કાંસા એન.એ.થી નદી સુધી રૂા.૬.૭૦ કરોડના ખર્ચે પાઈપલાઈન નંખાશે
મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી વરસાદી પાણી નિકાલની વર્ષોની સમસ્યાનો અંત આવશે
ઋષિભાઈ પટેલ કેબિનેટ મંત્રી બન્યા બાદ વિસનગરમા ખોબલે ખોબલે નહી પરંતુ સુપડે સુપડે ગ્રાન્ટ ફળવાઈ રહી છે. કાંસા એન.એ. વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા વર્ષોથી છે. ત્યારે ઋષિકેશભાઈ પટેલના પ્રયત્નોથી કાંસા એન.એ.થી રૂપેણ નદી સુધી વરસાદી પાણીના નિકાલની પાઈપ લાઈન નાખવા માટે ધરોઈ નહેર વિભાગ નં.૩ દ્વારા રૂા.૬.૭૦ કરોડનું ટેન્ડરીંગ કરવામા આવતા એન.એ.વિસ્તારના લોકોમા આનંદની લાગણી ફેલાઈ છે.
કાંસા એન.એ.વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહી હોવાથી ચોમાસામા ભારે વરસાદમા પાણી ભરાઈ રહે છે. જ્યારે પણ સામટો એક-બે ઈંચ વરસાદ પડે ત્યારે બે થી ત્રણ ફુટ પાણી ભરવાના કારણે નાના વાહનોની અવર-જવરમા મુશ્કેલી ઉભી થાય છે. અને ગુરૂકુળ રોડ ઉપરની દલિત સમાજની સોસાયટીઓ તો ભારે વરસાદમાં બેટમા ફેરવાઈ જાય છે. આ વિસ્તારમાથી વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા માટે કાંસા એન.એ.ના પુર્વ સરપંચ અમિષાબેન પરમારના પતિ રાજુભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલના પતિ કે.સી.પટેલે એન.એ.વિસ્તારના રહીશોને સાથે રાખી ધારાસભ્ય ઋષિભાઈ પટેલને રજુઆત કરી હતી. ત્યારે તાલુકા પંચાયતના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ, માર્કેટ યાર્ડના ડીરેક્ટર રાજીવભાઈ પટેલ, મજેશભાઈ ભાંખરીયા, સુરેશભાઈ રબારી વિગેરે પણ વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય તેવી વ્યવસ્થા માટે પ્રયત્નશીલ હતા.
ધારાસભ્ય ઋષિભાઈ પટેલે સિંચાઈ મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા કાંસા એન.એથી રૂપેણ નદી સુધી વરસાદી પાણીની લાઈન નાખવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. કાંસા એન.એ. ગ્રામ પંચાયત ની ચુંટણી હતી તે સમયેજ પાઈપ લાઈન માટેની દરખાસ્ત કરવામા આવી હતી. પરંતુ ચુંટણી માહોલમા પાઈપલાઈનની દરખાસ્ત ઋષિભાઈ પટેલનો રાજકીય સ્ટંટ ગણવામા આવ્યો હતો. ચુંટણીનુ પરિણામ મળે કે ન મળે પરંતુ તક મળી છે તો ભેદભાવ કે રાગદ્વેષ વગર વિકાસ કામ કરવામા લોકોને પડતી મુશ્કેલીઓનો નિકાલ કરવો તેવા ધ્યેય સાથેના મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નો કાંસા એન.એ. વિસ્તારથી રૂપેણ નદી સુધી વરસાદી પાણી નિકાલ માટે પાઈપ લાઈન નાખવા રૂા.૬.૭૦ કરોડનું ટેન્ડર પાડવામા આવ્યુ છે. આ ચોમાસા પહેલા પાઈપ લાઈન નાખવામાં આવે તેવા પુરેપુરા પ્રયત્નો છે. કોઈ વિઘ્ન નહી આવે તો આવતા ચોમાસા પહેલા કાંસા એન.એ.વિસ્તારમા વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કાયમી અંત આવશે.