Select Page

દ્વેષભાવના રાજકારણમાં ગટર રીપેર થતી નથી?

વિસનગરમાં કાંસા રોડ ઉપરની ગટર ઉભરાવવાની સમસ્યા ઘણા સમયથી છે. મોટેભાગે કાંસા એન.એ. અને કાંસાના ગ્રામજનો ગટર ઉભરાવાથી સર્જાતી પારાવાર ગંદકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ચર્ચાય છેકે આ બન્ને ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થીત સરપંચ નહી ચુંટાતા ભાજપ શાસીત પાલિકા દ્વારા દ્વેષભાવ રાખી ગટર રીપેરીંગ કરવામાં આવતી નથી. જો આ સત્ય હોય તો કોના ઈશારે ગટર રીપેર થતી નથી. ગટરના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે ગટર રીપેર કરવાનુ જ્ઞાન પાલિકાને ક્યારે આવશે.
વિસનગરમાં દ્વેષભાવના રાજકારણમાં લોકો રીબાઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી કાંસા રોડ ઉમા બાવનની વાડી આગળની ગટર ઉભરાતા લોકો હેરાન થઈ ગયા છે. ગટરનુ ઢાંકણુ તુટી ગયુ હોવાથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પાલિકાની પસાર થતી ગટરલાઈન ઉભરાતી હોવાથી આ વિસ્તારના અને રોડ ઉપર કાયમી અવરજવર કરતા લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યુ હતુ. જેમાં પોલીસને બોલાવી ચક્કાજામ કરનારની અટકાયત કરવામાં આવી હતી. જાણવા મળ્યા પ્રમાણે ગટર રીપેરીંગનુ કામ કરવાનુ હતુ. પરંતુ કાંસા એન.એ. અને કાંસા ગ્રામ પંચાયતમાં ભાજપ વિરોધી વિચારધારા ધરાવતા સરપંચ ચુંટાતા દ્વેષભાવમાં ભાજપ શાસીત પાલિકા દ્વારા ગટર રીપેર કરવામાં આવતી નથી. ગટરથી હેરાન થતા લોકોએ ચક્કાજામ કર્યુ તેનો પણ દ્વેષભાવ રાખી ગટર રીપેર કરવામાં આવતી નથી.
ભાજપના શાસનમાં સમસ્યાઓનો નિકાલ ન આવે તો વિરોધમાં દેખાવ કરવાની પણ સ્વતંત્રતા નથી. ઉભરાતી ગટરની હેરાનગતી મુંગા મોઢે સહન કરે તો સમસ્યાનો નિકાલ આવવાનો નથી અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રની આંખ ખોલવા દેખાવ કે આંદોલન કરે તો પોલીસની હેરાનગતી સહન કરવાની કાંસા ચાર રસ્તા ઉપરથી કાંસા અને કાંસા એન.એ. ગ્રામજનોની વધારેમાં વધારે અવરજવર છે. ત્યારે ઉભરાતી ગટરથી આ લોકોજ વધારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. દ્વેષભાવના રાજકારણમાં પાલિકા ગટર રીપેર કરતી નહી હોવાની ચર્ચા છે ત્યારે દ્વેષભાવ રાખનાર એ કેમ ભુલી ગયા કે વિધાનસભાની ચુંટણી આવવાની છે. મત લેવા જશો તે વખતે મતદારો દ્વેષભાવ રાખશે તો?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us