પરિવર્તન પેનલના એક ડીરેક્ટરે ટેકો આપતા
ખેરાલુ માર્કેટયાર્ડમાં ચેરમેન-વાઈસ ચેરમેન બીન હરીફ ચુંટાયા
ખેરાલુ માર્કેટયાર્ડની ચુંટણીમાં ૧પ ડીરેક્ટરોની ચુંટણી યોજાઈ ત્યારે પરિવર્તન પેનલે ભારે સંઘર્ષ કર્યા હતા. પરંતુ ભીખાલાલ ચાચરીયાની પેનલમાં ૧ર ડીરેક્ટરો ચુંટાયા હતા જયારે પરિવર્તન પેનલમાં ત્રણ ડીરેક્ટરો ચંટાયા હતા. ચુંટણી દરમ્યાન મતદાનમાંથી કાઢી નાંખેલી મંડળીઓને છેલ્લા સમયે મતદાન કરવાનો મોકો મળ્યો હતો. જેનો વિવાદ પુર્ણ થતા છેવટે ખેરાલુ માર્કેટયાર્ડના ચેરમેન વાઈસ ચેરમેનની ચુંટણી પ્રક્રિયા જાહેર થઈ હતી. જેમાં પરિવર્તન પેનલના જોઈતાભાઈ વાઘાભાઈ ચૌધરી (મંડાલી) એ ભીખાલાલ ચાચારીયાને ટેકો જાહેર કરતા અંતે ચેરમેન વાઈસ ચેરમેનની ચુંટણી બિન હરીફ થઈ હતી.
ખેરાલુ માર્કેટયાર્ડના ચેરમેન વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. માર્કેટયાર્ડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભીખાલાલ ચાચરીયા ચેરમેન પદે તેમજ વાઈસ ચેરમેન પદે ખેરાલુ તાલુકા વિશ્વ હિંદુ પરિષદ અને આર.એસ.એસ. સાથે જોડાયેલા સૌથી જુના કાર્યકરો પૈકીના દેવજીભાઈ ચૌધરી (ગોરીસણા) બિન હરીફ ચુંટાયા હતા. જેનો મેન્ડેટ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ,ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ ખેરાલુ પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલ આવ્યા હતા. ચુંટાયેલા ભાજપના ૧૧ સભ્યોને વ્હીપ બતાવી સંમત કર્યા બાદ મેન્ડેટ રજુ કર્યા હતા. જેમા ચેરમેન પદે ભીખાલાલ ચાચરીયા તથા વાઈસ ચેરમેન પદે દેવજીભાઈ ચૌધરીના નામનો મેન્ડેટ આવ્યો હતો. તમામ ચુંટાયેલા સભ્યો તથા એક સરકારી પ્રતિનિધીની સંમતિથી ચેરમેન વાઈસ ચેરમેન ચુંટાયેલા જાહેર કરાયા હતા.
હવે પ્રશ્નએ ઉપસ્થિત થતો હતો કે પરિવર્તન પેનલના ખેડુત વિભાગમાંથી ત્રણ ઉમેદવારો જીત્યા હતા છતા ચેરમેન, વાઈસ ચેરમેનની ચુંટણી બિન હરીફ કેવી રીતે થઈ ? ત્યારે આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યુ કે પરિવર્તન પેનલના ત્રણ ડીરેકટરો ચુંટાયા હતા. જેમા કપીલભાઈ ચૌધરી (પાન્છા), અને દિનેશભાઈ ચૌધરી (હીરવાણી) ચુંટણી લડવાના મુડમાં હતા પરંતુ ખેરાલુ ભાજપના ચુંટણી ચાણક્ય એક પશ્વિમ વિસ્તારના આગેવાને જોઈતાભાઈ વાઘાભાઈ ચૌધરી (મંડાલી)ને ભીખાલાલ ચાચરીયાની તરફેણમાં મત આપવા સંમત કરી લીધા હતા. ચેરમેન વાઈસ ચેરમનની ચુંંટણી લડવી હોય તો દરખાસ્ત કરનાર અને ટેકો આપનાર બે ડીરેક્ટરો જોઈએ તે ન મળતા છેવટે ખેરાલુ માર્કેટયાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેનની ચુંટણી બિન હરીફ જાહેર કરવામા આવી હતી. ચેરમેન, વાઈસ ચેરમેન, બિન હરીફ ચુંટાયેલા જાહેર થતા મોટી સંખ્યામાં આગેવાનો શુભેચ્છા આપી હાર પહેરાવતા જોવા મળ્યા હતા.