મરાઠાઓના શાસનકાળની સાંસ્કૃતિક અસરો પ્રમાણેની ઉજવણી આગવી ઓળખ બની છે
વિસનગરમાં ધૂળેટી પર્વે પરંપરાગત ખાસડા યુધ્ધ ખેલાયુ
સમાજ એકતાના દર્શન કરાવતા આ ખેલમાં તમામ સમાજના યુવકો ભાગ લે છે
વિસનગરમાં ધૂળેટી પર્વ વિશ્વમાં ક્યાંય ન જોયુ હોય તેવુ ખાસડા યુધ્ધ ખેલાયુ હતુ. સવારથીજ મેઈન બજારમાં એકઠા થયેલા યુવાનો બે જુથમાં વહેચાઈ શહેરમાંથી અનિષ્ટોનો નાશ કરવા અને વર્ષ દરમ્યાન સુખ શાંતી બની રહે તે માટે આગવી ઓળખ સમા યુધ્ધમાં જોડાયા હતા. ખાસડા યુધ્ધ બાદ ચોક્સી બજારમાં મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
હોળી ધૂળેટીના તહેવારની ગામડાઓમાં વિવિધ રમતો રમીને ઉજવણી કરવામાં આવે છે. સોશીયલ મીડીયાના યુગમાં બાળકો અને યુવાનો પરંપરાગત તહેવારોમાં રમાતી રમતોથી દુર થઈ રહ્યા છે. ત્યારે વિસનગર કોટ વિસ્તારના વિવિધ સમાજના યુવાનોએ ધૂળેટી પર્વે રમાતુ ખાસડા યુધ્ધની વર્ષોની પરંપરાને હજુ પણ જાળવી રાખી છે. શહેર અને તાલુકામાં જુથવાદનુ રાજકારણ છે. ત્યારે વિવિધ સમાજના યુવાનો ખેલદીલીથી બે જુથમાં વહેચાઈને પર્વમાં એક રહેવાનો સંદેશો આપી શહેરની આગવી ઓળખ સમુ ખાસડા યુધ્ધ ખેલે છે. ધૂળેટીના દિવસે ખાસડા યુધ્ધ રમવા માટે પહેલા લોકો વર્ષ દરમ્યાન તૂટેલા ખાસડા (ચપ્પલ) સાચવીને રાખતા હતા અને ખાસડાથીજ યુધ્ધ રમાતુ હતુ. ત્યારે હવે બટાકા, ટામેટા, રીંગણા, રવૈયા જેવા શાકભાજીથી યુધ્ધ રમાય છે. ધૂળેટીના દિવસે મેઈન બજારમાં ચોક્સી બજારથી એક ટાવર સુધીના ભાગમાં બે જુથ વચ્ચે ખાસડા યુધ્ધ ખેલાયુ હતુ. એક કલાકની આ રમત બાદ ચોક્સી બજારમાં યુવાનો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
ખાસડા યુધ્ધ વિસનગરમાં ક્યારથી શરૂ થયુ તે બાબતે શહેરના ઈતિહાસકાર ર્ડા.ઈશ્વરભાઈ ઓઝાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, ઈ.સ.૧૭૬૦ ની આસપાસ વિસનગરમાં મરાઠાઓનુ શાસન હતુ ત્યારે મરાઠાઓના કોઈ પ્રાન્તમાં ખાસડા યુધ્ધ ખેલાતુ હશે. જે મરાઠા સંસ્કૃતિ પ્રમાણે શહેરમાં ખાસડા યુધ્ધની શરૂઆત થઈ હતી. ૨૫૦ ઉપરાંત્ત વર્ષથી ધૂળેટી પર્વે વર્ષ પરંપરાગત ખાસડા યુધ્ધ ખેલાય છે. અનિષ્ટો ઉપર વિજય મેળવવા માટે કલ્યાણકારી આયામ ઉભા થાય તે આશયથી ખાસડા યુધ્ધ રમાય છે.