વિસનગર તાલુકા સંઘની ચુંટણીના જાહેરનામાથી સહકારી રાજકારણ ગરમાયુ
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક કમિટિની ૧૩ બેઠકો માટે યોજાનાર ચુંટણી માટે આસિસ્ટન્ટ કલેક્ટર વિસનગર દ્વારા બુધવારના રોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ હતુ. ત્યારે સંઘની મંડળીઓના પ્રતિનિધિઓ સંઘની વ્યવસ્થાપક કમિટિના સભ્ય બનવા માટે રાજકીય દાવપેચ શરૂ કરી દીધા છે. જોકે આ ચુંટણીમાં મંડળીઓના પેટાનિયમોની જોગવાઈઓ મુજબ જે સેવા મંડળી તાલુકા સંઘમા૧૦ હજાર કે તેથી વધુ શેર ધરાવતી હશે તેવી મંડળીઓના પ્રતિનિધિઓ જ ઉમેદવારી કરી શકશે. તેવી ચર્ચા થતા ઈતર મંડળીઓમાંથી ઠરાવ થયેલ પ્રતિનિધિઓ આ ચુંટણીમાં ઉમેદવારી કરવા માટે દોડધામ કરી રહ્યા હોવાનું ચર્ચાય છે.
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક કમિટિની ૧૩ બેઠકો માટે ચુંટણી યોજાનાર છે. મંડળીઓના પેટા નિયમોની જોગવાઈ મુજબ તાલુકા સંઘની વ્યવસ્થાપક કમિટિમાં કુલ ૧૫ સભ્યોમાં જીલ્લા રજીસ્ટર કચેરીથી એક પ્રિતિનિધિ નોમિનેટ કરવામાં આવશે અને તાલુકા સંઘ સાથે નાણાંકીય વ્યવહાર કર્યો હશે તેવા એક પ્રતિનિધિની નિમણુક થશે. આમ તાલુકા ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક કમિટિના ૧૩ બ્લોકમાં ૧૩ બેઠકો માટે ચુંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ ચુંટણી માટે આસીસ્ટન્ટ કલેક્ટર વિસનગર દ્વારા તા.૩૦-૩-૨૦૨૨ને બુધવારના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ હતુ .જેમાં મતદારયાદી સામે વાંધા રજુ કરવાની છેલ્લી તા.૭-૪-૨૦૨૨ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી પ્રાન્ત કચેરી વિસનગરમાં રજુ કરી શકાશે. કામ ચલાઉ મતદાર યાદી સામેના દાવા-વાંધાનો નિર્ણય તા.૮-૪-૨૦૨૨ને શુક્રવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકથી કામ પુર્ણ થાય ત્યા સુધી પ્રાન્ત કચેરીમાં કરાશે. છેવટની મતદાર યાદી તા.૧૧-૪ને સોમવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે પ્રાન્ત કચેરી વિસનગર, જિલ્લા કલેક્ટર કચેરી મહેસાણા, વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘ, જિલ્લા રજીસ્ટર કચેરી મહેસાણા અને વિસનગર મામલતદાર કચેરીમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. તા.૧૮-૪ સોમવારે અને ૧૯-૪ મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ થી બપોરે ૩-૦૦ કલાક સુધી વિસનગર મામલતદાર કચેરીથી ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ઉમેદવારી પત્ર ભરીને પરત આપી શકાશે. તેમજ મળેલ ઉમેદવારી પત્રોની યાદી આજ તારીખે મામલતદાર કચેરી વિસનગરમાં પ્રસિધ્ધ થશે. તા.૨૦-૪ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે વિસનગર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. અને સાંજે ૫-૦૦ કલાકે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિધ્ધ કરાશે. તા.૨૬-૪ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ થી બપોરે ૩-૦૦ કલાક સુધી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર પાછુ ખેચી શકાશે. ત્યારબાદ સાંજે ૫-૦૦ કલાકે હરિફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ થશે. તા.૯-૫ને સોમવારના રોજ સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦ કલાક સુધી વિસનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં મતદાન થશે. ત્યારબાદ બપોરના ૨-૦૦ કલાકથી કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી આજ સ્થળે મતગણતરી થશે અને મતગણતરી પુર્ણ થયા પછી તરતજ તેનુ પરિણામ જાહેર કરવામા આવશે. જોકે આ ચુંટણીમાં તાલુકા ખરીદ વેચાણ સંઘની ૧૩ બેઠકોમા ૧૨૩ મંડળીઓમાં ૬૦ સેવા સહકારી મંડળી અને ૬૩ ઈતર વિભાગની મંડળીઓના પ્રતિનિધિઓ મતદાન કરી શકશે. જોકે સહકારી મંડળીઓના પેટા નિયમોની જોગવાઈઓ મુજબ જે સેવા સહકારી મંડળી તાલુકા સંઘમાં ૧૦ હજાર કે કે તેથી વધુ શેર ધરાવતી હશે તેવી મંડળીઓના જ પ્રતિનિધિઓ વ્યવસ્થાપક કમિટિમાં ઉમેદવારી કરી શકશે. તેવી ચર્ચાઓ થતા ઈતર મંડળીઓમાંથી ઠરાવ થયેલ મંડળીના પ્રતિનિધિઓ આ ચુંટણીમાં ઉમેદવારી કરવા માટે રાજકીય દાવપેચ શરૂ કરી દીધા છે. બીજી બાજુ સહકારી ક્ષેત્રના નિષ્ણાંતોનુ માનવુ છે કે, આ સંઘની ચુંટણીમાં સંઘની ૧૩ બેઠકોમાં મોટાભાગની બેઠકો ઉપર બિન હરીફ ઉમેદવાર ચુંટાઈ આવશે. બે થી ત્રણ બેઠક ઉપર ચુંટણી યોજાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જે થાય તે પણ તાલુકા સંઘની ચુંટણીનુ જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ હાલની આગ ઝરતી ગરમીની જેમ સંઘની ચુંટણીનો ગરમાવો પણ વધી રહ્યો છે.