Select Page

વડનગરમાં વડાપ્રધાનના મોટા ભાઈની દેખરેખ છતા ગેરરીતી અટકતી નથી

વડનગરમાં વડાપ્રધાનના મોટા ભાઈની દેખરેખ છતા ગેરરીતી અટકતી નથી

નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને અત્યારે વડાપ્રધાન હોવા છતાં વડનગરના વિકાસ માટેના પ્રયત્નો ચુકતા નથી. હેરીટેજ સીટી માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. ત્યારે વડાપ્રધાનના મોટા ભાઈ સોમભાઈ મોદીની સીધી દેખરેખ હોવા છતા ગેરરીતી અટકતી નથી. કોન્ટ્રાક્ટરોની બેઈમાનીથી વડનગરના વિકાસની ઘોર ખોદાઈ છે. ત્યારે નવાઈની વાત છેકે કોના ઈશારે વડાપ્રધાનના વતનમાં ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થતી નથી. સોમાભાઈ મોદી ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો સામે કેમ ચુપ બેસી રહ્યા છે તેવી તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે.
વર્ષ-૨૦૦૨ પહેલા વડનગરની એક પછાત તાલુકામાં ગણના થતી હતી. આ તાલુકાની ક્યારેય કોઈએ કદર કરી નહોતી. ઉંઝા અને ખેરાલુ બે વિધાનસભા સીટમાં વહેચાયેલો તાલુકો હોવાથી વડનગર તાલુકો વિકાસથી વંચીત હતો. વડનગરના પેટાળમાં ઈતિહાસ ધરબાયેલો હતો. ત્યારે આ ઐતિહાસિક ધરોહરને બહાર લાવી વડનગરને હેરીટેજ સીટીનુ બિરૂદ આપવા કોઈ તસ્દી લીધી નહોતી. ત્યારે વડનગરના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બનતાની સાથે વડનગરના વિકાસનુ ભાગ્ય ખુલ્યુ. વડનગરના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવી. ત્યારબાદ વડાપ્રધાન બન્યા પછી પણ આખા દેશની જવાબદારી હોવા છતા નરેન્દ્રભાઈ મોદી વડનગરના વિકાસને ભુલ્યા નથી. જેમના પ્રયત્નોથીજ વડનગરને પ્રવાસનધામ, હેરીટેજ સીટી, સાંસ્કૃતિક નગરીનુ બીરૂદ મળ્યુ.
ત્યારે શરમની બાબત છેકે નરેન્દ્રભાઈ મોદીના દેશના પ્રથમ નાગરિકના હોદ્દાનો ઉપયોગ કરી વડનગરનો યાદગાર સર્વાંગી વિકાસ કરવાની જગ્યાએ કેટલાક લોકો ફળવાયેલા કરોડોની ગ્રાન્ટમાં કૌભાંડ કરવાનુ ચુકતા નથી. શર્મિષ્ઠા તળાવ, તાનારીરી ગાર્ડન, કોઠાલેક તળાવ વડનગરની તમામ દરવાજા વિગેરે વિકાસ કામ કરવામાં આવ્યા. પરંતુ પુર્ણ સંતોષ થાય તેવુ એક પણ કામ થયુ નથી. મોટાભાગના વિકાસ કામમાં રફ કામ થયુ છે. હાટકેશ્વર દાદાના મંદિરના વિકાસમાં પણ સંતોષ પૂર્ણ કામ થયુ નથી.
કેટલીક જગ્યાએ ચાર-પાંચ વર્ષથી વિકાસ કામ ચાલી રહ્યા છે. હાટકેશ્વર દરવાજાથી નદીઓળ દરવાજા લાઈટીંગ કામ ચાર વર્ષથી બાકી છે. દરવાજાના રીનોવેશનમાં પથ્થરોમાં તિરાડો પડી છે. કરોડોની જે ગ્રાન્ટ ફળવાય છે તેમાંથી મળતીયા અને કૌભાંડી કોન્ટ્રાક્ટરના ખીસ્સા ભરાય છે. જ્યારે વિકાસ કામમાં ઓછા વપરાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીની દરેક વિકાસ કામમાં સીધી દેખરેખ રહી છે. વડનગરમાં સરકારી કાર્યક્રમ હોય તો સોમાભાઈ મોદીની હાજરી સીવાય તો હોતો નથી. વિકાસ કામ સોમાભાઈ મોદીના ધ્યાન બહાર થતુ નથી. ત્યારે સોમાભાઈ મોદીની સીધી દેખરેખ હોવા છતા કોન્ટ્રાક્ટરો વિકાસ કામમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર કરે તે શરમની બાબત છે. વડનગરના વિકાસમાં આટલો ભ્રષ્ટાચાર થાય છે તો કેમ કોન્ટ્રાક્ટરો વિરોધમાં રજુઆત થતી નથી અને છાવરવામાં આવી રહ્યા છે. વિકાસ કામમાં થતા ભ્રષ્ટાચારની કોઈ ફરિયાદ કે રજુઆત કરે તો વડનગરના વિકાસમાં રોડા નાખી રહ્યા હોવાનુ કહી દબાવી દેવામાં આવે છે.
નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કાળથી વડાપ્રધાન કાળ સુધીમાં ૨૦ વર્ષનો સમય થયો. આટલા સમયમાં તો તક મળી છેતો વડનગરનો કોઈ વિકાસ બાકી રહેવો જોઈએ નહી. કોઈ સુવિધા બાકી રહેવી જોઈએ નહી. ત્યારે કરોડોની ગ્રાન્ટ ફાળવવા છતા વડનગર ઠેરનુ ઠેર છે. ફક્ત કાગળીયા ઉપર વિકાસ છે. જ્યારે સ્થળ ઉપરની પરિસ્થિતિ અલગ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us