આરોગ્યમંત્રી ઋષિભાઈ દ્વારા ૩૧ ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ
વન નેશન વન ડાયાલીસીસની દિશામાં પહેલ
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે વડનગર સિવિલ હોસ્પિટલમાં રાજ્યના વિવિધ શહેરમાં નિર્મિત ૩૧ ડાયાલીસીસ સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. જે પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતુ કે આગામી સમયમાં રાજ્યના તમામ તાલુકા અને જરૂરીયાત મુજબના વિસ્તારમાં ડાયાલીસીસ સેન્ટર શરુ કરાશે.
વિસનગરમાં ત્રણ ટર્મ ધારાસભ્ય રહેવાની સાથે વિસનગર સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિના સભ્યના નાતે હોસ્પિટલની જરૂરીયાતો પુરી કરવા તેમજ હોસ્પિટલના વિકાસ માટે ઘણા પ્રયત્નો કર્યા છે. જે અનુભવ અત્યારે આરોગ્ય મંત્રીની જવાબદારીમાં કામ આવી રહ્યો છે. આરોગ્ય મંત્રી બન્યા બાદ ઋષિભાઈ પટેલના સતત પ્રયત્નો રહ્યા છે કે લોકોને નજદીકમાં ઝડપી અને સરળતાથી આરોગ્યની સુવિધાઓ મળી રહે. આરોગ્ય મંત્રીના આ પ્રયત્નો રૂપે રાજ્યમાં એકજ દિવસમા ૩૧ ડાયાલીસીસ સેનટર શરૂ કરાતા તેનુ ઈ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. વડનગર સિવિલ હોસ્પિટલના ડાયાલીસીસ સેન્ટર તથા રાજ્યના અન્ય ડાયાલીસીસ સેન્ટરનો લોકાર્પણ કાર્યક્રમ વડનગરમા યોજાયો હતો. જે પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે રાજ્યમાં દરેક ડાયાલીસીસની જરૂરીયાત વાળા દર્દીને નજીકમાં ડાયાલીસીસની સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યના દરેક જીલ્લામાં મેડીકલ કોલેજ બને તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા સ્વપ્ન પ્રમાણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ટીમે ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે મોડલ સ્ટેટ બનાવ્યુ છે. કીડની સબંધીત બીમારી સાથે જોડાયેલા દર્દીઓને ૩૦-૪૦ કિ.મીની ત્રિજયામાં ડાયાલીસીસની સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ડાયાલીસીસ પ્રોગ્રામ કાર્યરત કરાયો છે. આ કાર્યક્રમ મુજબ અમદાવાદ કીડની ઈન્સ્ટીટયુટ દ્વારા શ્રેષ્ઠ સંચાલન કરી રાજ્યમાં ૬૧ ડાયાલીસીસ સેન્ટર કાર્યરત કરાયા છે. નવા ૩૧ સેન્ટરનું લોકાર્પણ થતા રાજ્યમાં ડાયાલીસીસ કેન્દ્રની સંખ્યા ૯ર થઈ છે. આ કાર્યક્રમમાં સાંસદ જુગલજી લોખંડવાલા, ધારાસભ્ય અજમલજી ઠાકોર, સામાજીક કાર્યકર સોમભાઈ મોદી વિગેરેએ હાજરી આપી હતી.