આયુષ્યમાન કાર્ડનો ૧૦૦ ટકા લાભાર્થીઓને લાભ અપાશે-ઋષિકેશભાઈ
વિસનગર એ.પી.એમ.સી.હોલ ખાતે ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગુરુવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે સરકારના “આપ કે દ્વાર આયુષ્યમાન” ના ત્રિદિવસીય મેઘા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગ ચિફ ઓફીસર અશ્વિનભાઈ પાઠક, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, મહેસાણા જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિષ્ણુભાઈ પટેલ, એ.પી.એમ.સી.ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર રાજુભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી રણછોડભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ ચૌધરી (ગુંજાળા), મહેશભાઈ પટેલ (સુંશી), સહિત આરોગ્ય ખાતાના કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ગંભીર બિમારીમાં વિના મૂલ્યે આધુનિક હોસ્પિટલમાં સારવાર મળી રહે તે માટે મા-કાર્ડ અને મા-વાત્સલ્યકાર્ડની યોજના કાર્યરત કરી હતી. જેનો ગુજરાતના લાખ્ખો નાગરિકોએ રૂા.ર લાખ સુધી વિના મૂલ્યે સારવાર લઈ આર્થિક રાહત મેળવી છે. સરકારે કોઈપણ પ્રજાલક્ષી યોજના કાગળ ઉપર સિમિત ન રહી જાય અને તેનો લાભ લોકો સુધી પહોંચે તેની સતત ચિંતા કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની સ્વાસ્થ્યની ચિંતા કરી કિડની, કેન્સર, હાર્ટ એટેક જેવી ગંભીર બિમારીમાં દર્દીઓને આધુનિક હોસ્પિટલમાં વિનામૂલ્યે સારી સારવાર મળી રહે તે માટે મા-કાર્ડ અને મા-વાત્સલ્ય કાર્ડનુ સંકલન કરી પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજના કાર્યરત કરી છે. ત્યારે ગુજરાત સરકારે “આપ કે દ્વાર આયુષ્યમાન” મેઘા ડ્રાઈવ અંતર્ગત રાજ્યના ૮૦ લાખ કુંટુબો એટલ કે ૪ કરોડ લાભાર્થીઓને રૂા. પ લાખનું આરોગ્યલક્ષી સુરક્ષા કવચ પુરુ પાડવા ઝુંબેશ શરૂ કરી છે. જેમાં અત્યાર સુધીમા રાજ્યના ૧.૧૮ કરોડ લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવી આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યુ છે. જેમા વિસનગર તાલુકામાં ૧૩ ટકા લોકોએ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનો લાભ લીધો છે. ત્યારે આગામી સમયમાં તાલુકામાં વધુમાં વધુ લોકો આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવી શકે તે માટે ત્રણ દિવસના વિસનગર શહેર સહિત ગોઠવા, ભાલક, પુદગામ, વાલમ અને કાંસા ગામમાં આયુષ્યમાન કાર્ડ કાઢવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આયુષ્યમાન કાર્ડ મેળવનાર કોઈ વ્યક્તિને કિડની, કેન્સર, હૃદયરોગ જેવી મોંઘી ખર્ચાળ સારવારની ગંભીર બિમારી થાય તો તેને ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં વિના મુલ્યે સારવાર મળશે. ત્યારે બિમારીના કારણે કોઈપણ કુટંબ દેવાદારના બને તે માટે દરેક નાગરિકે ફરજીયાત
આયુષ્માન કાર્ડ કઢાવી આરોગ્યનું સુરક્ષા કવચ ધારણ કરવું જોઈએ. જો કે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે તાલુકાના
નાગરિકોના
સ્વાસ્થ્યની ચિંતા કરી આગામી બે મહિનામાં ૧૦૦ ટકા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કાઢી આપી આરોગ્યનું સુરક્ષા કવચ પુરુ પાડવાનો નિર્ધાર કર્યો હતો. ત્યારે આરોગ્ય ખાતાના અધિકારીઓએ તેમના નિર્ધારને પુર્ણ કરવાની ખાત્રી આપી હતી. કાર્યક્રમની આભારવિધિ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડૉ.રાજુભાઈ ડી.પટેલે કરી હતી.