Select Page

કેનાલ ઉપર નાળાના બહાને દબાણ-ગોવિંદભાઈ ગાંધી

વિસનગરમાં મહેસાણા રોડ ઉપરની કેનાલ ઉપર બનાવવામાં આવી રહેલ નાળાના કામમાં મોટા પ્રમાણમાં દબાણ થઈ રહ્યુ હોવાનુ પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ છે. નાળાની આસપાસ કેનાલની અંદર દિવાલ બનાવી કોઈના લાભમાં દુકાનો બને તેવી મેલી મુરાદથી કામ થઈ રહ્યુ છે. ત્યારે ભાજપના સભ્યો કેનાલના વિરોધમાં ગર્જ્યા એટલા વર્ષ્યા નહી તેવો વ્યંગ પૂર્વ પ્રમુખે કર્યો છે.
વિસનગરમાં મહેસાણા ચાર રસ્તા પાસેની દર્શન પાર્લર સામેની જગ્યામાં રહેણાંક મકાનની સ્કીમ માટે વરસાદી પાણીના વહેળા ઉપર આર.સી.સી.નુ નાળુ બનાવવામાં આવી રહ્યુ છે. ભાજપના બોર્ડમાં વહેળા ઉપર નાળુ બનાવવાના પ્રશ્ને ભાજપનાજ કેટલાક સભ્યોએ હોબાળો કર્યો હતો અને મંજુરી ન મળવી જોઈએ તેવી રજુઆત કરી હતી. ત્યારે પાલિકા દ્વારા આર.સી.સી. નાળુ બનાવવા એન.ઓ.સી. આપવામાં આવી હતી.
હાલમાં જે નાળાનુ કામ ચાલી રહ્યુ છે તે ઉપરથી જણાય છેકે નાળાનો વિરોધ કરનાર પાલિકા સભ્યો સાચા હતા. બીલ્ડરો દ્વારા આર.સી.સી. નાળાની આસપાસ દિવાલ બનાવી છે. જેને કોઈ જરૂરીયાત નથી. નાળાની આસપાસ જમીન લેવલથી એકથી દોઢ ફૂટ દિવાલ બનાવવામાં આવી છે. નાળુ બનાવ્યુ તેની આસપાસ કેનાલ સાંકડી થઈ હોવાનુ સ્પષ્ટ જણાય છે. ગેરકાયદેસર કામ થતુ હોવાનુ દેખાઈ રહ્યુ છે. ત્યારે ભાજપના સભ્યો કંઈ લાલચ મળતા ચુપ બેસી રહ્યા છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
આર.સી.સી.નાળાના નામે દબાણ પ્રવૃત્તી થતા પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ છેકે, બીલ્ડર વિકાસ કરે એનાથી કોઈ મતલબ નથી. વરસાદી પાણીના વહેળા ઉપર અન્ય જગ્યાએ પણ નાળા બન્યા છે. પરંતુ આ નાળુ વિશેષ પ્રકારનુ દબાણની મેલી મુરાદ સાથે બની રહ્યુ છે તે ચોક્કસ વાત છે. વહેળો જ્યા ખુલ્લો છે તે ભાગ પહોળો દેખાય છે. જ્યારે આર.સી.સી.ના નાળાની આસપાસનો વહેળાનો ભાગ સાંકડો થઈ ગયો છે. નાળાની આસપાસ સંરક્ષણ દિવાલ બનાવવાના બહાને વહેળાના ભાગમાં ૧૫ ફૂટ જેટલુ દબાણ કરવામાં આવ્યુ છે. જમીન લેવલથી દોઢ ફૂટ જેટલી ઉંચી દિવાલ બનાવવામાં આવી છે. નાળુ બનાવવાના બહાને ભાજપના શાસનમાં મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. વહેળાના અંદરના ભાગે ૧૫ ફૂટ જેટલુ દબાણ કરી રોડની બાજુમાં દુકાનો બનાવવામાં આવતી હોય તેવુ દેખાઈ રહ્યુ છે. પ્રજાએ પાલિકામાં ભાજપને બહુમતી આપી છે ત્યારે બહુમતીના જોરે ભાજપ શાસીત પાલિકા ગેરકાયદેસર દબાણોને પ્રોત્સાહન આપી પ્રજા સાથે વિશ્વાસઘાત કરી રહી છે. મહેસાણા રોડને અડીને દુકાનો બનશે તો શહેરના બજારોના ટ્રાફીક જેવી હાલત મુખ્ય માર્ગની બનશે.
આ વરસાદી વહેળામાંથી શહેરના મોટાભાગના વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ થાય છે. ત્યારે વહેળામાં આર.સી.સી. નાળુ અને તેના આસપાસના ભાગમાં દબાણ કરવામાં આવતા ભાગ સાંકડો થઈ જતા ભારે વરસાદમાં પાણીનો નિકાલ થઈ શકશે નહી. વહેળા ઉપરના દબાણોના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાશે. વરસાદી વહેળાની આસપાસ ઠાકોરવાસ આવેલો છે. ત્યારે આ સ્લમ વિસ્તારના કાચા મકાનોમાં પાણી ભરાશે. ભાજપના ફાયર બ્રાન્ડ કોર્પોરેટરો નામના છે. પહેલા આર.સી.સી. નાળાની મંજુરી ન મળે તે માટે વિરોધ કર્યા અને બરોબરના ગર્જ્યા. હવે જાણે કંઈ લાભ મળી ગયો હોય તેમ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ગાંધીજીના વાંદરા જેવુ કરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us