આકારણીપત્રક તૈયાર કરી વાંધા સુચનો મંગાવ્યા
વિસનગર પાલિકા વિસ્તાર મિલ્કત વેરામાં ૧૦ ટકા વધારો
વેરા વધારવામાં આવે છે ત્યારે પુરતી સુવિધાઓ આપવામાં આવતી નથી
પાલિકા સુવિધાઓ અને સેવા આપતુ ક્ષેત્ર છે. ત્યારે સરકારે ગ્રાન્ટની લાલચો આપી કાયદા અને નિયમોનુ પાલન કરાવી પાલિકાને વ્યવસાયીક ક્ષેત્ર બનાવી દીધુ છે. અગાઉ મિલ્કત વેરા પાંચ સાત વર્ષે વધતા હતા. હવે દર બે વર્ષે ૧૦ ટકા મિલ્કત વેરો વધારી કારમી મોંઘવારીમાં પડતા ઉપર પાટુ મારવામાં આવી રહ્યો હોવાનો મિલ્કતધારકો અનુભવ કરી રહ્યા છે. ૧૦ ટકા વેરા વધારા સાથેના આકારણીપત્રકો તૈયાર કરી પાલિકા દ્વારા વાંધા સુચનો મંગાવવામાં આવ્યા છે.
સુવિધાઓ અને સગવડ મેળવવી હોય તો ટેક્ષ ભરવો પણ જરૂરી છે. નવા ટેક્ષ લાગુ કરવામાં આવે છે અને વધારવામાં આવે છે. જ્યારે સગવડ અને સેવા અગાઉ કરતા પણ નિચલી કક્ષાએ જઈ રહી છે. પાલિકા દ્વારા પાણી વેરો વધાર્યો તે સમયે વિસનગરમાં ગુજરાતમાં સૌથી વધારે વેરો હતો. અત્યારે શહેરના ઘણા વિસ્તારમાં પાણી નિયમિત પૂરતુ મળતુ નથી. સફાઈ વેરો શરૂ કરાયો. અગાઉ રોજેરોજ મહોલ્લા અને સોસાયટીઓમાં સફાઈ થતી હતી. ત્યારે અલગ સફાઈવેરો આપવા છતા નિયમિત સફાઈ થતી નથી. લાઈટ વેરો શરૂ કરાયો ત્યારે લાઈટની કમ્પલેનનો નિકાલ થતો નથી.
જેટલો વેરો વસુલાય તે પ્રમાણે ગ્રાન્ટ આપવાની લાલચ આપી સરકારની સુચનાથી વખતોવખત જનતા ઉપર વેરાનુ ભારણ વધારવામાં આવી રહ્યુ છે. વર્ષ ૨૦૦૮-૦૯ માં દર બે વર્ષે મિલ્કત વેરામાં ૧૦ ટકા વધારો કરવાનો સરકારે પરિપત્ર કર્યો હતો. પાલિકા સ્વાયત્ત સંસ્થા છે. તેમ છતાં ગ્રાન્ટની લાલચ આપી આ પરિપત્રનો અમલ કરાયો. જે અનુસાર વર્ષ ૨૦૨૨-૨૩ થી વિસનગર પાલિકા વિસ્તારમાં ૧૦ ટકા વેરો વધારવામાં આવ્યો છે. જે અંતર્ગત વિસનગર પાલિકા દ્વારા જાહેર નોટીસ પ્રસિધ્ધ કરી, વિસનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ મિલ્કત ધારણ કરનાર તથા ભોગવટો કરનાર તમામને સુચના આપવામાં આવી છેકે, સને ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે પાલિકા વિસ્તારમાં આવેલી તમામ મિલ્કતોની ક્ષેત્રફળ આધારીત મિલ્કત વેરા અન્વયેના આકારણીપત્રકો મિલ્કત વેરા આકારણી નિયમની જોગવાઈ અનુસાર પ્રતિ ચો.મી.ના દરમાં ૧૦ ટકાના વધારા સાથે તૈયાર કરવામાં આવેલ છે. આ આકારણી પત્રકો નગરપાલિકા કચેરીમાં રજા સીવાયના દિવસો દરમ્યાન કચેરીના કામકાજના સમય દરમ્યાન દરેકને જોવાની છુટ છે. સબંધકર્તા તમામ મિલ્કતધારકોને વાર્ષિક આકારણી સામે કોઈપણ વાંધો હોય તો નોટીસ પ્રસિધ્ધ થયેથી ૩૦ દિવસમાં ઓફીસના સમય દરમ્યાન ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૦૭, ૧૦૮ અન્વયે લેખીત વાંધા સુચનોના કારણો જણાવી પ્રત્યેક મિલ્કતવાર અલગ અલગ અરજી કરીને નગરપાલિકાની ઓફીસમાં મોકલી આપવાની રહેશે. સમયમર્યાદામાં વાંધાઓ રજુ નહી થાય તો આકારણી સામે વાંધો નથી એમ માની સમયમર્યાદા બાદ કોઈ વાંધો કે તકરાર સાંભળવામાં આવશે નહી. તા.૧૩-૪-૨૦૨૨ ના રોજ પાલિકા દ્વારા જાહેર સુચના આપવામાં આવી છે. જેના એક માસમાં મિલ્કતધારકોને વાંધા સુચનો રજુ કરવાના રહેશે.
સફાઈવેરો શરૂ કરાયો પરંતુ સોસાયટીઓમાં અઠવાડીયે પણ સફાઈ થતી નથી