Select Page

ખેરાલુ-સતલાસણાના ૪૪ ગામના તળાવો ભરવા સૈધ્ધાંતિક મંજુરી મળી

ખેરાલુ-સતલાસણાના ૪૪ ગામના તળાવો ભરવા સૈધ્ધાંતિક મંજુરી મળી

• વિધાનસભાની ચુંટણી પહેલા સર્વે કરી ટેન્ડરીંગ થવાની શક્યતા
• પાટણ સાંસદ અને પુર્વ ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ આજ યોજના માટે પાંચ- છ વર્ષ પહેલા માંગણી કરી ત્યારે ફોરેસ્ટ વિભાગે મંજુરી આપવા દીધી ન હોતી

ખેરાલુ વિધાનસભામાં ધરોઈ અને મુક્તેશ્વર બે ડેમ હોવા છતાં સિંચાઈના પાણી માટે કમાન્ડ વિસ્તારમા સમાવેશ કરાયો નથી. જેના કારણે જમીનમાંથી વ્યાપક પ્રમાણમાં બોર બનાવી પાણી ખેતી માટે ખેંચાઈ જતા પાણીના તળ ખુબજ નીચા ગયા છે. ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા રાજ્ય સરકારમાં અગાઉ માંગણી કરી હતી. પરંતુ તેનો અમલ થતો ન હતો. તાજેતરમાં વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પાણી પુરવઠા અને આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રી બનતા ૧૩ કરોડની યોજનાને સૈધ્ધાંતિક મંજુરી મળતા હવે આગામી બજેટમાં આ યોજનાનો ખર્ચ મંજુર થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ- છ વર્ષ પહેલા ધરોઈથી પાણી લીફ્ટ કરી પાઈપ લાઈન દ્વારા ઓછા ખર્ચે ખેરાલુ વિધાનસભાના ગામોમાં પાણી આપવા માંગણી કરાઈ હતી. ત્યારે ગુજરાત સરકારના એક મંત્રી દ્વારા ફોરેસ્ટ રીઝર્વ જમીન માંથી પાણીની પાઈપ-લાઈન પસાર થાય છે તેમ કહી આ યોજના ઉપર પડદો પાડી દીધો હતો. ત્યાર બાદ ગુજરાતના મંત્રી મંડળમા ભારે ફેરફાર આવ્યો. ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા કરાયેલી માંગણી માટે અગાઉ ભૌગોલીક પરિસ્થિતીનો સર્વે કરાયો હતો. ત્યારબાદ તાજેતરમાં પાણી પુરવઠા મંત્રી ઋષિભાઈ પટેલ અને રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરીએ ૧૩ કરોડની યોજનાને સૈધ્ધાંતિક મંજુરી આપી છે. આગામી સમયમાં પાઈપ લાઈન કેટલી જોઈએ? ક્યાથી પસાર થશે? કેટલો ખર્ચ થશે? કટલા સમયમાં કામ પુર્ણ થશે? જેવા સર્વે થશે ત્યારબાદ આ યોજના નાણા વિભાગ નાણા ફાળવે તે પછી ટેન્ડરીંગ કરવામાં આવશે.
ખેરાલુ અને સતલાસણા તાલુકાના ૪૪ ગામોના અસંખ્ય તળાવો ભરાશે જેનાથી જમીનમાં પાણીના તળ ઉંચા આવશે. અને ખેડુતો અને પશુપાલકો સમૃધ્ધ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે પુર્વ ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ આ યોજના માટે પાંચ- છ વર્ષ પહેલા માંગણી કરી ત્યારે સાથે સાથે ધરોઈની કેનાલમાથી ખોડામલી આસપાસ કોઈ જગ્યાએથી પાણી લીફ્ટ કરી ગ્રેવીટીથી પાણી ચિમનાબાઈ સરોવર પહોંચે તેવી રજુઆત પણ કરી હતી. જેનો કોઈ અમલ થયો જ નથી. પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના કારણે ખેરાલુ- સતલાસણા તાલુકાના ૪૪ ગામોના અસંખ્ય તળાવો ભરાશે.
અગાઉ જ્યારે ધારાસભ્ય અજમલજી ઠાકોરે જાહેરાત કરી કે, ખેરાલુ- સતલાસણા તાલુકાના ૪૪ ગામના તળાવો ભરવા પાઈપ લાઈન નંખાશે ત્યારે કેટલાક લોકો તેને ચુંટણી લક્ષી લોલીપોપ કહેતા હતા. પરંતુ કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ટુંકજ સમયમાં સૈધ્ધાંતિક મંજુરી આપી દેતા લોલીપોપ કહેનારા લોકોના મોંઢા સિવાઈ ગયા છે. હવે ક્યા ગામોમાં પાઈપ લાઈનથી પાણી પહોંચશે તે જોઈએ તો સતલાસણા તાલુકા ધરોઈ પાસેના  સોંતોલા, સમરાપુર, વજાપુર, નેદરડી, ગોઠડા, મુમનવાસ, નાના કોઠાસણા, મોટા કોઠાસણા, શેષપુર, ભાલુસણા, ભાટવાસ, નાની ભાલુ, ઉમરેચા, સેમોર, ઉમરી, વાંસડા, કુબડા, સરદારપુર (ચી), સુદાસણા, રીંછડા, ખીલોડ, જસપુર, કેશરપુરા તેમજ ખેરાલુ તાલુકાના વરેઠા, ડાલીસણા, ડાઓલ, ડભાડ, ચાણસોલ, મહિયલ, મહેકુબપુરા, સાકરી, મંદ્રોપુર, સુવરીયા, બળાદ, મલેકપુર, ફત્તેહપુર, સંતોકપુર, વિઠોડા, પાન્છા, હાથીપુરા, વાવડી આ તમામ ગામોમાં પાણી પહોંચશે. ત્યારે ધારાસભ્ય અજમલજી ઠાકોરે લુણવા ગામને પણ ઉમેરી પાઈપ લાઈનની માંગણી કરતા હવે ૪૪ ગામોની જગ્યાએ ૪૫ ગામોનાતળાવોને પાણી આપવા પાઈપ લાઈન નંખાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us