Select Page

પાલિકાની NOC બાદ વરસાદી વહેળામાં પાઈપ નાખી શકાશે

વિસનગર પાલિકાની રજુઆત સંદર્ભે માર્ગ મકાન વિભાગનો જવાબ

વિસનગર શહેરના વરસાદી પાણીનો જે વહેળામાં નિકાલ થાય છે તેના ઉપર મંજુરી વગર દબાણ થઈ રહ્યા છે. પાઈપલાઈનો નંખાય છે. જેમાં બીલ્ડરોની વગ સામે પાલિકા તંત્ર વહેળામાં થયેલા દબાણો દુર કરવામાં લાચારી અનુભવી રહ્યુ છે. પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં માર્ગ મકાન વિભાગ દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ છેકે પાલિકાની એન.ઓ.સી. બાદ આગળની કાર્યવાહી કરી શકાશે. જોકે કડા રોડ ઉપર મંજુરી વગર પાઈપો નાખવામાં આવી છે તેના વિરુધ્ધ શુ કાર્યવાહી કરવી તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
વિસનગરના ૯૦ ટકા ઉપરાંત્ત વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ મહેસાણા રોડ તથા કડા રોડ ઉપરના વહેળામાં થાય છે. ત્યારે પાલિકાની નિષ્કાળજીના કારણે નાળા બનવાના કારણે કેટલીક જગ્યાએ વહેળાનો ભાગ સાંકડો બની ગયો છે. તો વહેળામાં કોઈપણ પ્રકારની પૂર્વ મંજુરી વગર પાઈપલાઈનો નાખવામાં આવી છે. ભવિષ્યમાં જ્યારે પણ એક સામટો પાંચ સાત ઈંચ વરસાદ પડશે ત્યારે ચોક્કસ વાત છેકે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળશે અને ડૂબમાં જશે. વિસનગરના હિતનો ખ્યાલ રાખવાની જવાબદારી પાલિકાની છે ત્યારે પાલિકાની બેજવાબદારીથી ભારે વરસાદમાં જાનમાલનુ મોટુ નુકશાન થશે. વિજયભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ હતા ત્યારે પણ અને અત્યારે બાંધકામ ચેરમેન છે ત્યારે પણ વરસાદી વહેળામાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામ સામે વિરોધ કરી રહ્યા છે. બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલે ચીમકી આપી છેકે ભારે વરસાદમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાશે અને નુકશાન થશે તો વહેળામાં ગેરકાયદેસર બાંધકામ કરનાર તેમજ જવાબદાર અધિકારી સામે ફોજદારી કરવામાં ખચકાઈશ નહી.
જોકે શહેરી વિસ્તારમાં વહેળામાં ગેરકાયદેસર બાંધકામ થતુ હોય તો પાલિકા અટકાવી શકે. પરંતુ શહેરની હદની બહાર ગ્રામ્ય વિસ્તારમાં વહેળામાં થતા ગેરકાયદેસર બાંધકામ અટકાવવા પાલિકા તંત્ર લાચારી અનુભવી રહ્યુ છે. શહેરના કડા રોડ ઉપર બીલ્ડરો દ્વારા વરસાદી વહેળામાં કોઈપણ વિભાગની પૂર્વ મંજુરી વગર પાઈપલાઈનો નાખવામાં આવતા પાલિકા દ્વારા માર્ગ મકાન પેટા વિભાગ વિસનગરની ઓફીસે પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. જેમાં માર્ગ મકાન વિભાગ પેટા વિભાગ ઓફીસે કડા રોડ ઉપર એન.એ. કરાવી બાંધકામ કરનારને નોટીસ આપવામાં આવી છેકે, શહેરમાંથી પસાર થતા આવા વહેળા ઉપરની કામગીરી તથા આજુ બાજુ આપવાની થતી એપ્રોચની પરવાનગી પૂર્વે જે તે સબંધિત વિભાગ તથા નગરપાલિકાની પૂર્વ મંજુરી મેળવ્યા બાદજ આગળની ઘટતી કાર્યવાહી કરવી. વરસાદી પાણીના નિકાલને કોઈ અડચણ નથી તેવી વિસનગર નગરપાલિકા, ધરોઈ વિભાગ તથા ગ્રામ પંચાયતની એન.ઓ.સી. મેળવ્યા બાદજ આગળની કાર્યવાહી કરી શકાય. જોકે પાલિકા તથા માર્ગ મકાન વિભાગ માથેથી ખભે જવાબદારી ઉતારી છટકતા હોવાથી ગેરકાયદેસર મંજુરી વગર પાઈપો નાખવામાં આવી છે તેના વિરુધ્ધ કોઈ કાર્યવાહી થાય તેવુ કહી શકાય નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us