાગશે ત્યાં સુધીમાંતો વિધાનસભાની ચુંટણીઓની તૈયારીઓ શરૂ થશે. ત્યારે ઋષિભાઈ પટેલ આરોગ્ય મંત્રી બનતાજ સિવિલ હોસ્પિટલનો યુધ્ધના ધોરણે વિકાસ શરૂ થઈ જશે તેવી આશા ઠગારી નિવડે તેમ છે.