Select Page

સવાલા લગ્નપ્રસંગના જમણવારમાં ૧૨૫૦ ઉપરાંત્ત ફૂડ પોઈઝનીંગનો ભોગ બન્યા

ચો તરફથી ઝાડા ઉલ્ટીના કેસ આવતા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરવાની ફરજ પડી

વિસનગર કોંગ્રેસી અગ્રણી વજીરખાન પઠાણના પુત્રના લગ્નપ્રસંગના રિસેપ્શનમાં નોનવેજ ભોજન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ફૂડ પોઈઝનીંગની અસરનો ભોગ બન્યા હતા. કેસ મોટી સંખ્યામાં વધતા વિસનગરની આસપાસના તાલુકાની હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી હતી. બનાવની જાણ થતા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ અડધી રાત્રે દોડી આવી દર્દિઓને તાત્કાલીક સારવારની વ્યવસ્થા સંભાળી હતી. આખા જીલ્લામાંથી આમંત્રીત હોવાથી જીલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરવાની તંત્રને ફરજ પડી હતી. આ જમણવારમાં ૧૨૫૦ ઉપરાંત્ત લોકો ફૂડ પોઈઝનીંગનો ભોગ બન્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
વિસનગરના કોંગ્રેસ અગ્રણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન તેમજ બારહગામ ગુજરાત સુન્ની મુસ્લીમ સીપાઈ જમાતના પ્રમુખ વજીરખાન બીસ્મીલ્લાખાન પઠાણના પુત્ર શાહરૂખખાનના લગ્નપ્રસંગે સવાલા ગામ પાસેના એસ.વી.ફાર્મમાં તા.૪-૩ અને ૫-૩ એમ બે દિવસ ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં તા.૪-૩ ના રોજ ૧૮ થી ૨૦ હજાર માણસોનો નોનવેજનો ભોજન સમારંભ હતો. રાત્રીના ૧૧-૦૦ કલાક પછી ભોજન સમારંભમાં ભાગ લેનાર કેટલાક લોકોને ખોરાકી ઝેરની અસર થતા ઝાડા ઉલ્ટીની બીમારીના ભોગ બન્યા હતા. જેમને વિસનગર સિવિલ હોસ્પિટલમાં અને નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ફૂડ પોઈઝનીંગની અસર વધતા રાત્રે ૧૨-૦૦ વાગ્યા પછી તો ઝાડા-ઉલ્ટીના કેસમાં અચાનક વધારો થતા અફડાતફડી સર્જાઈ હતી. પ્રકાશભાઈ પટેલ રાત્રે ૧૨-૦૦ કલાકે નૂતન જનરલ હોસ્પિટલમાં પહોચી દર્દિઓની સારવારની વ્યવસ્થા સંભાળી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં એકદમ દર્દિઓનો ઘસારો વધતા બેડ ખૂટી પડ્યા હતા. પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયા વિગેરે સિવિલ હોસ્પિટલમાં પહોચી દર્દિઓની વ્યવસ્થા સંભાળી હતી. દર્દિઓ માટે ગોદળા મંગાવ્યા હતા. પાણીની બોટલોની વ્યવસ્થા કરી હતી. નવા બની રહેલા આઈ.સી.યુ. રૂમમાં એલોઝોન લાઈટની અડધી રાત્રે વ્યવસ્થા કરી હતી.
તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર. ડી.પટેલ, સિવિલ અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલ, આર.એમ.ઓ. ર્ડા.ગાર્ગીબેન પટેલ વિગેરે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ, સિવિલના અને તાલુકાના પી.એચ.સી. સેન્ટરના ૨૧ ર્ડાક્ટર, ૨૬ નર્સ વિગેરે સ્ટાફ દર્દિઓને તુર્તજ ઈન્જેક્શન આપવા, બોટલો ચડાવી દવાઓ આપવી વિગેરે સારવારમાં લાગી ગયા હતા. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલને રાત્રે અઢી વાગે જાણ થતાની સાથેજ તેઓ ગાંધીનગર મિનિસ્ટ્રી બંગ્લોઝમાંથી નિકળી વિસનગર આવી પહોચ્યા હતા. ફૂડ પોઈઝનીંગના કેસ વધારે હોવાથી આરોગ્ય મંત્રીએ જીલ્લા વહીવટી તંત્રને સુચના આપી દોડતુ કર્યુ હતુ.
ફૂડ પોઈઝનીંગ કેસની સંખ્યા એકજ સાથે વધતા વિસનગરની ખાનગી હોસ્પિટલ, નાના ક્લીનીક ધમધમી ઉઠ્યા હતા. રાત્રે દોઢ-બે વાગે દવાઓની જરૂર પડતા માયાબજારમાં પંકજભાઈ કંસારાએ શીવમ કેમીસ્ટ, બસ સ્ટેન્ડ સામે બાલાજી મેડિકલ તથા તિરૂપતી મેડિકલ સ્ટોર ખોલ્યા હતા. ફૂડ પોઈઝનીંગના આ બનાવથી અડધી રાત્રે વિસનગર એમ્બ્યુલન્સની સાયરનો અને વાહનોની અવરજવરથી ધમધમી ઉઠ્યુ હતુ. તાલુકાના ગામડાના લોકો પણ ફૂડ પોઈઝનીંગમાં સપડાતા હાઈવે ઉપર વાહનોની ભારે અવરજવર જોવા મળી હતી.
ઝાડા ઉલ્ટી અને પેટમાં દુઃખાવાના કેસ એક સામટા આવતા વિસનગરની હોસ્પિટલો જગ્યા રહી નહોતી. ત્યારે વડનગર, મહેસાણા, ઉંઝા, વિજાપુર, કડી, ખેરાલુ વિગેરે હોસ્પિટલોમાં દર્દિઓને દાખલ કરવાની ફરજ પડી હતી. આખા જીલ્લામાંથી લઘુમતિ સમાજના લોકો મોટી સંખ્યામાં જમણવારમાં ભાગ લીધો હોવાથી ફૂડ પોઈઝનીંગના કેસ સમગ્ર જીલ્લામાં નોધાતા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરી ટ્‌વીટર, વોટ્‌સએપ, ફેસબુક ઉપર સારવાર સંપર્ક નંબર વહીવટીને તંત્રને જાહેર કરવાની ફરજ પડી હતી. સિવિલ હોસ્પિટલમાં દવાઓ ખૂટતા મહેસાણા સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગના પાટણ વેરહાઉસમાંથી દવાઓનો જથ્થો મંગાવવાની ફરજ પડી હતી. બનાવની ગંભીરતા જાણી જીલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ, પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ, ડીડીઓ ર્ડા.ઓમપ્રકાશ વિગેરે અધિકારીઓ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ નૂતન જનરલ હોસ્પિટલ અને વડનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દાખલ કરાયેલા દર્દિઓની પૃચ્છા કરી હતી.
વિસનગર ફૂડ પોઈઝનીંગ હોનારતમાં વિસનગર સિવિલ હોસ્પિટલના અધિક્ષક પારૂલબેન પટેલ, ર્ડા.ગાર્ગીબેન પટેલ, આઈ.એમ.એ.વિસનગરમાં પ્રેસીડન્ટ ર્ડા.બીપીનભાઈ પટેલ સ્કીન સ્પેશ્યાલીસ્ટ, હોસ્પિટલના ર્ડાક્ટર, નર્સ વિગેરે દ્વારા જે સેવાભાવનાથી કામ કર્યુ હતુ તે બીરદાવનારૂ હતુ. રૂપલભાઈ પટેલ, મનીષભાઈ પટેલ, જે.એમ.ચૌહાણ, પૂર્વ કોર્પોરેટર જગદીશભાઈ પટેલ, કમલેશભાઈ ચૌહાણ વિગેરે ભાજપના કાર્યકરોએ આખી રાત ખડેપગે સેવા આપી હતી. આખી રાત કામ કરીને થાકેલા ર્ડાક્ટર, નર્સ તથા દર્દિઓ માટે સવારે ચા-બિસ્કીટ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ વોમીટીંગના કારણે આખુ હોસ્પિટલ ખરાબ થયુ હોવાથી રૂપલભાઈ પટેલે જાત દેખરેખમાં સફાઈ કરાવી હતી. કોમી એકતા અને ભાઈચારાની ભાવનાથી તમામ હોનારત સમયે એક બનતા ૧૨૫૦ ઉપરાંત્ત કેસ હોવા છતા કોઈ પણ ગંભીર બીમારીનુ ભોગ બન્યુ નહોતુ. મોટાભાગના દર્દિઓને અડધી રાત્રે તો કેટલાકને બીજા દિવસે ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

તમામ આગેવાનો હાજર રહી કોમી એકતા બતાવી છે-વજીરખાન પઠાણ
ગરીબ વર્ગથી માંડી અમીર વર્ગ સુધીના લાભ લે તેવી રીતે વજીરખાન પઠાણે પ્રસંગો ઉજવ્યા છે. પુત્રના લગ્ન પ્રસંગે ૧૮ થી ૨૦ હજાર લોકોનો જમણવાર હતો. જેમાં જાણીતા કેટરીંગ કોન્ટ્રાક્ટર દિલ્હી દરબાર કેટરર્સને જમણવારનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે કેટરર્સ અમદાવાદ માણેકચોકના હસમુખભાઈ નામની પેઢીમાંથી માવો ખરીદયો હતો. જમણવારમાં દુધીના હલવાથી ફૂડ પોઈઝનીંગ થતા મોટી સંખ્યામાં દર્દિઓને તાત્કાલીક સારવાર આપવા બદલ વજીરખાન પઠાણે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ તથા તમામ આગેવાનો હાજર રહી કોમી એકતા બતાવતા તેમનો આભાર માન્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts