પાણી પુરવઠા મંત્રીના શહેરમાંજ ઉનાળો શરૂ થતા પાણીનો કકળાટ
ઋષિભાઈ પટેલ પાણી પુરવઠા મંત્રી હોવા છતાં શહેરીજનો પાણી માટે ટળવળી રહ્યા છે-શામળભાઈ દેસાઈ
પાણી વગર તહેવારો ઉજવવા એ વિસનગરના લોકોને આદત પડી ગઈ છે. ધરોઈ પાણી પુરવઠા તંત્રના ધાંધીયાના કારણે હિન્દુ તહેવારોમાં લોકોને પાણી વગર રહેવુ પડે છે. ધૂળેટી લોકોએ પાણી વગર ઉજવી ત્યારે તેના ચાર દિવસ બાદ ફરીથી રીપેરીંગના કારણે પુરવઠો બંધ કરવામાં આવતા પાણી કાપના વારંવારના બનાવથી કંટાળેલા શહેરીજનો વાલમ પ્લાન્ટનુ નર્મદાનુ પાણી ક્યારે ચાલુ થશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈએ વ્યંગ કર્યો છે કે પાણી પુરવઠા મંત્રીના શહેરના લોકોને પાણી વગર રહેવુ પડે છે. પાલિકાના આયોજનના અભાવે પણ સ્ટોરેજની ક્ષમતા હોવા છતાં પાણી કાપ સહન કરવો પડતો હોવાનુ પણ જણાવ્યુ છે.
સીંચાઈ અને પાણી પુરવઠા મંત્રી ઋષિભાઈ પટેલ સમગ્ર ગુજરાતમાં સીંચાઈનુ અને પીવાના પાણીનુ સુચારૂ આયોજન કરી રહ્યા છે. ત્યારે તેમના વિધાનસભા ક્ષેત્રમાંજ પાણી પુરવઠામાં ધબડકો વળ્યો છે. સતત બે વર્ષ કોરોનાના કારણે લોકો ધૂળેટી ઉજવી શક્યા નહોતા. કોરોના કાળ પસાર થઈ જતા આ વર્ષે લોકોએ ધૂળેટી પર્વ પુરા ઉત્સાહથી ઉજવવા તૈયારીઓ કરી હતી. ત્યારે ધરોઈ હેડ વર્કસ ખાતે કેબલ ફાયર થવાથી પાણી પુરવઠો બંધ કરવામાં આવતા લોકોને ધૂળેટી પર્વ પાણી વગર ઉજવવાની ફરજ પડી હતી. શહેરમાં એક દિવસ ધરોઈનુ પાણી બંધ રહે તો તેની અસર બે થી ત્રણ દિવસ સુધી જોવા મળે છે. આમ ધૂળેટીના પાણી કાપ બાદ શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવાઈ નહોતી ત્યારે તા.૨૧-૩-૨૦૨૨ ને સોમવારના રોજ ફરીથી જાહેરાત કરવામાં આવી હતી કે, ધરોઈ ઈન્ટેક વેલમાં રીપેરીંગ હોવાથી તા.૨૩-૩ ના રોજ શહેરમાં પુરવઠો બંધ રહેશે. જે જાણી લોકોમાં રોષ જોવા મળ્યો હતો કે, ધરોઈ પાણી પુરવઠાના અધિકારીએ પ્લાન્ટમાં શિયાળામાં કેમ રીપેરીંગ કરતા નથી. ઉનાળાના ખરા તાકડેજ રીપેરીંગના નાટક કરી પાણી વગર લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ઋષિભાઈ પટેલ અગાઉ ધારાસભ્ય હતા પરંતુ હવે પાણી પુરવઠા મંત્રી હોવા છતાં ધરોઈ પાણી પુરવઠાના અધિકારીઓ વિચાર કરતા નથી તે નવાઈની બાબત છે. ધરોઈ ફિલ્ટરેશન પ્લાન્ટની જુની મશીનરી અને ખવાઈ ગયેલી પાઈપલાઈનોના કારણે વારંવાર પીવાના પાણીની કટોકટી સર્જાય છે ત્યારે વિસનગર શહેર અને તાલુકાની પાણીની સમસ્યાનો અંત લાવનાર વાલમ ફીલ્ટરેશન પ્લાન્ટ ક્યારે શરૂ થાય છે તેની લોકો કાગડોળે રાહ જોઈને બેઠા છે.
ધરોઈ પ્લાનટમાં ક્ષતી અને રીપેરીંગના કારણે પાણી કાપની સમસ્યાનો સામનો કરતા નગરજનો બાબતે પાલિકા વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ છેકે, પાણી સંગ્રહ અને વિતરણનુ પાલિકામાં સુવ્યસ્થિત આયોજન નથી. શહેરી વિસ્તારના સંપ અને ઓવરહેડ ટાંકીઓમાં સ્ટોરેજની પુરતી ક્ષમતા છે. ત્યારે પાણી કાપના આગળના દિવસે સ્ટોરેજનુ આગોતરૂ આયોજન કરવામાં આવે તો બીજા દિવસે ૪૫ મિનિટ નહી તો ૨૦ થી ૨૫ મિનિટ પણ પાણી આપી શકાય. ધારાસભ્યનો શહેર અને તાલુકો હવે પાણી પુરવઠા મંત્રી ઋષિભાઈ પટેલનો શહેર તાલુકો બન્યો છે છતાં તહેવારમાં અને પાણી કાપના ચોથા દિવસે બીજી વખતનો કાપ એ શરમજનક બાબત છે. પાણી પુરવઠા મંત્રીના શહેરમાં લોકોને પાણી વગર ટળવળવુ પડે તે કેવુ?