કોપરસીટી કોમર્શિયલ કો.ઓ.ક્રેડીટ સોસાયટીનો ભવ્ય શુભારંભ
પોતાની નાણાંકીય સંસ્થા હોવાનો વેપારીઓની આતુરતાનો અંત
વિસનગરમાં લોકહિતમાં સંસ્થાઓ સ્થાપનાર અને પગભર બનાવનાર રાજુભાઈ પટેલ આર.કે., પટેલ કિર્તિભાઈ કલાનિકેતન, કોપરસીટી મરચન્ટ એસોસીએશન તથા સ્વસ્તિક મિત્ર મંડળના અભૂતપૂર્વ પ્રયત્નો તેમજ સહકારથી શહેરના વેપારીઓની પોતાની નાણાંકીય સંસ્થા હોવાની જે આતુરતા હતી તેનો અંત આવ્યો છે. વડીલોના અનુભવ આધારે સંસ્થાઓ સફળતાની શિખરો પ્રાપ્ત કરે તેવા શુભ આશયથી વડીલ વંદના સાથે કોપરસીટી લી.નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કોપરસીટી મરચન્ટ એસો.સાથે સંકળાયેલા ૭૨ એસો.ના હોદ્દેદારો તથા વેપારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમનુ સફળ સંચાલન કિર્તિભાઈ પટેલ, નિમેષભાઈ તાવડાવાળા તથા રમેશભાઈ પટેલ સાયકલવાળાએ કર્યુ હતુ.
વિસનગર શહેરની નાણાંકીય સંસ્થાઓ પડી ભાગતા શહેરના વેપારીઓને ઘણુ સહન કરવા વારો આવ્યો હતો. કોપરસીટી મરચન્ટ એસો.ની સ્થાપના થતા તેમા મોટી સંખ્યામાં વેપારી મંડળો જોડાતા સંગઠન શક્તિથી શહેરના વેપારીઓ માટે કંઈ કરવાના ઉમદા આશયથી કોપરસીટી કોમર્શિયલ કો.ઓ.ક્રેડીટ સોસાયટી સ્થાપવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો. શહેરની પોતાની નાણાંકીય સંસ્થાનુ સ્વપ્ન સાકાર કરવા આર.કે.પાર્ટી પ્લોટમાં તા.૩-૩-૨૦૨૨ ને ગુરુવારના રોજ સાંજે ૫-૩૦ કલાકે સદુથલા કૈલાસ ટેકરીના મહંત પ્રયાગપુરી મહારાજના આશિર્વાદથી કોપરસીટી કોમર્શિયલ ક્રેડીટ સોસાયટીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ૬૦ પ્લસની ઉંમર ધરાવતા વડીલોએ જીવનમાં ઘણો અનુભવ મેળવ્યો હોય છે. જે અનુભવનો લાભ લઈ સંસ્થાઓ સફળતા પ્રાપ્ત કરે તેવા આશયથી કરશનકાકા પટેલ, ચંદુભાઈ વકીલ, બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ, ર્ડા.જે.એન.ઝવેરી, ડી.એમ.પટેલ, પ્રતાપભાઈ ચૌધરી, જશુભાઈ પટેલ, નટુભાઈ પટેલ તિરૂપતી, મણીભાઈ પટેલ, કેશવલાલ પટેલ સ્વાગત, ચંદુભાઈ પટેલ ગંજબજાર, મગનભાઈ પટેલ મોતીલેમ વિગેરે વડીલોની વંદના સાથે સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા કોપરસીટી મરચન્ટ એસો.ના પ્રમુખ તેમજ વડનગર તાલુકા પંચાયતના પ્રમુખ પરેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, શહેરના વિકાસ માટે વેપારીઓનુ મજબુત સંગઠન જરૂરી છે. વેપારીઓની પ્રમાણીકતા, શાખ, નિતિમત્તા અને મુલ્યોના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિસનગરની સુવાસ ફેલાઈ છે. રોટરી હૉલમાં યોજાયેલ કાર્યક્રમમાં શહેરની પોતાની વેપારીઓની નાણાંકીય સંસ્થા બને તેવો વેપારીઓનો સુર હતો. અને ક્રેડીટ સોસાયટી બનાવવાની પહેલ કરી. ત્યારે શહેરના લોકોની અને વેપારીઓની હરહંમેશ ચીંતા કરતા રાજુભાઈ પટેલને ફાઉન્ડર પ્રમુખ તરીકેની જવાબદારી આપી. જ્યારે વિવિધ સંસ્થાઓમાં કામ કરતા પટેલ કિર્તિભાઈ કલાનિકેતનને એમ.ડી.ની. જવાબદારી આપી હતી. રાજુભાઈ પટેલે ક્યારેય કોઈપણ હોદ્દાની લાલચ રાખ્યા વગર શહેરને નેતૃત્વ પુરૂ પાડ્યુ છે. પક્ષા પક્ષીથી દુર રહી શહેરનો વિકાસ કરવો જોઈએ. વિવિધ સંસ્થાઓના વિકાસમાં જેમનો સિંહફાળો રહ્યો છે, વેપારીઓને સોશિયલ મીડીયા દ્વારા સતત જાણકારી આપતા તેમજ કોપરસીટી ક્રેડીટ સોસાયટીની મંજુરીથી લઈ શરૂ કરવા સુધી જેમનુ મહત્વનુ યોગદાન છે તેવા પટેલ કિર્તિભાઈ કલાનિકેતનનુ શાલ ઓઢાડી, મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે વિસનગર બીલ્ડર એસો.ના પ્રમુખ હરેશભાઈ પટેલે શહેરના બીલ્ડરોના સહકારથી રૂા.૧૩,૨૫,૧૧૧/- નુ દાન વોલન્ટરી બ્લડ બેંકમાં આપવાની જાહેરાત કરાઈ હતી.
કોપરસીટી ક્રેડીટ સોસાયટીના ફાઉન્ડર પ્રમુખ નિરાભીમાની આર.કે.જ્વેલર્સવાળા રાજુભાઈ પટેલે ક્રેડીટ સોસાયટી શરૂ કરવાનો શ્રેય કોપરસીટી મરચન્ટ એસો.ના વેપારીઓને આપી જણાવ્યુ હતું કે કોપરસીટી મરચન્ટ એસો. સાથે જોડાયેલ ૭૨ એસો.ના પ્રમુખ મંત્રી, કારોબારી સભ્યો તથા વેપારીઓના મનમાં શહેરનુ હિત સમાયેલુ છે જે ગૌરવની બાબત છે. વેપારીઓની એકતા હશે તો કોઈપણ કામ પૂરુ પાડીશુ. કિર્તિભાઈ પટેલ અમારૂ હાલતુ ચાલતુ મશીન છે. જે સંસ્થાઓના વિકાસ માટે ક્યારેય થાકતા નથી અને સતત પ્રવૃત્ત રહે છે. કાર્યક્રમમાં દરેક ક્ષેત્રના માહિર વડીલો ઉપસ્થિત છે. સલાહ લેવી તો વડીલોની લેવા જેમાં કંઈ જાણવા મળશે. સંસ્થા વટવૃક્ષ બને અને બેંક બને તેવા આશયથી અનુભવી વડીલોના આશિર્વાદથી વિકાસ થશે. અગાઉનુ રાજકારણ તંદુરસ્ત હતુ. જે પ્રમાણે અત્યારે તમામને સાથે લઈને ચાલીએ છીએ. મારૂ સ્વસ્તિક મિત્ર મંડળ ૩૦ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. સંસ્થાઓના વિકાસમાં ખભેખભો મિલાવી મિત્ર મંડળનો સહયોગ મળે છે. અત્યારે શહેરની બેંક નહી હોવાથી દર વર્ષે ૧૫ થી ૨૦ કરોડ રૂપિયા બહારની સંસ્થાઓમાં જાય છે. ગામની સંસ્થા હશે તો તેનો ફાયદો શહેરને થવાનો છે. બ્લડ બેંકને દાન જાહેર કરવા બદલ બીલ્ડર એસોસીએશનનો તથા દરેક સંસ્થાના વિકાસમાં સહકાર આપનાર વેપારીઓનો આભાર માન્યો હતો.
જી.ડી.હાઈસ્કુલના નિવૃત્ત આચાર્ય ડી.એમ.પટેલે પ્રબળ ઉત્સાહ અને જોષ વધારતુ પ્રવચન કર્યુ હતું કે, વિસનગરના મહાજનની આગવી પરંપરા અને ઓળખ રહી છે. શહેરના તમામ સેવા કાર્યોમાં મહાજનનો ફાળો છે. વિસનગરના મહાજનોની ખાસીયત છેકે લોકોની ચીંતા કરી મહાજને દાન આપ્યુ છે. વિસનગર સ્વયંમ સેવી સંસ્થાઓની તિર્થ ભૂમિ બની છે. શહેરના નગરશ્રેષ્ઠીઓ સ્વ.સાંકળચંદ કાકા, સ્વ.શીવાકાકા અને સ્વ.રમણીકભાઈ મણીયારની હરોળમાં હવે રાજુભાઈ પટેલનુ નામ ઉમેરાયુ છે. કોરોના કાળને યાદ કરતા જણાવ્યુ હતુ કે, કોરોનામાં નૂતન હોસ્પિટલ અને સાર્વજનિક સ્મશાનગૃહ ન હોતતો શહેરની દશા શુ થઈ હોત. લોકસેવાના કાર્યો કરી રાજુભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલ ગણ(સમુહ) પતિ(નાયક) બન્યા છે. ડી.એમ.પટેલની વિનંતીથી કાર્યક્રમમાં હાજર તમામ વેપારીઓ ઉભા થઈ તાલીઓ પાડી રાજુભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલનુ સન્માન કર્યુ હતુ.
પ્રચાર સાપ્તાહિકના તંત્રી બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતું કે, કોપરસીટી ક્રેડીટ સોસાયટીનો શુભારંભ થતા તરસ્યો માણસ પરબની રાહ જોતો હોય અને આખુ તળાવ મળે તેવો અનુભવ અત્યારે વેપારીઓ કરી રહ્યા છે. શહેરની તમામ બેંકો અને ક્રેડીટ સોસાયટીઓ બંધ થવાનુ કારણ મોટી સંખ્યામાં સભાસદ હોવાનુ કારણ દર્શાવી વધુમાં જણાવ્યુ હતું કે, ક્રેડીટ સોસાયટીમાં મોટી સંખ્યામાં સભાસદ બનાવી ટોળા ભેગા કરશો તો તેનો દુર ઉપયોગ થશે. અગાઉ શહેરની બેંકો તથા સંસ્થોઓએ મોટી સંખ્યામાં સભાસદ બનાવવાની ભુલ કરી હતી. રાજુભાઈ પટેલ અને કિર્તિભાઈ પટેલનો સારો વહીવટ છેતો ડીપોઝીટો તો મળવાનીજ છે. ધિરાણ કે લોન આપતી વખતે મતદાનનો હક્ક રહે નહી તેવા ટેમ્પરરી સભાસદ બનાવવા જોઈએ.
કરશનભાઈ પટેલે ઘણા વર્ષોની ગેપ પડી અને ઘણુ બધુ ગુમાવ્યા બાદ આપણી ક્રેડીટ સોસાયટી થઈ રહી છે. તેનો અત્યારે ઉત્સાહ અને ધમધમાટ જોવા મળી રહ્યો છે તેવી લાગણી વ્યક્ત કરી જણાવ્યુ હતું કે, સંસ્થામાં રાજકારણનો હેતુ હોવો જોઈએ નહી. નાણાંકીય સંસ્થા ઉભી કરવી કઠોર કામ છે. જેમાં ભગવાન શક્તિ આપે, સંસ્થામાં ભ્રષ્ટાચાર ન થાય અને પ્રમાણિકતા જળવાય તે ખુબજ જરૂરી છે. પ્રમાણિકતાથી વહીવટ કરશો તો ડીપોઝીટ આપો આપ આવવાની છે. ખરી પરિસ્થિતિમાં ક્રેડીટ સોસાયટી શરૂ કરી છે. જેમાં બધા જોડાય તેવી પ્રાર્થના.
કોપરસીટી ક્રેડીટ સોસાયટીના શુભારંભ કરવા બદલ પ્રમુખ તથા તેમની ટીમને શુભેચ્છા પાઠવી સંસ્થા મોટી બેંક બને અને હેતુ બર આવે તેવા આશિર્વાદ તથા શક્તિ મળે તેવી શુભેચ્છા સાથે પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, શહેરની નાણાંકીય સંસ્થા પ્રગતિના પંથે જતા અટકે તેવુ ન થાય તે જરૂરી છે. સંસ્થામાં સગાવાદ ભ્રષ્ટાચાર થાય છે તેવા આક્ષેપોને સમજીશુ તો આગળ વધીશુ. દરેક લોકો સંસ્થાની પ્રગતિમાં મદદરૂપ થાય તે જરૂરી છે. ક્રેડીટ સોસાયટીના શુભારંભથી વિસનગરનુ નવસર્જન થવાની શરૂઆત છે. જન્મથી મૃત્યુ સુધીની જરૂરીયાત પ્રમાણેની તમામ વ્યવસ્થા શહેરમાં ઉભી થઈ છે. બેંક વિસનગરની હશે તો શહેરનો વિકાસ થઈ શકશે. ક્રેડીટ સસાયટીના શુભારંભ પ્રસંગમાં ભોજન દાતા તરીકેનુ સૌજન્ય રાજુભાઈ પટેલે આપ્યુ હતુ. જેમાં હાજર તમામ વેપારીઓએ ભોજનનો સ્વાદ માણ્યો હતો.