Select Page

સિવિલ હોસ્પિટલની રૂા.૨૨.૬૪ કરોડના ખર્ચે કાયાપલટ થશે

સિવિલ હોસ્પિટલની રૂા.૨૨.૬૪ કરોડના ખર્ચે કાયાપલટ થશે

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની ઉત્તમ આરોગ્ય સેવા માટે તાલુકાની જનતાને ભેટ

રેડીયોલોજી રૂમ સીટી સ્કેન, એક્સ-રે, સોનોગ્રાફી મશીનથી સજ્જ બનશે
દરેક બેડમાં ઓક્સીજન પાઈપલાઈનની સુવિધા

ઋષિભાઈ પટેલ આરોગ્ય મંત્રી બનતા વર્ષોથી વિકાસ અને સુવિધાઓથી વંચીત વિસનગર સિવિલ હોસ્પિટલનો વિકાસ ક્યારે થશે તેની આતુરતાથી રાહ જોવાતી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલની કાયાપલટ માટે રૂા.૨૨.૬૪ કરોડનુ ટેન્ડરીંગ કરી આરોગ્ય મંત્રીએ આધુનિક મશીનરી સાથે ઉત્તમ આરોગ્ય સેવાની તાલુકાની જનતાને ભેટ ધરી છે.
વિસનગર સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ અને સુવિધાઓ વર્ષોથી જૈસે થે હતી. મજબુત નેતાગીરીના અભાવે તેમજ દ્વેષભાવની નિતિના કારણે હોસ્પિટલનો વિકાસ થયો નહોતો. દાતાએ દાન આપેલ જગ્યાનો હેતુ અનુરૂપ ઉપયોગ થાય તેમજ વિકાસ થાય તે જરૂરી હતુ. વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ આરોગ્ય મંત્રી બનતા જ્યા રોજની ૫૦૦ થી ૬૦૦ ની ઓપીડી થાય છે તે સિવિલ હોસ્પિટલનો અદ્યતન વિકાસ થાય તેવી આશા બંધાઈ હતી. કોરોના કાળના કારણે સિવિલ હોસ્પિટલનુ કેટલુ મહત્વ છે તેનો ઋષિભાઈ પટેલે જાત અનુભવ કર્યો હતો. આરોગ્ય મંત્રીની જવાબદારી મળતાજ ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં રોગી કલ્યાણ સમિતિ, સિવિલ અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલ, પી.આઈ.યુ.વિભાગ વિગેરે હોસ્પિટલના વિકાસ માટે સક્રીય બન્યા હતા.
ઋષિભાઈ પટેલ આરોગ્ય મંત્રી બનતાજ વિસનગર સિવિલ હોસ્પિટલનો વિકાસ નકશો બનવાનુ શરૂ થયુ હતુ. દરમ્યાન બાંધકામ મટેરીયલ્સમાં ભાવ વધતા ફરીથી એસ્ટીમેટ બદલાયા. જાન્યુઆરી માસમાં કોરોના ત્રીજી લહેર આવી જેના કારણે હોસ્પિટલના વિકાસમાં વિલંબ થયો. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના સતત પ્રયત્નો અને દેખરેખથી પ્રોજેક્ટ ઈમ્પ્લીમેંટેશન યુનિટ દ્વારા સિવિલ હોસ્પિટલના વિકાસ માટે રૂા.૨૨,૬૪,૪૬,૨૬૮/- ની કિંમતનુ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે. હોસ્પિટલનુ ટેન્ડરીંગ થયુ હોવાનુ જાણી લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. સોશિયલ મીડીયામાં ઋષિભાઈ પટેલ ઉપર અભિનંદન વર્ષા થઈ હતી.
રૂા.૨૨.૬૪ કરોડના ખર્ચે હોસ્પિટલમાં કંઈ કામગીરી અને કેવો વિકાસ થશે તે જોઈએ તો, હાલ જે નવુ ઓ.પી.ડી. બીલ્ડીંગ છે તેના ઉપર ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર બનશે. ઈમરજન્સી ટ્રીટમેન્ટ માટે ટ્રોમા સેન્ટર બનશે. રેડીયોલોજી વિભાગમાં સીટી સ્કેન, એક્સ-રે, સોનોગ્રાફી મશીનની સગવડ ઉભી થશે. ટ્રોમા તથા રેડીયોલોજી વિભાગ ઓ.પી.ડી.ને કનેક્ટીંગ બનશે જેથી દર્દિને બીલ્ડીંગની બહાર લઈ જવો પડશે નહી. શંકાસ્પદ દર્દિને રાખવા માટે આઈશોલેશન વોર્ડ, દર્દિના સગાને રહેવા માટે રેનબસેરા, ડબલ ટેબલ પી.એમ. રૂમ, નર્સિંગ કોલેજમાં લેબોરેટરીની સગવડ, નવા રોડ, બ્લોક ડ્રેનેજ સીસ્ટમ વિગેરે બનશે.
કોરોનાની બીજી લહેરમાં ઓક્સીજનની શોર્ટેજ થઈ હતી. દર્દિઓને ઓક્સીજન મળતો નહોતો. ત્યારે વિસનગર સિવિલ હોસ્પિટલના તમામ ૧૨૨ બેડ ઓક્સીજન પાઈપલાઈનથી જોડાશે. ઓ.ટી., રેડીયોલોજી વિભાગ, આઈ.સી.યુ. ટ્રોમા વિગેરે જ્યા એ.સી.ની જરૂરીયાત હોય તે માટે એ.સી.પ્લાન્ટ બનાવાશે. સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડનુ પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે રેઈન વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ ઉભી કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં સરકારની આરોગ્યલક્ષી યોજનામાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવતી હોવાથી મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગ તથા જરૂરીયાતમંદ પરિવારોનો હોસ્પિટલમાં ભારે ઘસારો રહે છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા સિવિલ હોસ્પિટલનો જે વિકાસ કરવામાં આવી રહ્યો છે તે જરૂરીયાતમંદ પરિવારો માટે આશિર્વાદરૂપ બનશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us