CO જાણ કર્યા વગર રજા ઉપર જતા પ્રમુખની નારાજગી
પાલિકાનો વહીવટ રજળતો કરવો તે ગેરશીસ્ત છે-પ્રમુખ વર્ષાબેન પટેલ
એક સામાન્ય ખટરાગના કારણે વિસનગર પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસર આમને સામને થાય તેવા સંજોગો ઉભા થયા છે. ચીફ ઓફીસર પ્રમુખની જાણ બહાર રજા ઉપર ઉતરી જતા પ્રમુખે ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યુ છેકે, પાલિકાનો વહીવટ ખોરવાય તેવી પ્રવૃત્તી ગેરશીસ્ત છે.
વિસનગર પાલિકા ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક પરિવારના સભ્યની બીમારીના કારણે રજા ઉપર ઉતર્યા છે. આમ તો કોઈપણ ચીફ ઓફીસર રજા ઉપર જાય તો પાલિકા પ્રમુખને જાણ કરતા હોય છે. ત્યારે પ્રમુખ વર્ષાબેન પટેલને ચીફ ઓફીસરે રજા ઉપર ઉતારવાની આગોતરી કોઈ જાણ નહી કરતા ભારે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપ શાસીત પાલિકા બોર્ડ શહેરીજનોના પ્રશ્નો અને સુવિધા માટે કાયમ સંમત રહે છે. અત્યારે ચુંટણીનુ વર્ષ હોઈ કોઈ મુદ્દે ગાફેલ રહેવાય તો તેનો હોબાળો થતો હોય છે. વિરોધ કરવાની કોઈને તક ન મળે તે માટે જવાબદાર અધિકારી કે પદાધિકારી પાલિકામાં હાજર રહે તે ખુબજ જરૂરી છે. ચીફ ઓફીસર જાણ બહાર રજા ઉપર ઉતરી જતા શહેરના કેટલાક લોકોને હેરાન થવુ પડ્યુ હતુ.
કમાણા રોડ ઉપર આવેલ રૂદ્રાક્ષ સોસાયટીના નેળીયાના પ્રશ્નમાં દબાણ હટાવવા પાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હતી. અગાઉથી નોટીસ મળવાના કારણે સોસાયટીના રહીસો જેસીબી સાથે પાલિકા સ્ટાફની રાહ જોઈને બેઠા હતા. ત્યારે ચીફ ઓફીસર રજા ઉપર ઉતરી જતા દબાણની કાર્યવાહી નહી કરવાની કોઈ જાણ કરવામાં નહી આવતા સોસાયટીના રહીસો આખો દિવસ બેસી રહ્યા હતા. કમાણા રોડ ઉપર દબાણના મુદ્દે પાલિકા સભ્યના પતિ ગૌતમભાઈ કડીયા આ વિસ્તારના રહીસોનુ ડેલીગેશન લઈ રજુઆત માટે આવ્યા હતા. ત્યારે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હોઈ લોકોને પરત ફરવુ પડ્યુ હતુ. આ ઉપરાંત્ત શ્રીનગર સોસાયટીના મુદ્દે જાગૃતિબેન ભાવસાર પાલિકા આગળ ઉપવાસ ઉપર બેઠા હતા. જેમાં પણ ચીફ ઓફીસરની ગેરહાજરીના કારણે મુશ્કેલી ઉભી થઈ હતી. આવા સંજોગોમાં ચીફ ઓફીસર રજા ઉપર ગયા હોય તેની જાણ હોય તો પાલિકામાં હાજર રહીને લોકોને સંતોષકારક જવાબ આપી શકાય.
પ્રમુખ વર્ષાબેન પટેલે એ પણ નારાજગી વ્યક્ત કરી હતી કે, ચાર્જ કયા ચીફ ઓફીસરને આપ્યો તેની પણ જાણ કરવામાં આવી નથી. ચીફ ઓફીસર વગર કોઈ નિર્ણય લઈ શકાતા નથી. ત્યારે કોઈ મહત્વનો પ્રશ્ન હોય તો ચર્ચા કોની પાસે કરવી, લોકોને શું જવાબ આપવા. ચુંટણીના વર્ષમાં વિવાદો માંડ માંડ થાળે પાડીએ છીએ ત્યારે જાણે કોઈની પડી ન હોય તેમ ચીફ ઓફીસર જાણ કર્યા વગર રજા ઉપર ઉતરી જાય તે ચલાવી લેવાય નહી. પાલિકાનો વહીવટ રઝળતો કરવો તે ગેરશીસ્ત છે.