Select Page

બાકી વેરામાં વ્યાજ માફી યોજનાની મુદત બે માસ વધારાઈ

પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી

મિલ્કતધારકોને વર્ષોની બાકી કરવેરાની રકમ ભરવામાં પ્રોત્સાહન મળે તે માટે પ્રોત્સાહક વળતર યોજનાનો સારો પ્રતિસાદ મળ્યો હતો. મુદત ખુબજ ટુંકી હોવાથી મુદત વધારવા પાલિકાના વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. જે યોજનામાં બે માસની મુદત વધારવામાં આવતા બાકી રહી ગયેલા મિલ્કતધારકોને વેરો ભરવામાં સમય મળી રહેશે.
નગરપાલિકાઓમાં મિલ્કતધારકો પાછલી બાકી રકમ ભરતા નહોતા. પાછલી બાકી વેરાની રકમ મોટા પ્રમાણમાં હતી. મિલ્કતધારકોને અગાઉના વર્ષોની બાકી કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે, વેરો ભરવામાં પ્રોત્સાહન મળે તેમજ પાલિકાઓની આવકમાં વધારો થાય તેવા વિશાળ હિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તા.૧૯-૨-૨૦૨૨ ના પરિપત્રથી “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” શરૂ કરી હતી. બાકી વેરામાં નોટીસ ફી, વ્યાજ માફી, પેનલ્ટી માફી તથા વોરંટ ફીની દંડનીય રકમ ૧૦૦ ટકા માફ કરવાની યોજનાની મુદત ૩૧-૩-૨૦૨૨ સુધીની હતી.
સરકારના આ પરિપત્ર બાદ પાલિકા જનરલની મંજુરી મેળવવાની હોઈ કેટલીક પાલિકાઓમાં વેરા વળતર યોજનાના અમલમાં વિરોધ થયો હતો. પ્રોત્સાહક વળતર યોજનાની જાહેરાત બાદ વર્ષો જૂના બાકી વેરા ભરવા મિલ્કતધારકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રૂા.૨૫ થી ૩૦ હજાર ઉપરના બાકી વેરામાં તો ૪૦ ટકા જેટલી રકમનુ વ્યાજ પેનલ્ટી માફી પેટે વળતર મળતુ હતુ. વર્ષો જૂના બાકીદારો વેરા ભરવા લાગ્યા અને વળતર મળતુ થયુ તેની જાણ થતાની સાથે વર્ષો જૂના અન્ય બાકીદારોનો પણ ઘસારો વધતો ગયો. વિસનગર પાલિકામાં દર વર્ષે હિસાબી વર્ષના છેલ્લા માસે વેરા વિભાગ સ્ટાફ ઉઘરાણી કરવા નિકળતો હતો ત્યારે માંડ રોજની દોઢ-બે લાખ રૂપિયાની વસુલાત થતી. ત્યારે પ્રોત્સાહક વળતર યોજનાના કારણે આખો માર્ચ મહિનો પાલિકાનો વેરા વિભાગ ધમધમતો રહ્યો હતો. જેમાં છેલ્લા ચાર દિવસમાંતો રોજની રૂા.૧૫ લાખ ઉપરાંત્તની વેરા આવક થઈ હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
સરકારની પ્રોત્સાહક વળતર યોજના સારી હતી. પરંતુ સમય ઓછો હતો. ત્યારે મિલ્કત ધારકોની પરિસ્થિતિ સમજી પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈએ તા.૧૭-૩-૨૦૨૨ ના રોજ વળતર યોજનાની મુદતમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી હતી. બે વર્ષથી કોરોના કાળ, ચોમાસામાં ઓછો વરસાદ, વાવાઝોડુ, કમોસમી વરસાદ જેવી વિસમ પરિસ્થિતિના કારણે આવક ઘટી હોવાથી જૂન-૨૦૨૨ સુધી વળતર યોજનાની મુદતમાં વધારો કરવા જણાવ્યુ હતુ. જોકે રાજ્યની અન્ય પાલિકાઓ અને નેતાઓ દ્વારા પણ મુદત વધારાની માંગણી કરવામાં આવી હતી. આવેલી રજુઆત સંદર્ભે સરકાર દ્વારા તા.૩૧-૫-૨૦૨૨ સુધી પ્રોત્સાહક વળતર યોજનાની મુદત વધારવામાં આવી છે. આર્થિક સંકડામણના કારણે જુના વેરા ભરવામાં બાકી રહી ગયેલા મિલ્કતધારકો બે માસમાં વેરો ભરી શકશે અને દંડનીય રકમમાંથી વળતર મેળવી શકશે.
પ્રોત્સાહક વળતર યોજનાની મુદતમાં બે માસનો વધારો કરવામાં આવતા પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે જણાવ્યુ છેકે નાગરિકોની સવલત તથા સગવડને ધ્યાનમાં રાખી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. બાકી રહી ગયેલા મિલ્કતધારકોને આ યોજનાનો લાભ લેવાની આ છેલ્લી તક છે. આવી પ્રોત્સાહક વળતર યોજનાઓ વારંવાર આવતી નથી.

• પાલિકા છેલ્લા ચાર દિવસમાં રૂા.૫૦ લાખ ઉપરાંત્તની વસુલાત
• નાગરિકોની સવલત તથા સગવડને ધ્યાનમાં રાખી બે માસની મુદત વધારાઈ-ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us