Select Page

સરકારે પ્રજા માટે નાણાં કોથળી છુટી મુકી છે-ઋષિકેશભાઈ પટેલ

દેણપમા સુજલામ સુફલામ જળ અભિયાનમા પાંચમા તબક્કાનો શુભારંભ

દરેક નાગરિકે પાણી અને વિજળી બચાવવાનુ, વૃક્ષો વાવવાનુ તથા દિકરીઓને શિક્ષણ આપી દેશભક્તિનુ કાર્ય કરવુ જોઈએ. માત્ર ભારત માતાકી જય બોલવાથી દેશભક્તિ કરી ન કહેવાય-મંત્રી ઋષિકેશભાઈ પટેલ

વિસનગર તાલુકાના દેણપ ગામમાં ગુજરાત આરોગ્ય મંત્રી તેમજ જળસંપતિ અને પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે તા.૧૯-૩ના રોજ સુજલામ-સુફલામ અભિયાનના મહેસાણા જીલ્લાના પાંચમા તબક્કાનો શુભારંભ કરવામા આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના પુર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્ય રમણભાઈ પટેલ, કરશનભાઈ સોલંકી, અજમલજી ઠાકોર, જીલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, જીલ્લા વિકાસ અધિકારી ડા.ઓમપ્રકાશજી, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, એ.પી.એમ.સી.ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ, તાલુકા ડેલીગેટ વી.પી. પટેલ, આર.કે.પટેલ (જ્વેલર્સ), ગામના સમાજસેવક ઉદ્યોગપતિ અશોકભાઈ પટેલ, સરપંચ મંજુલાબેન પટેલ સહિત જળસંપતિ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, સરકારે વર્ષ ૨૦૧૮માં રાજ્યના તમામ ગામોમાં ભુગર્ભ જળસ્તરને ઉંચા લાવવા તથા વરસાદી પાણીનો સંગ્રહ કરવાના આશયથી સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કરી હતી. સરકારના પાંચમા તબક્કાના આ અભિયાનનો દેણપ ગામથી શુભારંભ કરવામાં આવ્યો છે. દેણપ ગામે સુજલામ સુફલામ અભિયાનનો સમગ્ર ઉત્તર ગુજરાતમાં વેગ આપવાનુ કામ કર્યુ છે. ભાજપ સરકાર છેલ્લા ૨૭ વર્ષથી ખેડુતોની ચિંતા કરી રહી છે. ખેડુતોના ખેતરમા પાણી પહોંચાડવાનું અને પુરતી વિજળી આપવાનુ કામ ભાજપ સરકારે કર્યુ છે. સરકારે આજદીન સુધી વિજળી ભાવોમાં કોઈ વધારો કર્યો નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ખેડુતોની ચિંતા કરી રહ્યા છે. ત્યારે દરેક નાગરિકે પાણી અને વિજળી બચાવવાનું, વૃક્ષો વાવવાનુ તથા દિકરીઓને શિક્ષણ આપી દેશભક્તિનુ કાર્ય કરવુ જોઈએ.માત્ર ભારત માતાકી જય બોલવાથી કે સરહદ ઉપર શહિદ થવાથી જ દેશભક્તિ કરી ના કહેવાય. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, સરકારે કોરોનાના કપરા કાળમાં પણ રાજ્યનો કોઈપણ ખેડુત સિંચાઈ માટે પાણીથી વંચિત રહી ન જાત તેની ચિંતા કરી હતી .અગાઉ દર વર્ષે ઉત્તર ગુજરાતમાં ૩ થી ૪ મીટર ભુગર્ભજળ નીચા જતા હતા. જે આ જળ અભિયાનના લીધે આજે ૪ થી ૫ મીટર ઉંચા આવ્યા છે. સરકારના આ જળ અભિયાનમાં તળાવો ઉંડા કરવા, જળાશયના ડીસીલ્ટીગના કામો, કેનાલની સાફ સફાઈ, ચેકડેમ રીપેરીંગ તેમજ નવા ચેકડેમ કાર્યરત કરી જળસંચયની કામગીરી ચાલી રહી છે. જેના પરિણામે રાજ્યમા ૧૫ હજાર લાખ ઘન ફુટ જેટલો જળસંગ્રહ વધવાનો અંદાજ છે.
વધુમા મંત્રીશ્રીએ આ જળ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૧માં નર્મદાની પાઈપ લાઈન દ્વારા ૧૫૮ ગામના ૨૩૭ તળાવો ભરવામા આવ્યા છે. વિકાસકામો હુ નહી પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકાર કરી રહી છે. ભાજપ સરકારે પ્રજાની સુખાકારી માટે નાણાં કોથળી છુટી મુકી છે. આજે સમગ્ર દેશમાં રાજ્યોમાં ઓછામાં ઓછા દેવા સાથે ગુજરાત સરકાર વિકાસના કામો કરે છે. ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં ગુજરાતમાં ભાજપની ૧૮૨ સીટો સાથે વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચુંટણીમા કેન્દ્રમા ફરીથી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરી ગ્રામજનોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ગ્રામજનો પણ તેમાં સમર્થન આપી ઉત્સાહ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ મહિલાઓને આર્થિકરીતે સક્ષમ બનવા માટે સખી મંડળમા જોડાઈ તેમજ સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
અત્રે મહત્વની બાબત છે કે, ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ રાજ્યના કેબિનેટ મંત્રી બન્યા પછી તાલુકામા તેમની જનસમર્થન યાત્રા નિકળી હતી. આ જનસમર્થન યાત્રા દેણપ ગામે આવી ત્યારે લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. જ્યારે આ કાર્યક્રમમાં આશરે ૨૦૦૦ જેટલી જનમેદની ઉમટી પડતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગ્રામ પંચાયતને સમરસ બનાવવા રૂા.૧.૧૧ કરોડનું માતબર દાન આપનાર ગામના ઉદ્યોગપતિ અશોકભાઈ માધવલાલ પટેલ, તાલુકા ડેલીગેટ વી.પી. પટેલ, ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે સમગ્ર કાર્યક્રમનુ સફળ અને સુચારૂ આયોજનનું માર્ગદર્શન આપનાર ઉમતાના પુર્વ સરપંચ અને તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલની કામગીરીની ભારોભાર પ્રશંસા કરી હતી. આ તળાવના ખાતમુહુર્ત પ્રસંગે દેણપના ગ્રામજનોએ ડી.જે.સાઉન્ડ સાથે ગામમાં ભવ્ય વરઘોડો કાઢી મંત્રી ઋષિકેશભાઈ પટેલનુ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનુ એન્કરીંગ વિજાપુરના હાસ્ય કલાકાર અજયભાઈ બારોટે કર્યુ હતુ. આભારવિધી પ્રહલાદભાઈ પ્રજાપતિએ કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts