ત્રણ વિઘામાં સોલાર પ્લાન્ટથી રૂા.૩૩ લાખની આવક
ભાલકમાં તાલુકાનો પ્રથમ પ્રોજેક્ટ – દિવસમાં ૩૨૦૦ યુનિટનુ ઉત્પાદન
મફતમાં મળતી સોલાર ઉર્જાનો ટેકનોલોજી દ્વારા ઉપયોગ કરવામાં આવે તો લાખ્ખોની કમાણી કરી શકાય છે. વિસનગર તાલુકાના ભાલક ગામમાં ત્રણ વિઘા જમીનમાં સ્મોલ સ્કેલ ડીસ્ટુલીટેડ સોલાર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ કાર્યરત થતા ઉત્તર ગુજરાત વિજ કંપનીના અધિકારીઓ, જેટકોના અધિકારીઓ તથા જેમના દ્વારા આ પ્રોજેક્ટનુ કામ કરવામાં આવ્યુ છે તે એલાયન્સ એનર્જીના અપૂર્વ અતુલભાઈ બારોટ તથા ધવલભાઈ પટેલ વિગેરેએ હાજરી આપી હતી.
ખેડૂતો ખેતી કરતા વધુ આવક મેળવવા ગ્રીન એનર્જીની દિશા તરફ વળ્યા છે. જેના કારણે સરકારના સહકારથી વિજ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાઈ છે. કુરદતમાંથી મફત મળતી સુર્યઉર્જાનો સદ્ઉપયોગ કરી ટેકનોલોજી દ્વારા નવી આવક ઉભી થાય તેમજ દેશ અને રાજ્યને વિકાસ ક્ષેત્રે મજબુત બનાવવા શિક્ષિત ખેડૂતો કટીબંધ બન્યા છે. વિસનગર તાલુકાના ભાલક ગામમાં સ્મોલ સ્કેલ ડીસ્ટુલીટેડ સોલાર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વિજ ક્ષેત્રે મહત્વ ધરાવતો વિસનગર તાલુકાનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. જેમાં ઓછા મેઈન્ટેનન્સમાં લાબો સમય સુધી વિજળી પેદા થશે.
વિશ્વની ખ્યાતનામ વરલી પારસન કંપનીમાં ચીફ ઈલેક્ટ્રીકલ એન્જીનિયરની ફરજમાંથી નિવૃત્ત થયેલા, વિસનગર પરીમલ સોસાયટીમાં રહેતા રમેશભાઈ કાનજીભાઈ પટેલ દ્વારા આ પ્રોજેક્ટ નાખવામાં આવ્યો છે. આ સ્કીમમાં ઉત્તર ગુજરાત વિજ કંપની લી દ્વારા રૂા.૨.૮૩ મા પ્રતિ યુનિટ પાવર ખરીદવા ૨૫ વર્ષનો કરાર કરાયો છે. પ્રોજેક્ટની ડી.સી. કેપેસીટી ૭૨૦ કે.વી.ની છે. જેમાં રોજના ૩૨૦૦ યુનિટ વિજળીનુ ઉત્પાદન થશે. જેમાં રૂા.૩૨ થી ૩૩ લાખની વાર્ષિક આવક થવાનો અંદાજ છે.
પ્રોજેક્ટમાં હાઈ એફીયન્સી વર્લ્ડની પ્રતિષ્ઠીત કંપની લોંજીની સોલાર પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની એક પેનલની આઉટપુટ ૫૫૦ વોટ છે. પ્રોજેક્ટમાં બનેલો ડી.સી.પાવર એડવાન્સ ટેકનોલોજીના ઈન્ટવર્ટરથી એ.સી. પાવરમાં કન્વર્ટ થશે. જે પાવર ટ્રાન્સફર્મર સ્ટેપઅપ થઈ ભાલક સબ સ્ટેશનમાં જશે અને તાલુકાના વિજ વપરાશમાં ઉપયોગી બનશે. આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવતા ઉત્તર ગુજરાત વિજ કંપનીની વિસનગર વિભાગીય ઓફીસના એ.એ.પટેલ, કાર્યપાલક ઈજનેર ઓઝા સાહેબ, જેટકોના અધિકારીઓ વિગેરેએ હાજરી આપી હતી. વિસનગર પંથક માટે ગૌરવની બાબત તો એ છેકે, લક્ષ્મી ઈલેક્ટ્રીકની પેટા કંપની એલાયન્સ એનર્જીના અપૂર્વભાઈ બારોટ તથા ધવલભાઈ પટેલ દ્વારા પ્રોજેક્ટનુ સંપૂર્ણ કામકાજ કરવામાં આવ્યુ છે.